સુરત : કેન્દ્ર સરકાર દ્વારા સકલ જૈન સમાજના પવિત્ર તિર્થ સ્થાન શ્રી સંમેત શિખરજીને તિર્થસ્થાનને ઇકો ટુરીઝમ સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું . જેનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે, કેમકે આ તિર્થ સ્થળ પર જૈન સમુદાયના 20 સંતોએ મોક્ષ લીધો છે તેથી અતિ પવિત્ર સ્થાન ગણવામાં આવે છે. આ જાહેરાતથી સમગ્ર જૈન સમાજ ની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી છે જેથી સુરતના જૈન સમાજ દ્વારા આજે મંગળવારે તા. 3 જાન્યુઆરી 2023ના રોજ મૌન રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સવારે 9:00 વાગે સરગમ શોપિંગ સેન્ટર થી શરૂ કરવામાં આવી હતી. આ રેલીમાં ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો ભેગા થયા હતા. સરગમ શોપિંગ સેન્ટરના રોડ પર હકડેઠઠ ભીડ ઉમટી હતી. આ મૌન રેલી સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ સુરત કલેકટર કચેરીએ પહોંચી હતી.
જૈન સમાજની માગણી
- ઝારખંડ અને પાલીતાણાના સમેત શિખરને તીર્થસ્થાન જાહેર કરવામાં આવે
- પાલીતાણા સહિતના તીર્થસ્થાનો પર માંસ અને મદીરાનું વેચાણ બંધ કરવામાં આવે
- ઈકો ટુરીઝમ બને તો સ્થળની પવિત્રતા નષ્ટ થાય
સુરતમાં જૈનોએ 3 કિ.મી. લાંબી રેલી કાઢી
ઝારખંડ ખાતે આવેલા સમેત શિખરજીને ટુરીઝમ તરીકે ડેવલપ કરવાની સરકાની જાહેરાત બાદ જૈનો છંછેડાયા છે. જૈન ધર્મમાં આસ્થા રાખનારાઓ માટે સમેતશિખર તીર્થ સમાનછે. તેથી તેની પર કોઈ પણ પ્રકારનું અતિક્રમણ તેઓ સ્વીકારતા નથી. ત્યારે આજે સુરત શહેરમાં 3 કિ.મી. લાંબી મૌન રેલી કાઢી સુરતના જૈન સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જૈન અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો પર અસામાજિક તત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે. સરકાર અમારી લાગણી સમજી સમેતશિખરને તીર્થ સ્થાન તરીકે જાહેર કરે તેવી જ અમારી માંગણી છે. આજની રેલીમાં બાળકો અને મહિલાઓ પણ જોડાઈ હતી. આ અગાઉ રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં રેલી નીકળી હતી.
સંમેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના વિરોધમાં જૈનોએ મૌન રેલી કાઢી
જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું હતુ કે, આટલા વર્ષો સુધી અહિંસા પૂર્વક સરકારને આ જાહેરાતને પાછું ખેંચવાની શાંતિપૂર્વક વાત કરવામાં આવતી હતી પરંતુ કોઈ ઉકેલ અને નિવારણ નહીં આવતા સમગ્ર ભારત દેશમાં આ વિષય ઉપર વિરોધ સકલ જૈન સમાજમાં ઉઠવા પામ્યો છે ત્યારે સુરત શહેરમાં સકલ જૈન સમાજ દ્વારા પણ એક ભવ્ય મૌન વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સમગ્ર જૈન સમાજના ચાર ફીરકા શ્વેતાંબર, દિગમ્બર, તેરાપંથ અને સ્થાનકવાસીના 7,000 થી પણ વધારે લોકો જોડાયા છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
સંતો, મહામુનિઓ, શ્રાવકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા
આ રેલીમાં સમાજના સંતો, મહામુનિઓ અને મોટી સંખ્યામાં શ્રાવકો અને લોકો આ મૌન રેલીમાં જોડાયા છે. તમામ પગપાળા મૌન રેલીમાં જોડાયા અને કલેક્ટર કચેરી સુધી ગયા હતા. સકલ જૈન સમાજ સુરતનો ઉદ્દેશ માત્ર તેમનો પવિત્ર તિર્થસ્થાન શ્રી સંમેત શિખરજીને ઇકો ટુરીઝમ સ્થળથી હટાવીને ફરી એકવાર પવિત્ર તિર્થ સ્થાન જાહેર કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.
કાપડ-હીરાના વેપારીઓ દુકાન-ઓફિસ બંધ રાખી રેલીમાં જોડાયા
સુરતના બે મુખ્ય વેપાર કાપડ અને હીરામાં જૈન સમાજનું પ્રભુત્વ છે. હીરા બજારમાં પાલીતાણાના જૈનોનું વર્ચસ્વ છે તો બીજી તરફ કાપડ બજારમાં મારવાડના જૈનોનું પ્રભુત્વ છે. સંમેત શિખરજીના મુદ્દે આજે બંને ઉદ્યોગ સાથે સંકળાયેલા જૈનો એકજૂટ થયા હતા અને સવારે 9 વાગ્યે પાર્લેપોઈન્ટથી નીકળેલી રેલીમાં તૈયારીઓ સાથે જોડાયા હતા. રેલીમાં જોડાયેલા મોટા ભાગના લોકોએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતા. ઢોલનગારા, ધ્વજા સાથે તેઓ જોડાયા હતા. વિરોધ રેલીમાં જોડાવા માટે હીરાના વેપારી, દલાલોએ ઓફિસ મોડેથી ગયા હતા જ્યારે કાપડના વેપારીઓએ તો બપોર સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય અગાઉથી જ જાહેર કરી દીધો હતો. તે મુજબ આજે બંને બજારો બપોર સુધી બંધ રહ્યાં હતાં.