ભરૂચ: ભરૂચ (Bharuch)ની ઝાડેશ્વર ચોકડી ખાતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે (SOG) રાજસ્થાન (Rajasthan) થી લક્ઝરી બસમાં પીપરમીટની ગોળીઓના પેકિંગમાં લવાતો ગાંજા (Marijuana) નો રૂપિયા 1.57 કરોડનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
- ભરૂચમાં પીપરમીટના પેકિંગની આડમાં લક્ઝરી બસમાં લઈ જવાતો દોઢ કરોડનો ગાંજો ઝડપાયો
- ઝાડેશ્વર ચોકડી ખાતે વોચ ગોઠવી બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે ઇસમને ઝડપી લેવાયા
નવા વર્ષ-2023 ત્રીજા દિવસે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાઇવે પરથી હેરફેર થતા નશીલા પદાર્થના મોટા જથ્થાને ઝડપી લીધો છે. રાજસ્થાન તરફથી યુ.પી. પાસિંગની લક્ઝરી બસમાં (UP-83,RT-6048) મોટી માત્રામાં માદક પદાર્થ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે SOG એ ઝાડેશ્વર ચોકડી ઉપર વોચ ગોઠવી હતી. શંકાસ્પદ લક્ઝરી બસ આવતા જ તેને રોકી તપાસ શરૂ કરાઇ હતી. બસના લગેજ ખાનામાં પીપરમીટની ગોળીના પેકિંગમાં લઈ જવાતો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. એફ.એસ.એલ.ની મદદથી આ નશીલો પદાર્થ ગાંજો હોવાનું ફલિત થયા બાદ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે. અંદાજે 1.57 કરોડના ગાંજાના જથ્થા સાથે લક્ઝરી બસના બે ડ્રાઈવર, ક્લીનર અને સુરતના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એસ.ઓ.જી.એ આરોપીઓની પૂછપરછ હાથ ધરી આ નશીલો પદાર્થ ક્યાંથી ક્યાં લઈ જવાઈ રહ્યો હતો. કોણે લક્ઝરીમાં મોકલી ક્યાં પહોંચાડવાનો હતો સહિતની તપાસ હાલ શરૂ કરી છે. જે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ગતરોજ લિંબાયત મીઠી ખાડી પાસેથી ગાંજો ઝડપાયો હતો
સુરત : લિંબાયત મીઠીખાડી પાસેથી એસઓજીની ટીમે ગાંજાનું વેચાણ કરતા વસીમ સૈયદને પકડી તેની પાસેથી 8.360 કિગ્રા ગાંજો મળી કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે કરી 3 ની ધરપકડ કરી હતી. એસઓજીની ટીમને લિંબાયત મીઠી ખાડી પાસે ઉમર ફારૂકી મસ્જીદની સામે બેઠી કોલોનીમાં વસીમ ક્યુમ સૈયદ નામનો વ્યક્તિ ગાંજાનું વેચાણ કરતો હોવાની તથા ગાંજો છુપાવી રાખ્યો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રેઈડ કરતા રૂમમાં એક વ્યક્તિ કાપડનો થેલો લઈને બેસેલો હતો. તેનું નામ પુછતા પોતે વસીમ સૈયદ (ઉ.વ.23) હોવાનું જણાવ્યું હતું. તેની અંગઝડતી કરતા તેની પાસેથી એક મોબાઈલ મળી આવ્યો હતો. અને તેની પાસે રહેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. કુલ 8 કિલો 360 ગ્રામ ગાંજો મળી આવતા તે જપ્ત કરાયો હતો. આ ગાંજા બાબતે પુછપરછ કરતા પોતે ત્યાં વેચાણ કરતો હોવાનું કહ્યું હતું. અને આ ગાંજો તે તેના મામા અકરમ અલ્લારખા શેખ (રહે. મીઠી ખાડી, લિંબાયત) પાસેથી મંગાવતો હતો. તથા તેનો માણસ સોએબ ઇકબાલ શેખ (રહે.કમરૂનગર ટેનામેન્ટ, મીઠી ખાડી) તેને આપી જતો હતો. વસીમ ભાડાના મકાનમાં ગાંજાનો ધંધો કરતો હતો. મહિને 3 હજાર ભાડું મકાનનું આપતો હતો. તેની પાસેથી મોબાઈલ ફોન અને ગાંજાના 88 હજારનો જથ્થો મળીને કુલ 1.03 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એસઓજીએ ત્રણેય આરોપીઓને પકડી પાડી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી વધારે તપાસ હાથ ધરી છે.