Columns

ગુસ્સો ન કરવો

બધા ભેગા મળીને સમય પસાર કરવા માટે અંતાક્ષરી રમી રહ્યા હતા.રમતા રમતા અમી ઉપર ‘અ’આવ્યો તેણે પોતાનું મનગમતું ગીત ગાયું.બધાએ તેના અવાજના ખુબ વખાણ કર્યા.વાહ વાહ કરી …પરંતુ હકીકતમાં અમીનો અવાજ થોડો ભારે હતો અને તે બેસૂરું ગાતી હતી.પણ બધાએ તેના બહુ વખાણ કરીને ઉંધી રીતે તેની મજાક ઉડાડી અને તેની પર બધા હસ્યા.અમીને માઠું લાગ્યું અને તેની આંખો લાલ થઈ ગઈ અને ગુસ્સામાં શરીર ધ્રુજવા લાગ્યું.બધાને થયું અરે મજાક કરવામાં થોડી વધુ મસ્તી થઇ ગઈ.બધાએ તેની માફી માંગી પણ અમીને બહુ ગુસ્સો આવ્યો હતો જે તકિયો ખોળામાં લઈને બેથી હતી તેનો ઘા કરી પગ પછાડતી ઉભી થઇ અને ગુસ્સામાં પોતાના રૂમ તરફ દોડી ગઈ.

બે ત્રણ કઝીન ઉભા થઈને તેને મનાવવા તેની પાછળ ગયા.અમીએ ગુસ્સામાં તેને મનાવવા આવેલા ક્ઝીન્સને ‘ગેટ આઉટ’કહી રૂમની બહાર જવા કહ્યું અને ધમ દઈને દરવાજો બંધ કર્યો.પેલા કઝીન્સ પાછા આવ્યા;બધા ચુપ હતા.અંતાક્ષરીની મજા અટકી ગઈ હતી પણ બધાની વચ્ચે માહોલ સંભાળતા અમીના કાકીએ કહ્યું, ‘ચાલો ચાલો આગળ ગાવ તેને તો વાતે વાતે ગુસ્સે થવાની ટેવ છે.થોડીવારમાં ગુસ્સો શાંત થશે એટલે બહાર આવશે.’અમી ગુસ્સામાં રૂમમાં એકલી બેઠી હતી અને સતત તેની જે મજાક થઈ તે વિશે વિચારતી વધુ ને વધુ ગુસ્સે થતી હતી.

થોડીવારમાં બહારથી પાછો અંતાક્ષરીમાં ગીતો ગાવાનો અને મસ્તી મજાકનો અવાજ સંભળાવા લાગ્યો.પોતે નારાજ છે છતાં બધા તો મોજ મસ્તી કરે છે તે વાતે અમીને વધુ ગુસ્સો આવ્યો. લગભગ દોઢ કલાક પસાર થઈ ગયો.મમ્મીએ બહારથી બહુ વિનંતી કરી ત્યરે તેને દરવાજો ખોલ્યો તેનું મોઢું હજી ગુસ્સામાં ફૂલેલું જ હતું.મમ્મીએ કહ્યું, ‘દીકરા મજાકને મજાકની જેમ લઈને ભૂલી જવાની આમ ગુસ્સો ન કરાય.જો તું દોઢ કલાકથી ગુસ્સામાં રિસાઈને અહીં બેઠી છે.તે ગુસ્સામાં ૯૦ મીનીટનો આનંદ ગુમાવી દીધો.

તું મને એક વાત કહે જીવનમાં સૌથી મહત્વનું શું છે???’અમી કઈ ન બોલી…મમ્મીએ જ જવાબ આપ્યો, ‘દીકરા જીવનમાં આનંદ અને ખુશી સૌથી મહત્વના છે આપણે નાની નાની વસ્તુઓ માટે ગુસ્સે થઈને જેટલી મિનિટ ગુસ્સામાં રહીએ છીએ તેટલી મિનિટોનો આનંદ ગુમાવી દઈએ છીએ.સતત ગુસ્સો કરવાથી અને ગુસ્સમા વિચારવાથી ગુસ્સો વધે જે આપણને જ નુકસાન કરે છે જયારે આનંદ વહેંચવાથી વધે છે અને બધાને સકારાત્મક શક્તિ આપે છે.જો બહાર બધા ભેગા મળી કેટલી મજા કરે છે અને તું નાની વાતે ગુસ્સે થઈને અહીં બેઠી છે અને મસ્તીનો બધો આનંદ ગુમાવી રહી છે.’અમી સમજી ગઈ.અને બહાર આવી બધાને પોતે સોરી કહ્યું અને બધા સાથે મસ્તી મજા કરવા લાગી. ગુસ્સો કરી આનંદની ક્ષણો ન ગુમાવો.
          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top