ગાંધીનગર : 2011 પછી હવે એટલે 12 વર્ષ પછી દાદાની સરકાર રાજયમા જંત્રીના દરોમાં વધારો કરવા આગળ વધી રહી છે. સરાકરે હવે આ દિશામાં સંવાદ પણ શરૂ કરી દીધો છે. છેલ્લે 2011માં જંત્રીના દરોમાં સુધારો કરવામાં આવ્યો હતો અને હવે 12 વર્ષ પછી તેમાં વધારો કરવાની વિચારણા સરકારે હાથ ધરી છે. નવા દરો હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી જાહેર કરાય તેવું લાગી રહ્યું છે. વિસ્તાર પ્રમાણે જંત્રીના દરો અલગ અલગ દરો રહેશે.
ગાંધીનગરમાં સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં જંત્રીના દરોમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી હોવાથી સરકારે તેના પર વિચાર કર્યો ન હતો પરંતુ હવે રેવન્યુ વધારવા અને જમીનના ભાવમાં અસમાનતા દૂર કરવા જંત્રીના ભાવમાં સુધારો કરવાની ભલામણ પર વિચારણા કરવાનું શરૂ કર્યું છે. અગાઉ સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોચ્યો હતો. સુરતના અરજદારની રીટમાં જત્રીના દરોમાં વધારો કરવાની દાદ માંગવામાં આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે જંત્રીના દરોમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થઇ શકે છે. આ પગલાંથી સરકારને વધારાની આવક થશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિષ્ણાંતો, બિલ્ડરો, ડેવલપર્સ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા વિના દરોની જાહેરાત થશે નહીં. આ સાથે સરકાર એવું ઇચ્છી રહી છે કે પ્રોપર્ટીની કિંમતમાં અસહ્ય વધારો થાય નહીં અને ખરીદનારા ગ્રાહકો પર બોજ પડે નહીં તેનું ધ્યાન રખાશે. કોરોના સંક્રમણના બે વર્ષ પછી અત્યારે રિયલ એસ્ટેટમાં તેજી આવી રહી છે. રાજ્યના મહાનગરો અને શહેરોમાં વિકાસ પણ થઇ રહ્યો છે. 2011માં જંત્રીના દરોમાં વધારો કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારપછી મિલકતના બજારભાવ અનેકગણા વધી ગયા છે તેથી આ દરોમાં વધારો કરવો આવશ્યક બન્યો છે. જો કે જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમ કે જમીન અને મિલકતનો પ્રકાર, પ્રોપર્ટીનો વિસ્તાર, પ્રોપર્ટીની બજાર કિંમત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા અને લોકોલિટીને આધાર બનાવવામાં આવે છે.
2019માં ગુજરાતમાં ભાજપની સરકારે જંત્રીના દરોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ રાજકીય દબાણને કારણે તેઓ નિર્ણય લઇ શક્યા ન હતા. એ સમયે મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગ સહિત સબંધિત વિભાગોના અધિકારીઓએ 2011ની જંત્રીના દરોમાં 20 થી 40 ટકા સુધીનો વધારો સૂચવ્યો હતો. જો કે આ દરો માટે બનાવવામાં આવેલા ડ્રાફ્ટને લાગુ કરી શકાયો નથી.