સુરત: (Surat) અંધારામાં બંપર નહીં દેખાયું તેથી બાઇક (Bike) ઉથળતા પાછળ બેસેલી 53 વર્ષિય મહિલા નીચે પટકાઈ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહિલા (Lady) તેના દિકરા સાથે બાઇક પર બેસીને 18 મી તારીખે સવારે (Morning) પાંચ વાગે સહારા દરવાજાથીં ડિંડોલી જતી હતી ત્યારે ગોડાદરા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો.
- દિકરા સાથે બાઇક પર જતી આધેડ મહિલા ઉછળીને નીચે પટકાઈ,સારવાર દરમિયાન મોત
- અંધારામાં બંપર નહીં દેખાયું તેથી બાઇક ઉછળતા પાછળ બેસેલી માતા નીચે પટકાઈ
સ્મીમેર હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલી વિસ્તારમાં સાંઈધામ સોસાયટીમાં રવિન્દ્ર પેંધારે પરિવાર સાથે રહે છે. તેઓ મજુરી કરે છે. તેમની પત્ની સુરેખાબેન( 53 વર્ષ) ગૃહિણી છે. તેમનો દિકરો જીતેન્દ્ર એમ્બ્રોયડરી ડિઝાઈનર તરીકે કામ કરે છે.સુરેખાબેન લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. 18 મી તારીખે સવારે તેઓ સુરત આવ્યા હતા. તેમનો દીકરો જીતેન્દ્ર 18 મી તારીખે સવારે પાંચ વાગ્યા પહેલા સહારા દરવાજા પાસે તેમને લેવા માટે ગયો હતો. તે માતાને બાઇક પર પાછળ બેસાડીને પરવત પાટિયા,કાંગારૂ સર્કલ મહારાણા પ્રતાપ ચૌક થઈને ડિંડોલી આવી રહ્યો હતો. ત્યારે ગોડાદરામાં ખાડી બ્રીજ પછી બંપરના કારણે બાઇક ઉછળી હતી. તેથી સુરેખાબેન પણ ઉછળીને નીચે પટકાયા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા.સારવાર દરમિયાન સ્મીમેર હોસ્પિટલમાં તેમનું મોત નિપજ્યું હતું. જીતેન્દ્રએ જણાવ્યું હતું કે બંપર પર પટ્ટા ન હોવાથી બંપર દેખાયું ન હતું.
રાંદેરના ટીમલા સ્ટ્રીટના એક મકાનમાં દીવાના કારણે આગ
સુરત: રાંદેર વિસ્તારમાં ટીમલા સ્ટ્રીટમાં એક મકાનમાં સવારે દિવાના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાના કારણે લાગેલી આગ ઘરમાં પ્રસરતા ઘરમાં હાજર લોકો ગભરાયા હતા અને સ્થાનિકોએ તુરંત જ ઘટના અંગે ફાયર વિભાગમાં જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાંદેરમાં ટીમલા સ્ટ્રીટ નજીક આવેલા હનુમાન ટેકરી ખાતે આવેલા એક ઘરમાં સવારે રસોડામાં બનાવેલા મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. ત્યારે અચાનક દીવાના લીધે આગ ભડકી ઉઠી હતી અને જોત જોતામાં આગ રસોડામાં પ્રસરી ગઈ હતી. જેના પગલે પરિવારના સભ્યો ગભરાઈ ગયા હતા. તેમજ સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા ઘરનો ઘણો સામાન આગમા બળીને ખાક થઈ ગયો હતો. પરંતુ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવામાં આવ્યું છે.