સુરત: સુરતમાં (Surat) લૂંટેરી દુલ્હનનો (Looteri Dulhan) વધુ એક બનાવ બન્યો છે. અહીંના કતારગામ વિસ્તારમાં રહેતા એક 37 વર્ષીય યુવાનની પત્ની લગ્નના પાંચમા દિવસે જ ભાગી ગઈ છે. ખરેખર તો ગેરેજના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાનને લગ્નના બહાને ઠગબાજ ટોળકી ભેટી ગઈ હતી. યુવકના લગ્ન થતાં ન હોવાથી ભાવનગરના ઈસમે મુંબઈની યુવતી સાથે મળી તેના લગ્ન કરાવ્યા હતા. જોકે ત્યારબાદ પાંચ દિવસ સાથે રહ્યા બાદ યુવતીએ તેની માતાને મળવા જવાનું છે કહી ઘરમાંથી કપડાં તથા દાગીના લઈ ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે તેના લગ્ન કરાવી આપનારનો સંપર્ક કરતા તેઓએ પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધા હતા. યુવકના લગ્ન કરાવવા માટે ટોળકીએ 1.80 લાખ પડાવ્યા હતા, જેથી પીડિત યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત એવી છે કે કતારગામ વિસ્તારમાં આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય મહેશભાઈ વિઠ્ઠલભાઈ તરસરીયાના લગ્ન થતાં ન હતા. આ દરમિયાન લગ્ન કરાવી આપવાના બહાને ઠગબાજ ટોળકી તેમને ભટકાઈ ગઈ હતી. મોમીનભાઇ ભાભાભાઇ ગાહા (રહે મોટા આસરાણા તા. મહુવા જી. ભાવનગર) તથા ગણેશ બંડુ ધીપે (રહે.નાસિક મહારાષ્ટ્ર), હર્ષદ નામના ઇસમોએ તેના લગ્ન મુંબઈની કવિતા સુનિલ વાઘ (રહે. તલેગાંવ ઇગતપુરી નાશિક મહારાષ્ટ્ર) નામની યુવતી સાથે કરાવી આપ્યા હતા. ગત તારીખ 10/3/2022 ના રોજ લગ્ન બાદ કવિતા મહેશભાઈ પાસે રહેવા આવી ગઈ હતી.
મહેશભાઈ ના લગ્ન કરી આપવાના બદલામાં મોમીન તથા તેની ટોળકીએ ટુકડે ટુકડે કુલ 1.80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પાંચ દિવસ બાદ કવિતાએ માતાની તબિયત ખરાબ હોય તેમને મળવા જવાનું બહાનું કર્યું હતું. તેથી મહેશ તરસરીયા પત્ની સાથે નાસિક ગયા હતા. નાસિકના બસ સ્ટોપ પર ઉતર્યા બાદ પત્ની કવિતાએ મિત્રના ઘરે થોડી વારમાં કપડાં બદલી આવ છું એમ કહી નીકળી હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ કવિતા પરત આવી નહોતી, તેથી મહેશ તરસરીયાને ચિંતા થઈ હતી. મહેશભાઈએ વચેટિયા મોમીનને ફોન કરતા મોમીને એમ કહ્યું કે અત્યારે સુરત જતો રહે, ચાર-પાંચ દિવસમાં કવિતાને સુરત મોકલીશ. પરંતુ કવિતા પરત આવી નહોતી.
મોમીનને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. થોડા દિવસ બાદ પણ કવિતા પરત ના આવતા મહેશભાઈએ તેને પરત બોલાવવાની કોશિશ કરી હતી. પરંતુ ઠગબાજ મહિલા ગાયબ થઈ ગઈ હતી. તેથી મહેશભાઈએ લગ્ન કરાવી આપનાર મોમીન અને તેના માણસોને ફોન કરતા તેઓએ પણ ફોન ઉપાડવામાં બંધ કરી દેતા મહેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઇ હતી. જેથી મહેશભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગબાજ ટોળકી સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.