ઘટનાઓ એવી હોય છે જે દુનિયાના કોઇપણ ખૂણામાં ઘટી શકે છે. પરંતુ કેટલીક ઇવેન્ટ એવી હોય છે જે બનવાનું અગાઉથી જ નક્કી હોય છે. જો દુનિયાની વાત કરીએ તો નવો વેરિયન્ટની ચિંતા તમામ દેશને કોરી ખાશે તે નક્કી જ છે. આ ઉપરાંત 2023માં આવનારી નવી ટેકનોલોજી અને જુદી જુદી સ્પોર્ટર્સ ઇવેન્ટની વાત આ પૂર્તિમાં સાંકળી લેવામાં આવી છે. ભારતની વાત કરીએ તો આ વર્ષમાં દેશ દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ થઇ જશે અને 9 રાજ્યોની ચૂંટણી આગામી લોકસભાની દિશા નક્કી કરશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય, સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં થનારા વિકાસની વાત પણ આ પૂર્તિમાં સમાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
G-20 સંમેલન ભારતમાં યોજાશે, મોટી સિદ્ધિ
દેશમાં G-20 સંમેલનની તૈયારીઓ જોર-શોરથી શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીના નેતૃત્વવાળી સરકાર માટે આ જી-20 શિખર સંમેલન ખૂબ ખાસ છે. સરકાર માટે આ એક મોટી સિદ્ધિ છે જેમાં દેશ અધ્યક્ષતા કરવા જઈ રહ્યો છે. G-20 સંમેલન દ્વારા ભાજપ તમામ નાગરિકોને એક મોટો સંદેશ આપશે તેની સાથે જ પાર્ટી માટે પડકાર તે રાજ્યોમાં પણ રહેશે જ્યાં ભાજપની સરકાર નથી. આ રાજ્યોમાં સંગઠનને મજબૂત કરવા માટે પાર્ટી જોર આપશે જેનાથી વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં જીતનો માર્ગ સરળ થઈ શકે.
તમામ પડકારો વચ્ચે G-20 દ્વારા સરકારની મજબૂત છબી જનતા સમક્ષ રજૂ કરવાની સારી તક છે. ગત લોકસભા ચૂંટણીમાં ‘નમસ્તે ટ્રમ્પ’ જેવો કાર્યક્રમ થયો હતો જેમાં અમેરિકા તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભાગ લીધો હતો પરંતુ G-20 સંમેલનમાં વિશ્વના દેશોના નેતા ભાગ લેશે અને તેનું અધ્યક્ષ ભારત હશે. ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલિ, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઈટેડ કિંગડમ, અમેરિકા, યુરોનિયન યુનિયન.
ભારત 2023માં ચીનને પછાડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે
સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, ભારત આ વર્ષે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે અને ચીનને પાછળ છોડી દેશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વની વસ્તી 1950 થી સૌથી ધીમી ગતિએ વધી રહી છે. 2020માં તે ઘટીને એક ટકાથી પણ ઓછા થઇ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રના નવા અંદાજો સૂચવે છે કે, વિશ્વની વસ્તી 2030માં લગભગ 8.5 અબજ અને 2050માં 9.7 અબજ થઈ શકે છે.વિશ્વની વસ્તી 2080 સુધીમાં લગભગ 10.4 અબજ લોકોની ટોચે પહોંચવાનો અંદાજ છે અને 2100 સુધી તે જ સ્તરે રહેશે.
ભારત 2023માં વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડી દેશે 2022 માં વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા પ્રદેશો પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા છે, જેમાં 2.3 અબજ લોકો છે. તેઓ વિશ્વની 29 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્ય અને દક્ષિણ એશિયામાં 21 અબજ લોકો છે, જે વિશ્વની કુલ વસ્તીના 26 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. અહેવાલ જણાવે છે કે, વિશ્વના સૌથી મોટા દેશોમાં અસમાન વસ્તી વૃદ્ધિ દર તેમના રેન્કિંગમાં કદ દ્વારા ફેરફાર કરશે. ઉદાહરણ તરીકે, ભારત 2025 માં વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તરીકે ચીનને પાછળ છોડી દેશે તેવું અનુમાન છે. રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની વસ્તી 1412 અબજ છે, જ્યારે ચીનની વસ્તી 1426 અબજ છે. ભારત, જે 2025 સુધીમાં વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ તરીકે ચીનને પાછળ છોડી દેશે, 2050માં તેની વસ્તી 1.668 અબજ હોવાનો અંદાજ છે. આ સદીના મધ્ય સુધીમાં ચીનના 1.317 અબજ લોકો કરતાં ઘણું આગળ હશે.
રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત નવ રાજ્યોમાં યોજાશે ચૂંટણી
ગુજરાતમાં ઐતિહાસિક જીત સાથે ભાજપે 2024ની લોકસભા ચૂંટણી જીતવાના દાવા શરૂ કરી દીધા છે. આ સાથે પાર્ટીએ 2023માં કેટલાંક રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીના ઘમાસાણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. હકીકતમાં, 2023માં, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા જેવા મોટા રાજ્યો સિવાય, પૂર્વોત્તરમાં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં પણ વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આ રીતે જોવામાં આવે તો 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા 2023માં દસ રાજ્યોમાં યોજાનાર ચૂંટણી દંગલ જ કહેશે કે દેશમાં રાજકીય પવન કયા રાજકીય પક્ષની તરફેણમાં ફૂંકાઈ રહ્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી સતત તૈયારીઓ વચ્ચે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિધાનસભા ચૂંટણી કરાવવાના પોતાના વચન મુજબ સરકાર આવતા વર્ષે પણ આ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે 2018માં મધ્યપ્રદેશમાં યોજાયેલી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને સત્તામાંથી બહાર ફેંકી દીધો હતો જો કે ત્યારબાદ કોંગ્રેસ ધારાસભ્યોની એક છાવણી અલગ થયા બાદ બાદ ભાજપ તરફથી શિવરાજ સિંહ ચૌહાણ ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.
ભાજપ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથે ચૂંટણી જીતવાનો દાવો કરી રહી છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત મુખ્યમંત્રી છે, જ્યારે છત્તીસગઢમાં કોંગ્રેસ હાઈકમાન્ડની નજીક ગણાતા ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બંને રાજ્યોમાં સરકાર બચાવવી કોંગ્રેસ માટે મોટો પડકાર છે, જ્યારે ભાજપ પણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા આ બંને રાજ્યોમાં કોંગ્રેસને હરાવીને દેશની જનતાને રાજકીય સંદેશો આપવા માંગે છે કે કોંગ્રેસની પ્રાસંગિકતા સમાપ્ત થઈ ચુકી છે. કર્ણાટકમાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નહોતી. ત્રિશંકુ વિધાનસભાની રચના થયા બાદ લાંબી રાજકીય ઉથલપાથલ બાદ બસવરાજ બોમ્માઈ મુખ્યમંત્રી બનાવાયા હતા.
તેલંગાણામાં હાલમાં ટીઆરએસનું શાસન છે અને ત્યાં કે. ચંદ્રશેખર રાવ એવા મુખ્યમંત્રી છે જે 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવા માટે અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને મોટો મોરચો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ ભાજપ 2023માં તેમના જ ગઢ તેલંગાણામાં તેમને હરાવવાનો દાવો કરી રહી છે.
પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો 2023માં ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્રિપુરામાં હાલમાં ભાજપનું શાસન છે અને તેની ચૂંટણી રણનીતિના ભાગરૂપે ભાજપે ત્રિપુરામાં પણ મુખ્યમંત્રીનો ચહેરો બદલી નાખ્યો છે. મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપ સમર્થિત સરકાર સત્તામાં છે જ્યારે મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે. જમ્મુ-કાશ્મીરમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની શક્યતા છે જ્યાં ભાજપ સતત પોતાનો આધાર અને સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ગ્રેટર નોઈડા ઓટો એક્સ્પો 2023
આગામી વર્ષ 2023માં 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી સુધી ગ્રેટર નોઈડાના એક્સ્પો માર્ટમાં ઓટો એક્સ્પો 2023નું આયોજન કરવામાં આવશે. જેમાં કાર કંપનીઓ ઈલેક્ટ્રોનિક અને હાઈબ્રિડ કાર પર પોતાનો પાવર બતાવશે. જો કે ભારતનાં સૌથી મોટા આ એક્સ્પોમાં લક્ઝરી કાર ઉત્પાદકો BMW, Mercedes અને Audi આગામી ઓટો એક્સપોમાં ભાગ લેશે નહીં. ઉપરાંત, ફોક્સવેગન, સ્કોડા, નિસાન, રેનો અને મહિન્દ્રા જેવી ઓટોમોબાઈલ કંપનીઓ પણ આવતા વર્ષના ઓટો એક્સપો ભાગ લઇ શકે કે કે તેના પર પણ સવાલ છે. જોકે, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ મોટર્સ, ટાટા મોટર્સ, કિયા ઈન્ડિયા, એમજી મોટર ઈન્ડિયા, ટોયોટા, BYD જેવી કંપનીઓ ઓટો એક્સ્પો 2023માં પોતાનો પાવર બતાવશે.
કે.એલ.રાહુલ અને આથિયા શેટ્ટી લગ્નગ્રંથીથી જોડાશે
બોલિવૂડ એક્ટર આથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ દરમિયાન બંનેના સ્ટારના લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે રિપોર્ટ મુજબ બીસીસીઆઈ એ કે એલ રાહુલની પર્સનલ લીવ એપ્રૂવ કરી છે. કે. એલ. રાહુલ અને આથિયા શેટ્ટી છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આથિયા અને કેએલ રાહુલ જાન્યુઆરીમાં લગ્ન કરી શકે છે. આ લગ્નની ફેન્સ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં બીસીસીઆઈ એ ભારતીય ક્રિકેટર કે એલ રાહુલની પર્સનલ લીવ એપ્રૂવ કરી છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યું છે કે રાહુલે તેના લગ્ન માટે આ રજા લીધી છે અને જાન્યુઆરીમાં તે અને આથિયા સાથે સાત ફેરા લેશે. પરંતુ લગ્નને લઈને હજુ સુધી કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી.
ICC મેન્સ વર્લ્ડ કપની મેજબાની ભારત કરશે
ભારતમાં ક્રિકેટને બીજો ધર્મ માનવામાં આવે છે અને ક્રિકેટ રસિકો જેની ચાર વર્ષ સુધી રાહ જુએ છે તે આઇસીસી વર્લ્ડ કપની મેજબાની આ વર્ષે ભારત કરવા માટે જઇ રહ્યું છે. 13મી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ આ વખતે ઓક્ટોબરમાં શરૂ થશે અને 26 નવેમ્બર 2023ના રોજ તેની ફાઇનલ મેચ યોજાશે.
એશિયા કપ – 2023 ભારતમાં
10 બાદ વર્ષ 2023માં ભારતમાં એશિયા કપ – 2023નું આયોજન કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બર 2023 દરમિયાન એશિયા હપ યોજાશે. અગાઉ ભારત વર્ષ 1987, 1996 અને 2011 માં એશિયા કપનું આયોજન કર્યું હતું. આ વર્ષે પ્રથમ વખત એવું બનશે કે એશિયા કપ સંપૂર્ણપણે ભારતમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે સૌથી વધુ સાત વખત એશિયા કપ જીત્યો છે. આ સાથે જ શ્રીલંકાએ છ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચૂક્યું છે. 2023માં યોજાનાર આગામી એશિયા કપ ODI ફોર્મેટમાં રમાશે.
2023ના અંત સુધીમાં આગ્રા મેટ્રો દોડતી થઇ જશે
તાજનગરી આગ્રામાં ડિસેમ્બર 2023 સુધીમાં મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. પ્રાથમિક તબક્કામાં તેને છ કિલોમીટર લાંબા કોરિડોરમાં દોડાવવામાં આવશે. જેમાં ત્રણ એલિવેટેડ અને ત્રણ અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશન હશે. આ મેટ્રો બે મિનિટમાં એક કિલોમીટરનું અંતર કાપશે.
આ વર્ષે બુલેટ ટ્રેનનો ટ્રાયલ રન થવાની શક્યતા
અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામકાજ પૂર ઝડપે ચાલી રહ્યું છે ત્યારે હવે ટ્રેનની ટ્રાયલ લેવાની તૈયારીઓ પણ અત્યારથી જ શરુ કરી દેવાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, 2026માં બિલિમોરાથી સુરત વચ્ચે ટ્રાયલ શરુ થઈ શકે છે, જેમાં બુલેટ ટ્રેનને 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે શરુ થનારી બુલેટ ટ્રેન ગેમચેન્જર બની રહેશે. તે એર ટ્રાવેલને સીધી ટક્કર આપશે. કારણકે તેમાં ચેક-ઈન ટાઈમ ઘણો ઓછો લાગશે, તેમજ વધુ લેગ સ્પેસ મળશે. આ સિવાય સૌથી મહત્વની વાત કનેક્ટિવિટીની છે. બુલેટ ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેન્જર્સને વચ્ચે આવતા સ્ટેશન્સ પર ઉતરવાનો પણ વિકલ્પ મળશે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, ટ્રેન ‘સ્લેબ ટ્રેક સિસ્ટમ’ તરીકે ઓળખાતા સ્પેશિયલ ટ્રેક્સ પર દોડશે. HSR ટેક્નોલોજી દ્વારા ટ્રેક પાથરવામાં આવશે, જેની પેટન્ટ જાપાન પાસે છે. આ જ પાટા પર બુલેટ ટ્રેન 350 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે.
ટીમ ઈન્ડિયા ICC મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત 2023માં પાકિસ્તાનની વિરુદ્ધ મેચ રમીને કરશે
ટીમ ઈન્ડિયા આઈસીસી મહિલા ટી-20 વિશ્વ કપ 2023માં 12 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં પાકિસ્તાનના વિરુદ્ધ મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા ગ્રૃપ 2માં ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, પાકિસ્તાન અને આયરલેન્ડની સાથે છે.અંતે ગ્રૃપમાં સૌથી સારો સ્કોર રહેલી બે ટીમો સેમીફાઈનલમાં રમશે. ફાઈનલ મેચ 26 ફેબ્રુઆરીએ થશે.
વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટ-કીપર), ઋચા ઘોષ (વિકેટ-કીપર), જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર , અંજલિ સરવાણી , પૂજા વસ્ત્રાકર , રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડેની પસંદગી કરવામાં આવી છે. તેમજ રિઝર્વ ખેલાડી તરીકે એસ. મેઘના, સ્નેહ રાણા, મેઘના સિંહને રાખવામાં આવ્યું છે.