અમેરિકામાં આ વર્ષે પણ બોમ્બ સાયક્લોનની ઘટના બની છે અને આ વખતે નાતાલના ટાણે જ આ ઘટના બની છે. બોમ્બ સાયક્લોનમાં ભારે સખત તીવ્રતા સાથે બરફનું તોફાન સર્જાય છે. આ વખતે આ બરફના તોફાનની તીવ્રતા ઘણી વધારે છે અને તેમાં ડઝનબંધ લોકોના મોત થયા છે. નાતાલના તહેવાર ટાણે જ સર્જાયેલા આ તોફાને તહેવારની ઉજવણી તો બગાડી જ છે પણ વિશ્વના આ સૌથી શક્તિશાળી મનાતા દેશમાં ગમગીનીનો માહોલ પણ ઉભો કરી દીધો છે. નાતાલના ટાણે જ અમેરિકામાં આવેલા ઘાતક બરફના તોફાન અને તીવ્ર ઠંડીથી મૃત્યુઆંક પહેલા દિવસે ૩૦ને વટાવી ગયો હતો અને બીજા દિવસે તો પ૦ની નજીક પહોંચી ગયો હતો. અમેરિકાના તમામ પ૦ રાજ્યો આ તોફાનની અડફેટે આવી ગયા છે અને બધાને વધતી ઓછી અસર થઇ છે. અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં આ તોફાનને કારણે અંધાધૂંધીઓ સર્જાઇ હતી અને જનજીવન ઠપ થઇ ગયેલું જણાતું હતું અને હજી થોડા દિવસ સુધી આ તોફાનને કારણે જનજીવનને અસર ચાલુ જ રહેશે એમ કહેવાય છે.
અમેરિકામાં બોમ્બ સાયક્લોનની જે ઘટના સર્જાઇ અને તેને પરિણામે જે ભારે બરફવર્ષા થઇ તેને કારણે અમેરિકાના લગભગ તમામ ૫૦ રાજ્યો અસર પામ્યા છે જેમાં સૌથી વધુ અસર ન્યૂ્યોર્ક સ્ટેટ અને ન્યૂયોર્ક મહાનગરને થયેલી જણાય છે. ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં તો છ ફૂટ જેટલો બરફ પડ્યો છે અને બરફના મોટા ઢગલાઓ થઇ ગયા છે. અમેરિકાનું આ તોફાન કેનેડા નજીકના ગ્રેટ લેકથી માંડીને મેક્સિકો સાથેની રિઓ ગ્રાન્ડ સુધી ફેલાયું છે અને તેથી ઉત્તરથી લઇને દક્ષિણ સુધીનું લગભગ આખું અમેરિકા જ તેની લપેટમાં આવી ગયું છે.
દર વખતે બને છે તેમ સૌથી વધુ અસર અમેરિકાના પૂર્વ કાંઠાના વિસ્તારોમાં જણાય છે જ્યાં ન્યૂયોર્ક શહેર સહિતના વિસ્તારો આવેલા છે. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન પણ પૂર્વ ભાગમાં જ છે. નાતાલના દિવસે ન્યૂયોર્કના બફેલો વિસ્તારમાં તો એટલી ખરાબ સ્થિતિ હતી કે એમ્બ્યુલન્સને એક ફેરો મારતા ત્રણ કલાક જેટલો સમય લાગી જતો હતો! અને બીજા દિવસે સોમવારે પણ અમેરિકામાં અંધાધૂંધી ચાલુ જ રહી હતી જેમાં અનેક સ્થળે ઇમરજન્સી વાહનોની કતારો જોવા મળી હતી તો પ્રવાસી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા. આખા દેશમાં હજારો ફ્લાઇટો રદ કરવી પડી છે અને રસ્તાઓ ભયજનક બની ગયા છે તેથી પ્રવાસની મોટી અંધાધૂંધી સર્જાઇ છે.
આ તોફાન ધીમુ પડીને હજી પણ થોડા દિવસ ચાલુ રહી શકે છે અને જનજીવન થાળે પડતા કેટલાક દિવસો નિકળી જશે એમ લાગે છે. આ તોફાનને કારણે અનેક વિસ્તારોમાં વિજળી પુરવઠ ઠપ થઇ ગયો હતો અને તેમાંથી કેટલાક વિસ્તારોમાં સોમવારે પણ તે ફરી સ્થાપિત કરી શકાયો ન હતો અને ધીમી ગતિએ તે ફરી સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી હતી. બરફના ભયંકર તોફાનને કારણે અમેરિકાના અનેક વિસ્તારોમાં જે રીતે બરફના ઢગલા થઇ ગયા તે આ તોફાનની તીવ્રતા સૂચવે છે. કેટલાક લોકો તો સખત ઠંડીમાં તેમની કારોમાં જ થીજીને મરી ગયા હતા એમ કહેવાય છે. ગમે તેટલી સમૃદ્ધિ આવે પરંતુ પ્રકૃતિ સામે તો માણસ વામણો જ છે તે આના પરથી સાબિત થઇ જાય છે.
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ જેને કહેવામાં આવે છે તે અમેરિકા કેટલીક બાબતોમાં કમનસીબ છે. તેના કેટલાક રાજ્યો વારંવાર વાવાઝોડાઓનો ભોગ બને છે. દર શિયાળામાં એકાદ વાર તો ત્યાં બરફના તોફાનની ઘટના બને જ છે, આ વખતે જો કે તેની તીવ્રતા ઘણી વધારે હતી. વળી, છેલ્લા કેટલાક વર્ષોમાં ત્યાં વાવાઝોડાઓ અને શિયાળુ તોફાનોની તીવ્રતા અને સંખ્યા વધી હોવાનું જણાય છે જે કદાચ હવામાન પરિવર્તનને કારણે હોઇ શકે. ગમે તે હોય પરંતુ હાલના આ શિયાળુ બરફના તોફાને દુનિયાના આ સૌથી શક્તિશાળી દેશને કુદરત આગળ ફરી એક વાર લાચાર સાબિત કરીને બતાવ્યો છે.