સુરત: સુરત મનપાનો (SMC) સપ્તાહના સાતેય દિવસ 24 કલાક પાણી યોજનાનો પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદમાં આવી રહ્યો છે. અગાઉ ન્યૂ નોર્થ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારમાં આ યોજના બાબતે વરસોથી લોકોમાં નારાજગી છે. જેના કારણે આ વિસ્તારમાં મનપાની ચૂંટણીમાં ભાજપનો (BJP) છેલ્લી બે ચૂંટણીથી (Election) સફાયો પણ થઇ રહ્યો છે. હવે આ પ્રોજેક્ટ શહેરના પાલ વિસ્તારમાં હાથ ધરાનાર હોવાથી પાલની જ્ઞાન સાગર સોસાયટીમાં હાઈડ્રોલિક વિભાગ દ્વારા રહેવાસીઓને નોટિસ (Notice) પાઠવીને નળ કનેકશન ગેરકાયદે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. હાઈડ્રોલિક વિભાગ દ્વારા પાઠવવામાં નોટિસમાં વોટર મીટર ફીટિંગ માટે થઈ રહેલા વિલંબમાં રહેવાસીઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. અલબત્ત, રહેવાસીઓ દ્વારા સોસાયટીઓમાં વોટર સપ્લાય સ્કીમ માટે નક્કી કરવામાં ઈજારદારના માણસો દ્વારા કોઈપણ પ્રકારનો સરવે કે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
વિસ્તૃત વિગતો મુજબ, સોસાયટીના રહેવાસીઓને હાઈડ્રોલિક વિભાગે પાઠવેલી નોટિસમાં જણાવાયું છે કે, 24 કલાક પાણી યોજના હેઠળ વોટર સપ્લાય સ્કીમના કોન્ટ્રાક્ટર સ્કાય વે ઈન્ફ્રા પ્રોજેક્ટ-શ્રી રંગ સેલ્સ કોર્પોરેશન દ્વારા વોટર મીટર માટેનાં ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હોવા છતાં સોસાયટીના સભ્યો દ્વારા ફોર્મ સ્વીકારવામાં કે ફોર્મ ભરીને પરત કરવામાં આવ્યા નથી. આ નોટિસમાં ઈજારદારના પ્રતિનિધિ દ્વારા અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો હોવા છતાં સહકાર ન મળ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટિસમાં વોટરકોડ-૪ના નિયમનો ઉલ્લેખ કરી નળજોડાણ નિયમબદ્ધ ન હોવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે. કેમ કે, આવું કંઇ હજુ થયું નથી. આ સંદર્ભે સોસાયટીના પ્રમુખ ભીમજીભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી સોસાયટીના પ્રમુખ છે અને આજદિન સુધી આ સોસાયટીમાં મનપાની વોટર સપ્લાય યોજના હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારનો સરવે કરવામાં આવ્યો નથી કે પછી કોઈપણ પ્રકારના ફોર્મનું વિતરણ પણ કરવામાં આવ્યું નથી.
સમયસર પ્રોજેક્ટ હાથ નહીં ધરી શકનાર ઇજારદારને છાવરવા નાટક થયું?
રાંદેર ઝોનના પાલ વિસ્તારમાં ૨૪x૭ કલાક વોટર સપ્લાય માટે સ્કાય વે ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા.લિ.-શ્રી રંગ સેલ્સ કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ નિયત સમય મુજબ પૂરો થાય તેમ લાગતું નથી. આથી કંપનીના કર્મચારીઓ દ્વારા જ્ઞાનસાગર સોસાયટીના પ્રમુખ સાથે કોઈપણ પ્રકારની મીટિંગ કર્યા વગર અને ફોર્મનું વિતરણ કર્યા વગર મનપાના સંબંધિત અધિકારીઓને હાથો બનાવી સીધી નોટિસ ફટકારી દેવામાં આવતાં કોન્ટ્રાક્ટર કે તેના જવાબદાર કર્મચારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો સૂર પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.