નવી દિલ્હી: દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શીત લહેરનો પ્રકોપ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના લોધી રોડ પર 5 જાન્યુઆરીના રોજ લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાનીમાં આ સિઝનનું આ સૌથી ઓછું તાપમાન છે. ઉત્તર પ્રદેશમાં પણ કડકડતી ઠંડીનો કહેર યથાવત છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. દિલ્હીનાં લોધી રોડ પર 2.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજધાનીમાં આ સિઝનનું આ સૌથી ઓછું તાપમાન છે. તેમજ સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 6:10 વાગ્યે 3.2 અને 6:10 થી 8:30 વચ્ચે 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ધુમ્મસની ચાદરમાં લપેટાયેલી રાજધાની દિલ્હીમાં ધર્મશાલા, નૈનીતાલ અને દેહરાદૂન કરતાં પણ વધુ ઠંડી પડી રહી છે.
આગ્રામાં ધુમ્મસનો કહેર, વિઝીબીલીટી શૂન્ય થઇ
કાતિલ ઠંડીના કારણે લોકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે. ગાઢ ધુમ્મસને કારણે રોડ અને રેલ્વે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. ઉત્તર પ્રદેશમાંથી પસાર થતી ડઝનબંધ ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાના કારણે લોકોને રસ્તા પર વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ કારણે 5 જાન્યુઆરીએ સવારે 8 વાગ્યાની આસપાસ આગ્રામાં વિઝિબિલિટી 0, ઝાંસીમાં 50 મીટર અને બરેલીમાં 200 મીટર સુધી પહોંચી ગઈ હતી.
દિલ્હી એરપોર્ટ પર એલર્ટ
દિલ્હી માટે હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ એલર્ટ વચ્ચે IGI એરપોર્ટે પણ ગાઢ ધુમ્મસને જોતા એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. મળતી માહિતી મુજબ મંગળવારે મોટી સંખ્યામાં ફ્લાઈટ મોડી પહોંચી હતી. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.
હજુ 2-૩ દિવસ કોલ્ડ વેવ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં આગામી 3 દિવસ સુધી ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. આ પછી તેની તીવ્રતા થોડી ઓછી થશે. આ સાથે ઉત્તરાખંડ, દક્ષિણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 2-3 દિવસ સુધી હળવા વરસાદની સંભાવના છે. આ સિવાય 2-3 દિવસ દરમિયાન ઉત્તરાખંડ અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ રહી શકે છે.