Dakshin Gujarat Main

દક્ષિણ ગુજરાત બાય – બાય 2022

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પૂર્ણામાં પૂર આવતા અડધું નવસારી ડૂબી ગયું
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના પાણી નવસારીના જુદા જુદા વિસ્તારમાં ફરી વળ્યા હતા જેના કારણે નવસારી જિલ્લામાં હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નદીના વહેણની જેમ વરસાદી પાણી શહેરની ગલીઓમાં વહી રહ્યા હતા. બીજી તરફ ડ્રેનેજ લાઇન પણ ચોકઅપ થઈ જતા વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. જેથી લોકોએ તેમની ગલી-મહોલ્લામાં આવેલી ડ્રેનેજ લાઇનના ઢાંકણો ખોલી દીધા હતા. પરંતુ વરસાદી પાણીનો નિકાલ થયો ન હતો. જોકે રસ્તા પરથી અવર-જવર કરતા રાહદારી અને વાહન ચાલકોને તકલીફ ન પડે તે માટે ખુલ્લી ડ્રેનેજ લાઈનમાં મોટા બાંબુ અને ઝાડની ડાળખીઓ મૂકી દીધી હતી. NDRF ની ટીમોને બચાવ કામગીરી માટે નવસારી જિલ્લામાં બે ટીમ મૂકવામાં આવી હતી. હાઇવે પર પાણી ભરાતા નેશનલ હાઇવે નં-48 ચીખલી નજીકથી બંધ કરાયો છે. નવસારીના નવીનનગર ખાતે NDRFની ટીમે 8 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે જયારે વાંસદા તાલુકાના પ્રતાપનગર ગામે 21 લોકોનું રેસ્કયુ કરી સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતાં. નવસારીમાં મોટા બજાર, નગરપાલિકા પાસે, નવસારી હાઈસ્કૂલ પાસે, જુનાથાણા, સેન્ટ્રલ બેંકથી ટાવર રોડ, તિઘરા પાસેનો રોડ, જલાલપોર, તવડી ગામ, જલાલપોર આનંદભુવનની ચાલ, ધર્મીન નગર, કાલિયાવાડી કલેકટર કચેરી પાસેના રોડ પર, અગ્રવાલ કોલેજ રોડ પર, તાશકંદ નગર, બોદાલી રોડ પર, પ્રજાપતિ આશ્રમથી બસ ડેપો જતા રોડ પર, ધારાગીરી ગામે અને કબીલપોર રોડ પર પાણી ભરાયા હતા. જ્યારે વિજલપોરમાં મારૂતિ નગર, ભક્તિનગર, સુશ્રુશા હોસ્પિટલ પાસે, શિવાજી ચોક, વિઠ્ઠલ મંદિર પાસે, વિજલપોર ફાટક જતા રોડ પર તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.

નવસારી નજીક અકસ્માતમાં ચીખલીના સમરોલી પતિ-પત્ની પુત્ર સહિત પાંચના મોત
નવસારીના કસ્બા ધોળાપીપળા માર્ગ ઉપર પડઘા પાસે બીજી મે 22ના રોજ સુરતથી લગ્નની ખરીદી કરી પરત આવી રહેલી ચીખલી તાલુકાના સમરોલીના પરિવારની ઇકો કારને કન્ટેઇનર ચાલકે અડફટે લેતા પતિ-પત્ની પુત્ર સહિત એક સાથે પાંચ લોકોના મોત નીપજ્યા હતા. સમરોલીમાં કાળાપુલ નજીક રહેતા પ્રફુલભાઇની દીકરીના લગ્ન હોઇ પરિવાર સુરત લગ્નની ખરીદી માટે ગયો હતો. આ દરમ્યાન ધોળાપીપળા પડઘા પાસે કન્ટેઇનરના ચાલકે તેમની ઇકો કારને અડફટે લેતા પ્રફુલભાઇ લલ્લુભાઇ પટેલ (ઉ.વ. 55) તેમની પત્ની મિનાક્ષીબેન પટેલ (ઉ.વ. 50) પુત્ર શિવ પટેલ (તમામ રહે. સમરોલી કાળાપુલ તા. ચીખલી) તથા પાડોશી રોનક કાંતિલાલ પટેલ ઉપરાંત પ્રફુલભાઇની સાળી મનીષાબેન મુકેશભાઇ પટેલ (રહે. વંકાલ મોખા ફળિયા તા. ચીખલી) એમ પાંચ લોકો મોતને ભેટ્યા હતા. બીજા દિવસે સમરોલીમાં એક સાથે અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો.

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો, ભાજપના જિ.પં.ના પ્રમુખ સામે ગુનો
સુરત: કોંગ્રેસના નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર ખેરગામ નજીક હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના ભાજપી પ્રમુખ ભીખુ આહિર સામે ગુનો દાખલ થયો હતો. આ મામલા બાદ ભીખુ આહિરની દુકાનમાં તોડફોડ તેમજ આગચંપી કરવામાં આવી હતી.

વાલોડ ગ્રામ પંચાયતમાં ક્લાર્ક તરીકે નોકરી કરતી પત્નીને સળગાવીને પતિ જાતે સળગી મર્યો
તાપી જીલ્લાના વાલોડમાં પંચાયતમાં મનરેગા વિભાગમાં કામ કરતી ક્લાર્કને તેના પતિએ જીવતી સળગાવી નાખી હતી. તે કેરોસીન લઇને કચેરીમાં ધસી ગયો હતો અને પત્નીને સળગાવ્યા બાદ પોતે પણ સળગી ગયો હતો. આ ઘટનામાં કરુણ બાબત એ હતી કે બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા છતાં પણ પતિએ આ પગલું ભર્યંુ હતું.

ભરૂચના DYSPએ મહિલા PSIને કહ્યું: ‘એકલા મળીએ, થોડો લાભ આપો’: પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર હાલ વડોદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે. તેમના ભરૂચ બી ડિવિઝન ફરજ દરમિયાનના કાર્યકાળમાં ભરૂચમાં મહિલા PSI અને કર્મચારીઓ સાથે જ છેડતી અને અશલીલ હરકતો કરી હોવાનો આરોપી મૂકી ભરૂચ બી ડિવિઝન પોલીસમથકે ભોગ બનેલી મહિલા PSIએ ફરિયાદ નોંધાવી હતી. માર્ચ-૨૦૨૧માં લંપટ PI બુ.એમ.પરમાર ભરૂચ બી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. ત્યારે મહિલા PSI સહિત અન્ય બીજી પો.સ.ઇ. તેમજ બે મહિલા પોલીસ કર્મચારીને આ PI પરમારે અનેકવાર પોતાની કેબિનમાં બોલાવી કલાકો સુધી ઊભા કે બેસાડી રાખી હતી. તેમણે પૂછ્યું હતું કે ‘શું ચાલે છે, ડિયર. તમે એકલાં જ રહો છો ને. હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે.’ તમે કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.

માંડવીના દેવગીરીના 10 શ્રમિકના આમલીડેમમાં ડૂબી જતાં મોત
માંડવી તાલુકામાં આવેલા દેવગીરી ગામના 10 જેટલા શ્રમિકો આમલી ડેમના પાણી વિસ્તારમાંથી નાવડીમાં બેસી ઘાસચારો લેવા ડુંગર તરફ જઈ રહ્યા હતાં. એ દરમિયાન પાણીમાં નાવડી પલટી જતાં 7 શ્રમિકનાં મોત થયાં હતાં. જેમાં 3 શ્રમિકનો બચાવ થયો હતો. સાંસદ પ્રભુ વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લઇ મૃતકના પરિવારોને મળીને સાંત્વના પાઠવી હતી.

પલસાણાની સૌમ્યા મિલમાં આગ લાગતા ત્રણ જીવતા ભૂંજાયા
પલસાણા ચાર રસ્તા ખાતે આવેલી સૌમ્યા પ્રોસેર્સ મિલમાં આગ લાગી હતી. મિલમાં યાર્ન સાથે ગ્રે કાપડ તેમક જરૂરી તીવ્ર કેમિકલ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આ ગોઝારી ઘટનામાં મિલમાં ઓફિસનું ફર્નિચરનું છેલ્લા એક મહિનાથી કામ કરી રહેલા અને રાત્રિ દરમિયાન કામ કરી ઓફિસમાં જ સૂતેલા ત્રણ વ્યક્તિનાં કરુણ મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં પોલીસે મિલમાલિક અનુપ બ્રિજમોહન અગ્રવાલ (રહે., ગ્રીન એવન્યુ એપાર્ટમેન્ટ, ઘોડદોડ રોડ, સુરત) તેમજ બે સુપરવાઇઝર ગણેશપ્રસાદ શ્રીરામ દ્વિવેદી (રહે., બિલાલનગર, પલસાણા) તેમજ મનીષ ઓમપ્રકાશ શર્મા (રહે., અભિષેક રેસિડન્સી, સચિન, સુરત) વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કીમ નદીમાંથી પાંખવાળો કાચબો મળી આવ્યો
કીમ ખાડીમાંથી પાંખવાળો કાચબો મળી આવ્યો હતો. ઓડિશાના સમુદ્ર તટે પ્રજનન માટે પહોંચતા ઓવિડ રિડલી કાચબા પૈકીનો એક ઇલાવ ગામે મળતા લોકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. વનવિભાગે આ કાચબાનો કબજો લઇ તેને સમુદ્રમાં છોડ્યો હતો.

કડોદરાની ડિસ્ટ્રિક્ટ બેંકમાં રિવોલ્વરની અણીએ 7 લાખની લૂંટ
કડોદરા ખાતે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં લૂંટારુ ત્રાટક્યા હતા.તેમણે રિવોલ્વરની અણીએ 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. લૂંટ દરમિયાન તમામ કર્મચારીને તાળું મારીને પૂરી દીધા હતા. લૂંટરુ ગ્રાહકના સ્વાંગમાં બેંકમાં પ્રવેશ્યા હતાં.

દ.ગુ.માં પાણી ઓસરતાં પુરમાં તણાયેલા નવ વ્યક્તિની લાશ મળી
દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ વચ્ચે ઠેર ઠેર ભરાયેલા પાણીમાં તણાયેલા નવ વ્યક્તિની લાશ પાણી ઓસરતાં મળી આવી છે. જેમાં વાલોડમાં બે, નવસારીમાં બે અને ડાંગ જિલ્લામાં પાંચ વ્યક્તિની લાશ મળી છે. જ્યારે ધરમપુરમાં છ દિવસ પૂર્વે કાર સાથે તણાયેલા ત્રણ વ્યક્તિ હજુ લાપતા છે. વાલોડમાં પુર્ણા નદીમાં પૂરથી બે લાશ ખેંચાઈ આવી હતી, જેમાં કૃષ્ણકુંજ સોસાયટીની પાછળ વાલ્મિકી નદી કિનારા પાસેથી એક અને સોનગઢના સાદડવેલ ગામે નિશાળ ફળિયાના ગનાભાઈ ગામીત પાણીના વહેણમાં તેઓ તણાઈ ગયાં હતાં. વાલોડના બુટવાડાના રાકેશ હળપતિ કોતર કિનારે મશરૂમ શોધવા જતા પગ લપસી જતાં પાણીમાં તણાઈ ગયા હતા. ઉપરાંત જલાલપોરના એરૂ ચાર રસ્તા સચી રેસિડન્સીમાં રહેતા ઋષિ પટેલ અને મછાડ ગામે હિતેશ પટેલના પૂરમાં તણાઈ જતા ડૂબી જતા લાશ ઝાડીમાંથી લાશ મળી હતી. ઉપરાંત પૂર્ણા નદીના પુરમાં તણાયેલા ડાંગનાં કડમાળ ગામનાં રહીશ પવારની લાશ નાળામાંથી, સુબિરાનાં વડપાડા ગામના નવલભાઈ પાટીલ અને ઢોંગીઆંબા ગામનાં વિદ્યાર્થી રોહિતભાઈ દિવાની લાશ વઘઇનાં દરડી ગામે નદીનાં ઝાડીમાંથી મળી હતી.

નવસારીના જમાલપોરમાં મંદિર તોડવાના વિવાદમાં પોલીસનો લાઠીચાર્જ
નવસારીના જમાલપોર સર્વોદયનગરમાં મંદિર તોડવા અધિકારીઓ પોલીસ પહોંચી ગયા હતા. જ્યાં સ્થાનિકોએ મંદિર તોડવા સામે વિરોધ કર્યો હતો. જોકે અધિકારીઓ અને પોલીસે તેઓને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ સ્થાનિકોએ મંદિર નહીં તોડવાની જીદ પકડી રાખતા પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે સોસાયટીના સ્થાનિકો પર લાઠીચાર્જ શરૂ કરી દીધો હતો અને મંદિર ઉપર JCB ચડાવી દીધું હતું. આ મામલો ચૂંટણીમાં પણ ખૂબ ગાજ્યો હતો.

નેત્રંગ અને ડેડિયાપાડા વચ્ચે કાર તળાવમાં ખાબકતાં નર્મદાના નિવૃત પોલીસ કર્મચારીના પુત્ર, પુત્રવધૂ અને પૌત્રીનું મોત
નર્મદા જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી એલ.યુ.વસાવાના પુત્ર, પુત્રવધૂ તથા 3 વર્ષની પૌત્રીનું નેત્રંગ અને ડેડિયાપાડા વચ્ચે રમણપુરા ગામ પાસે કાર પાણીમાં ખાબકતાં મૃત્યુ થયું હતું. પરિવારના ત્રણેય સભ્યો નેત્રંગ નજીકની હોટલમાંથી જમ્યા બાદ રાત્રે પોતાના ઘરે જઈ રહ્યાં હતાં. દરમિયાન મોટો ખાડો આવતાં કારની સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં એમની કાર બ્રિજ નીચેના ડેમના રિઝર્વ પાણીના તળાવમાં ખાબકી હતી. જેમાં 38 વર્ષીય પુત્ર સંદીપ વસાવા, પત્ની યોગીતા (ઉં.વ.30) અને 3 વર્ષિય પોતાની પુત્રી માહીએ જીવ ગુમાવ્યો હતો.

બીલીમોરાથી ઉંડાચને જોડતા પુલનો એક પિલર બેસી ગયો
વર્ષ 2022માં ગણદેવી તાલુકામાં પડેલા મુશળધાર 2287 MM એટલે કે 91.48 ઇંચ વરસાદને કારણે બીલીમોરાથી ઉંડાચને જોડતો 8:50 કરોડના ખર્ચે કાવેરી નદી ઉપર બનેલો પુલ માત્ર તેના સાડા સાત વર્ષના વપરાશમાં જ એક પિલર બેસી જતા છેલ્લા સાત મહિનાથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે. ગાંધીનગરની ટેક્નિકલ ટીમે આ ક્ષતિગ્રસ્ત પુલની મુલાકાત લીધી હતી અને તેનો શું રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ આપ્યો તેની કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી, પણ છેલ્લા સાત મહિનાથી બીલીમોરાને નેશનલ હાઇવે નં. 48 ના બામણવેલથી ટૂંકા અંતરે જોડતો આ રસ્તો સદંતર બંધ થઈ ગયો છે.

વલસાડમાં આ વર્ષે 4 વખત રેલ આવી હતી
વલસાડમાં વર્ષ 2022ના ચોમાસા દરમિયાન ચાર વખત રેલ આવી હતી. એકથી વધુ વખત રેલ આવવાનો વલસાડમાં ઇતિહાસ નથી. ત્યારે આ વર્ષે વલસાડમાં સતત વરસાદના કારણે અને દરિયાની ભરતીના કારણે ચાર વખત રેલ આવી હતી. આ રેલમાં લોકોને બચાવવા જતા એક યુવાનનું મોત પણ થયું હતું. તેમજ વલસાડ શહેરના ઇતિહાસમાં પહેલીવાર ઇટના ભઠ્ઠામાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા હતા.

અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 4 કામદારનાં મોત
અંકલેશ્વર GIDCમાં આવેલી પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રક્શનની ચાલી રહેલી કામગીરી દરમિયાન દીવાલ ધરાશાયી થતાં એક મહિલા સહિત 4 કામદારનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે ત્રણ કામદારને ઈજા પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ હોનારતને પગલે અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને DYSP સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો.

વાંસદાના મીંઢાબારી ગામમાં રમકડાંમાં બોમ્બ મૂકી વરરાજાની હત્યાની કોશિશ
વાંસદાના મીંઢાબારી ગામમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં લગ્નમાં ભેંટમાં મળેલું રમકડું ચાર્જમાં મૂકતા જ બ્લાસ્ટ થયો હતો જેમાં વરરાજા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. લતેશ ભાયકુભાઇ ગાવિત અને સલમાના લગ્ન પ્રસંગમાં અનેક લોકોએ ભેંટ આપી હતી. પોલીસ તપાસમાં બદલો લેવાની ભાવનાથી સંબંધીએ જ આ હરકત કરી હોવાનું બહાર આવ્યું હતું.

નવસારીના દરગાહવાલા હોલના સંચાલકની ઘાતકી હત્યા
નવસારીમાં દરગાહવાલા હોલના સંચાલકની ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમના સંબંધી અને ભાગીદાર દ્વારા જ સુરતના ટપોરીઓને બોલાવીને તેમની હત્યા કરાવી નાંખવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. આ બનાવથી સમગ્ર નવસારીના મુસ્લિમ સમાજમાં ભારે ચકચાર મચી હતી.

કામરેજ નજીકથી કરોડોની નકલી નોટ પકડાઇ
કામરેજ નજીકથી 25.80 કરોડની ડુપ્લિકેટ નોટ ઝડપાઇ હતી. દિકરી ફાઉન્ડેશનની એમ્બ્યુલન્સમાં ડુપ્લિકેટ નોટની હેરાફેરી કરવામાં આવતી હતી. ત્યારબાદ આ નોટની કિંમત 200 કરોડની ઉપર પહોંચી ગઇ હતી. સૌરાષ્ટ્ર, મુંબઇ અને ત્યાર પછી તેનું પગેરું દિલ્હી સુધી પહોંચ્યું હતું. આ નોટ પકડાવવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઇ હતી.

દક્ષિણ ગુજરાતની 35માંથી 33 બેઠક પર કમળ, કનુ દેસાઇ ફરી નાણા મંત્રી, કુંવરજી હળપતિને મંત્રી બનાવાયા
ગુજરાત વિધાનસભાની દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી કોંગ્રેસના ભાગે એકમાત્ર વાંસદા બેઠક આવી હતી. જ્યારે આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાની એકમાત્ર બેઠક પર જીત મેળવી હતી. 35માંથી 33 બેઠકો જીતી ભાજપે દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટીમાં ઇતિહાસ સર્જ્યો હતું. AAPના ઉમેદવારો સારા એવા મતો લઈ જતાં કેટલીક બેઠકો પર આપ બીજા ક્રમે અને કોંગ્રેસ ત્રીજા ક્રમે પહોંચી ગઇ હતું. એટલું જ નહીં આપના યોગદાનને પ્રતાપે સુરત, તાપી, વલસાડ, નર્મદા, જિલ્લો કોંગ્રેસમુક્ત થઇ ગયો હતું. ડાંગ જિલ્લાની એકમાત્ર બેઠક પણ ભાજપ સરળતાથી જીતી શક્યું હતું. કોંગ્રેસના સક્ષમ ગણાતા ઉમેદવારો આનંદ ચૌધરી, સુનીલ ગામીત, હેમાંગીની ગરાસિયા, પુનાજી ગામીતને હારનો સામનો કરવો પડ્યો હતું. 2017માં દક્ષિણ ગુજરાતની 35 બેઠકમાંથી 25 ભાજપ, 8 કોંગ્રેસ અને 2 બીટીપીના ઉમેદવારો જિત્યા હતા. તેમાં 2 વલસાડ, 1 નવસારી, 1 સુરત અને 2 તાપી જિલ્લાની બેઠકો પર કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો ચુંટાયા હતા. વલસાડ જિલ્લાના કનુ દેસાઇને ફરી નાણામંત્રી બનાવવામાં આવ્યા છે તો કુંવરજી હળપતિને પણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.

Most Popular

To Top