નડિયાદ: સિનિયર સિટીજન ફૉરમ મહેમદાવાદના સંસ્થાપક ડો.મહેશભાઇ પરીખ દ્વારા 2014થી અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન અને AMTSના અધિકારીઓ અને પદાધિકારીઓને બસ સેવા મહેમદાવાદ સુધી લંબાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમના સતત પ્રત્યતનો અને રજુઆત ધ્યાને લઈ તત્કાલિન ચેરમેન અજિતભાઇ ભાવસારે 2018થી મણિનગર થી નેનપુર ચોકડી સુધી બસ નં. 15/3થી રૂટ શરૂ કર્યો હતો.
ચાલુ વર્ષે શ્રાવણના પવિત્ર માસ દરમિયાન અમદાવાદનાં શ્રધ્ધાળુઓ માટે જુદા જુદા ધાર્મિક સ્થળોની પ્રવાસની યાદીમાં સિધ્ધીવિનાયક મંદિરનો સમાવેશ કરાતા તેના પરિસર સુધી બસ આવી હતી. આમ છતાં બસને કાયમી ધોરણે મહેમદાવાદ સુધી લંબાવેલ નથી. પરંતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિસેમ્બર-2022ના કાંકરિયા કાર્નિવલમાં સિનિયર સિટીજન ફોરમ દ્વારા સંચાલિત વેજનાથ લાફિંગ ક્લબના સભ્યોને નિમંત્રણ મળતા ડો. મહેશભાઇ પરીખના આગ્રહથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પટેલે 15/3ના રૂટની બસને ખાસ કિસ્સા તરીકે મહેમદાવાદ સુધી લાફિંગ ક્લબના સભ્યોને વિના મૂલ્યે લાવવા અને લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ 2022ના વર્ષના અંત ભાગમાં પ્રથમ વાર મહેમદાવાદના આંગણે AMTS બસ આવી હતી અને સેંકડો લોકો આ બસને જોવા માટે આવ્યા હતા. હવે નિયમિત રૂપે નેનપુર ચોકડી સુધી આવતી બસ મહેમદાવાદ નગર સુધી લંબાય તેની નગરજનો પ્રતિક્ષા કરી રહ્યા છે