ગાંધીનગર: ગુજરાતમાં વિકાસનો અને નાણાકીય વ્યવસ્થાપનનો જે મજબૂત પાયો નાંખ્યો છે તેના પરિણામે સ્ટેટ ગવર્નમેન્ટ અને લોકલ સેલ્ફ ગવન્નમેન્ટ તથા વહીવટી પાંખ અને ચુંટાયેલી પાંખ એક થઇને કામ કરે છે, એટલું જ નહીં, નગરો-મહાનગરોમાં વિકાસનું કોઇ કામ નાણાંના અભાવે અટકતું પણ નથી. રાજ્યની ૮ મહાનગરપાલિકા તથા ‘અ’ વર્ગની રર નગરપાલિકાના મેયર, પ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ કમિશનર, ચીફ ઓફિસરો અને રિજનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આયોજિત કોન્કલેવ ઓફ સિટી લીડર્સમાં સંબોધન કરતાં તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓને શહેરી જનસુખાકારી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્વચ્છ ભારત મિશન, અમૃત 2.0, એફોર્ડેબલ હાઉસિંગ તેમજ નાણાકીય વ્યવસ્થાપન અંગે રાજ્ય સરકારની અમલી યોજનાઓ, પહેલરૂપ બાબતો તેમજ ભવિષ્યના કાર્ય આયોજનના વિસ્તૃત પ્રેઝન્ટેશન આ કોન્કલેવમાં કરવામાં આવ્યાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ પોતાની આવકના સ્ત્રોત ઊભા કરવા સાથે લોકોના પૈસાનું પૂરેપૂરું વળતર વિકાસ કામોથી આપે છે.
ગુજરાત સુદ્રઢ નાણાકીય વ્યવસ્થાપનના પરિણામે નીતિ આયોગના ઇન્ડેક્સમાં અગ્રેસર છે. લોકોએ વિકાસનાં કામો અને નાણાંકીય વ્યવસ્થાપનની સંગીન સ્થિતિને કારણે જ આટલો અપાર વિશ્વાસ પ્રચંડ જનસમર્થનથી આપણામાં મૂક્યો છે, ત્યારે હવે આપણે બેવડી જવાબદારીથી કામ કરવાનું છે.
તેમણે કહ્યું કે, G-20ની ૧પ બેઠકનું યજમાન ગુજરાત બનવાનું છે, તેમાં અર્બન-20ની બેઠકો દ્વારા આપણે ગુજરાતનો શહેરી વિકાસ, વેપાર-ઉદ્યોગ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ, વિશ્વના દેશો સમક્ષ ઉજાગર કરી શકીશું.