વાલોડ (Valod) તાલુકાના મોરદેવી ગામે આજે એક હચમચાવી દેનાર ઘટના બની હતી. અહીં એક ખેડૂતે (Farmer) પોતાના ખેતરને જંગલી ભૂંડના ત્રાસથી બચાવવા માટે વીજતાર (Power Cord) લગાવ્યો હતો. આ વીજતાર તેના જ પરિવારને ભરખી ગયો હતો. પત્ની તેના પતિને કરંટથી (Electric Current) બચાવવા જતાં પોતે પણ એની ઝપેટમાં આવી ગઈ હતી. બીજી તરફ માતાને કરંટ લાગતો જોઈ માને બચાવવા આવેલા પુત્રને પણ કરંટ લાગ્યો હતો. જેના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટ્યા હતા.
- ખેડૂતે પોતાના ખેતરને જંગલી ભૂંડના ત્રાસથી બચાવવા માટે વીજતાર લગાવ્યો, આ વીજતાર તેના જ પરિવારને ભરખી ગયો
- કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ સભ્યો મોતને ભેટ્યા
- પુત્રી મનીષાને પણ કરંટ લાગ્યો પરંતુ તે બચી ગઈ
બનાવની મળતી માહિતી મુજબ વાલોડના મોરદેવી ગામે રહેતા ખેડૂત ધીરુભાઈ ચૌધરી તેમની પત્ની ક્રિષ્નાબેન ચૌધરી, પુત્ર દેવરામ ઉર્ફે શૈલેષ બાલુભાઈ ચૌધરી સાથે રહેતા હતા. ધીરુભાઈ ચૌધરીના ખેતરમાં જંગલી ભૂંડોનો ત્રાસ હોવાને કારણે તેમણે ખેતરની આસપાસ વીજ કરંટના તાર લગાવ્યા હતા. આ તારનું વીજ કનેક્શન ધીરુભાઈએ પોતાના ઘરમાંથી દીધું હતું. સામાન્ય રીતે ધીરુભાઈ જ્યારે પણ પાણીની પાઈપ વાળવા જતા ત્યારે તારની સ્વિચ બંધ કરીને જતા હતાં. પરંતુ આજરોજ તારની સ્વિચ બંધ કરવાનું ભૂલાઈ ગયું અને ધીરૂભાઈ વહેલી સવારે ખેતરમાં પહોંચ્યા હતા. અહીં તેઓ પાણીની પાઇપ વાળતા હતા એ સમયે જમીનમાં ભેજને કારણે તેમને વીજ કરંટ લાગ્યો હતો. ધીરુભાઈને વીજ કરંટ લાગતો જોઈ તેમનાં પત્ની ક્રિષ્નાબેન તેમને બચાવવા દોડ્યા હતા. તેમને પણ જોરદાર કરંટ લાગ્યો હતો. બૂમો સાંભળી ક્રિષ્નાબેનનો પુત્ર દેવરામ પણ ત્યાં દોડી આવ્યો હતો. દેવરામને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં ત્રણેયના મોત નિપજ્યા હતા.
ભૂંડથી બચાવમાં લગાડેલા વીજ તારથી મોરદેવી ગામે એક જ પરિવારના 3 સભ્યોનાં મોત નિપજ્યા હતા. જેને કારણે ગામમાં શોકનો માહોલ છે. આ મામલે વાલોડ પોલીસે ત્રણેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ધીરૂભાઈની પુત્રી મનીષાનો બચાવ થયો હતો. પરિવારના સભ્યોને કરંટ લાગતા જોઈ મનીષા તેમને બચાવવા દોડી હતી જેથી તેને પણ કરંટનો ઝાટકો લાગ્યો હતો પરંતુ તે બચી ગઈ હતી. પોલીસે મનીષાબેન ચૌધરીની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.