વિશ્વના મોટા ભાગના ધર્મ ઓછેવત્તે અંશે જૂનાપુરાણા છે. એમ કહેવાય છે કે તમામ ધર્મોનો સાર એક જ છે અને એ છે માનવકલ્યાણનો. તેમ છતાં ધર્મના નામે જેટલી હિંસા થતી આવી છે એટલી કદાચ યુદ્ધમાં પણ નહીં થતી હોય! તમામ ધર્મોનું મૂળ તત્ત્વ એકસમાન હોય તો પછી ધર્મ ધર્મ વચ્ચે અસહિષ્ણુતા કેમ? ભારત સહિત અનેક દેશોમાં ધર્મ એ રાજકારણનો સળગતો અને મહત્ત્વનો મુદ્દો બની રહે છે અને તેની પર વિવિધ રાજકીય પક્ષોનું ભાવિ રચાય છે. ધર્મના બચાવમાં એમ પણ કહેવામાં આવે છે કે તે અસલમાં માનવકેન્દ્રી જ છે, પણ તેના અનુયાયીઓને કારણે ધર્મ બદનામ થાય છે.
વાસ્તવિકતા એ છે કે ધર્મના હાર્દ સુધી જવાના ઉદ્યમને બદલે સૌ પોતાને અનુકૂળ આવે એ રીતે ધર્મના કોઈ પણ તત્ત્વને પકડી લે છે. આથી છેવટે ધર્મ વ્યાપક બની રહેવાને બદલે મુઠ્ઠીભર આગેવાનો પૂરતો મર્યાદિત બનીને રહી જાય છે. આવા ધાર્મિક આગેવાનો પણ એમ જ ઈચ્છે છે. પ્રવર્તમાન ધોરણ અનુસાર પ્રત્યેક વ્યક્તિ સ્વતંત્ર નાગરિક અને સમાન હક ધરાવે છે, છતાં ધર્મ અને સંપ્રદાયમાં એક યા બીજા પ્રકારના તીવ્ર ભેદભાવ જોવા મળે છે અને એ બાબતે તેના અનુયાયીઓને ખાસ વાંધો હોતો નથી. ઉલટાનું ઘણા ખરા કિસ્સાઓમાં એનું ગૌરવ તેઓ લેતાં જોવા મળે છે.
આ બાબતનું વધુ એક ઉદાહરણ જોવા મળ્યું. નવેમ્બર, ૨૦૨૨માં દિલ્હીસ્થિત જામા મસ્જિદ દ્વારા એક ફરમાન બહાર પાડવામાં આવ્યું. એ અનુસાર એકલી હોય એવી મહિલાઓના મસ્જિદપ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. પરિવાર કે પતિ સાથે મહિલાઓ આવી શકે, પણ એકલી યા કેવળ મહિલાઓનું જૂથ હોય તો એમનો પ્રવેશ બંધ. અચાનક આવા ફરમાનનું કારણ? જામા મસ્જિદના પ્રવક્તા અનુસાર એકલી આવતી મહિલાઓ કોઈક પુરુષને અહીં મળવાનો સમય આપે છે અને ગમે એવી હરકતો કરે છે.
અહીં ટીકટૉક વિડીયો બનાવે છે અને આ સ્થળ જાણે કે બગીચો હોય એમ વર્તે છે. ચાહે મસ્જિદ હોય, મંદિર હોય કે ગુરુદ્વારા, પવિત્ર સ્થળોએ આવી હરકત જરાય ચલાવી લેવાય નહીં. દિલ્હીની જામા મસ્જિદ દેશની સૌથી મોટી મસ્જિદો પૈકીની એક છે અને ત્યાં અનેક મુલાકાતીઓ આવતાં રહે છે. ટીકટૉક વિડીયો ન બનાવવાની સૂચના એક પાટિયા પર લખવામાં આવી છે એ જ રીતે એકલી મહિલા મુલાકાતીઓના આગમન પર પ્રતિબંધની સૂચના પણ લખવામાં આવી હતી. મસ્જિદના વહીવટકર્તાઓએ મુલાકાતીઓને ટીકટૉક વિડીયો બનાવતા રોકવા માટે દસ જણની ટીમ બનાવી હતી.
આ ફરમાનનો વ્યાપક રીતે વિરોધ થયો. દિલ્હી મહિલા આયોગ દ્વારા જામા મસ્જિદના ઈમામને નોટિસ મોકલવામાં આવી. દિલ્હીના લેફટનન્ટ ગવર્નરે આ મામલે દખલઅંદાજી કરવી પડી. આખરે આ મામલે પુનર્વિચાર કરવામાં આવ્યો અને તેને પાછું ખેંચવામાં આવ્યું. ફરમાન પાછું ખેંચાયું એ આનંદની વાત છે, પણ આ આખા મામલે મહિલાઓ પ્રત્યે મસ્જિદના સત્તાવાળાઓનો અભિગમ માનસિક પછાતપણાનો સૂચક છે. એમની દૃષ્ટિએ જે પણ ખોટું થતું લાગે એના માટે કેવળ મહિલાઓને જ જવાબદાર ગણવાની?
બીજો કિસ્સો કેરળની મુસ્લિમ વિદ્વાનોની સૌથી મોટી સંસ્થા કેરળ જમિયતુલ ઉલેમાનો છે. કાતિબ(ઉપદેશકો)ના સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા એક પરિપત્રમાં ફૂટબૉલના ખેલાડીઓ પાછળ પાગલ થતા યુવાઓને ચેતવવામાં આવ્યા છે અને જણાવાયું છે કે ફૂટબૉલના લોકપ્રિય ખેલાડીઓનાં આદમ કદનાં કટઆઉટ લગાડવા એ વ્યક્તિપૂજા છે અને વ્યક્તિપૂજાનો ઈસ્લામમાં નિષેધ છે. આ સંગઠનના વડા નાસર ફૈઝીએ પ્રશંસકો દ્વારા પોર્ચુગલ અને ઈન્ગ્લેન્ડ જેવા દેશોના રાષ્ટ્રધ્વજ ધારણ કરવા અને તેની ડિઝાઈનવાળી જર્સીઓ પહેરવાના પ્રશંસકોના વલણની પણ ટીકા કરી છે. અલબત્ત, કેરળ જમિયતુલ ઉલેમાના એકે અગ્રણીએ ફૈઝીના વલણને સમર્થન આપ્યું નથી.
બન્ને કિસ્સા સાવ અલગ છે, પણ તેમાં સામાન્ય બાબત હોય તો માણસના સાહજિક વલણને દાબવાની છે. ધર્મનું સુકાન ધર્મગુરુઓના હાથમાં હોય ત્યારે આમ જ બને અને આમ જ બનતું આવ્યું છે. અલબત્ત, એટલું સ્વીકારવું પડે કે રૂઢિચુસ્તતા, બંધિયારપણા અને પરંપરાને વળગી રહેવાનું વલણ કેવળ ઈસ્લામનું નહીં, બલકે મોટા ભાગના ધર્મોનું છે. તેનું પ્રમાણ કે તીવ્રતામાં ફેર હોઈ શકે, પણ એનાથી કોઈ ધર્મ મુક્ત નથી. કાગળ પર ચીતરાયેલા અસલ ધર્મની દુહાઈ આપીને કોઈ એમ કહી શકે કે મૂળતઃ ધર્મ આવો નથી હોતો. આ બાબત અનંત ચર્ચાનો વિષય છે, પણ એ યાદ રાખવું જરૂરી છે કે ધર્મના હાર્દ સુધી જવાની તસ્દી કેટલા લે છે? છેવટે તો એ તે ધર્મના વડા દ્વારા અર્થઘટન કરાતા ધર્મને જ બહુમતિ દ્વારા સ્વીકારવામાં આવે છે અને અમલ પણ તેનો જ જોવા મળે છે.
મહિલાઓનાં વસ્ત્રો કે માસિકધર્મ દરમિયાન નહીં પ્રવેશવાની સૂચનાઓ મંદિરોમાં પણ વાંચવા મળે છે, તો જન્મદાત્રી એવી મહિલાનાં દર્શનમાત્રથી દૂર રહેવાનો નિયમ કેટલાક સંપ્રદાયમાં જાહેરમાં ચુસ્તપણે પાળવામાં આવે છે, જેનો વાંધો કે વિરોધ નથી મહિલાને કે નથી તેની સાથે સંકળાયેલા પુરુષને. કોઈ પણ ધર્મ સમાનતાની ગમે એવી વાત કરતો હોય, તેમાં એક યા બીજા પ્રકારનો ભેદભાવ અનિવાર્યપણે હોય જ છે. સમાનતાથી મોટો કોઈ ધર્મ નથી એ હકીકત હજી ખુદ નાગરિકોને ગળે પૂરેપૂરી નથી ઉતરી, ત્યાં જેમનું સ્થાપિત હિત સીધેસીધું સંકળાયું હોય એવા ધર્મગુરુઓ દ્વારા એ સ્વીકારાય એ અપેક્ષા વધુ પડતી છે!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.