આજકાલ નાની નાની વાતમાં છુટ્ટા હાથની મારામારી, ગાળાગાળી કરતાં દૃશ્યો જોવા મળે છે. સી.સી. ટી.વી.કેમેરામાં કેદ દૃશ્યો જુઓ તો મારામારી સમયે હાથવગું જે હોય તે-લાકડી, હોકી સ્ટીક, પાઈપ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો હિંસક પશુઓ હુમલો કરે ત્યારે વ્યક્તિ સ્વબચાવ માટે ગમેતેમ મારી શકે. વાત નાની પણ ઉગ્ર વાદ-વિવાદ પછી ઝગડો એવું રૂપ ધારણ કરે જે એકમેકને શારીરિક હાનિ પહોંચે છે. દવાખાનામાં સારવાર લેવી પડે છે. આ સમયે કોઈ એક પક્ષ નમતું આપે-નમ્ર અને શાંત બને તો સારું. બોલબોલ કરી બીજો પક્ષ થાકીને શાંત થઈ જાય. પરિપક્ષનો ગુસ્સો શાંત થતાં વિવાદ શમી જાય. અડધો ઝગડો શમી ગયો કહેવાય. હા, આ માટે કોઈ એક પક્ષે પહેલ કરવી પડે. હાજર રહેનારાઓને તો તમાશો ગમે. એટલે જ્યારે એમ જણાય કે વાતચીતમાં ઉગ્રતા આવતી જણાય ત્યારે શાંત રહેવામાં શાણપણ છે. મતમતાંતરો હોય પણ ઝગડો કરી શક્તિ વેડફવી ન જોઈએ. માનસિક શાંતિ રાખવાની છે. આવેશથી બચવાનું છે. ગુસ્સામાં અંધ બનેલા માનવીને શાંતિની વાતો ગમતી નથી, કારણ વટનો સવાલ છે ભાઈ! પરસ્પર પ્રેમથી જીવી લઈએ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વસાણા પાકની એક ભ્રામકતા
દર વર્ષે વસાણા પાક ખાનારો દાદર ચઢતાં હાંફી જાય છે. એક કિલો વજન લઈ એક કિલોમીટર પણ દોડી કે ચાલી શકતો નથી. મોર્નિંગ વોક કરનારા મોર્નિંગ વોક કરતાં થાકી જાય છે. બારે માસ પાચનશકિતની દવાની ટીકડી ગળનાર વસાણા પાક પચાવી શકતો નથી. ચિંતા જેવું નાનકડું પ્રાણી હાથીને ફાડી ખાય પણ તે કદી ખજૂર પાક ખાતો નથી. ટાઇસન જેવો રેસલર કદી અડદિયા પાક ખાતો ન હતો. બકરા ઘેટા અને માણસને એકલો ફાડી ખાનાર સિંહ કદી સાલમ પાક ખાતો નથી. આપણે વસાણા પાક ખાતા ખાતા પણ હાંફી જઇએ છીએ. તો આ પાકોથી કેમ લોકો પાકતા નથી.
સુરત – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.