નડિયાદ: મહેમદાવાદના સોજાલી ગામમાં આવેલી રાષ્ટ્રીય ધરોહર રોજા રોજીની દરગાહનું હાલ રીનોવેશન ચાલી રહયું છે. આ રીનોવેશન બાદ સ્થળ પર લગાવવામાં આવનારી તકતીમાં દર્શાવેલ તારીખ ખોટી હોવાનું મહેમદાવાદનો ઇતિહાસ પુસ્તિકાના લેખકે જણાવ્યું છે. આ બાબતે તેમને દિલ્હી પુરાતત્વ વિભાગને તકતીમાં તારીખ સુધારવા માટે રજૂઆત કરી છે. મહેમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં રાજા રજવાડાનો ઐતિહાસિક વારસો જોવા મળે છે. મહેમદાવાદ તાલુકાના સોજાલીમાં વાત્રક નદી કાંઠે રોજા રોજીની દરગાહ આવેલી છે. આ સ્થળે રજા તેમજ તહેવાર પ્રસંગે મોટી સંખ્યામાં દૂર દૂરથી સહેલાણીઓ આનંદ માણવા આવે છે. આ સ્થળ લોકો માટે પિકનિક સ્પોટ બની ગયું છે. ત્યારે વર્ષો જૂની રોજા રોજી દરગાહની ઇમારતના રીનોવેશન માટે મહેમદાવાદના સામાજિક કાર્યકર મુસ્તાક મલેકે અવાર નવાર પુરાતત્વ વિભાગને રજૂઆત કરતા સરકાર દ્વારા નાણાંની ફાળવણી કરી છે.
હાલમાં રોજા રોજી મકબરાનું રીનોવેશન ચાલે છે આ કામ પૂર્ણ થયા બાદ આ સ્થળે લગાવવાની તકતી આવી ગઈ છે. મહેમદાવાદના ઈતિહાસના લેખક મ?????? ???ુસ્તાક મલેકના જણાવ્યા મુજબ સેન્ટ્રલ પુરાતત્વ ખાતા દ્વારા આ રોજા રોજી મકબરાના બાંધકામ અંગેની તકતીમાં દર્શાવેલ તારીખ સને 1558 હોવી જોઈએ, તેના બદલે તકતીમાં સને 1458નો ઉલ્લેખ કર્યો છે. આમ તકતીમાં તારીખ લખવામાં થયેલ છબરડા અંગે મુસ્તાક મલેકે મેઈલના માધ્યમથી વડોદરા સેન્ટ્રલ પુરાતત્વ વિભાગમાં જાણ કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ના થતા તેઓએ દિલ્હી આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી. દિલ્હી પુરાતત્વ વિભાગે વડોદરાના સતાધિશોને ઘટતી કાર્યવાહી કરવા તાકીદ કરી હતી. ત્યારે ઐતિહાસિક ધરોહરને લગતી તકતીમાં સાચી હકીકત દર્શાવવા બુદ્ધિજીવીઓ દ્વારા સુર વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોજા રોજી મકબરો 1558માં બંધાવવામાં આવ્યો હતો.