આજકાલ રાજકીય પક્ષોના નેજા હેઠળ બનેલાં યુનિયનોના અધ્યક્ષ પ્રમુખ કે સેક્રેટરી જેવા હોદ્દો ધરાવતા પ્રતિનિધિઓ કે એનજીઓ ના નામે ચરી ખાતા વ્યકિતઓ કે લોકલ ટી.વી. ચેનલના લેભાગુ રીપોર્ટરો, પત્રકારો પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આમ જનતાને ફેરિયાઓ, વેપારી સંસ્થા કે ઇન્ડસ્ટ્રીઝ, બિલ્ડર્સને ખોટા પુરાવાઓ જેવા કે બોગસ ફોટાઓ, કામદારોના આઇડી, ઇએસઆઇઓનો દુરુપયોગ કરીને બોગસ વ્યકિત ઉભા કરીને ડાયમંડ, વિવિંગ, ડાઇંગ હાઉસ, બિલ્ડર્સ વેપારી સંસ્થાના માલિકોને ઇ-મેઇલ, પોસ્ટ કે મોબાઇલ ફોન દ્વારા તદ્દન ખોટી રીતે નોટીસ મોકલીને અને જુદા જુદા સરકારી ખાતાઓ જેવા કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ફેકટરી ઇન્સ્પેકટરની કચેરી, ગવર્નમેન્ટ લેબર ઓફીસરની કચેરી કે કમિશનર સુરત મહાનગરપાલિકાની કચેરીએ ઉપર જણાવેલ સંસ્થાઓ વિરુધ્ધ ઉપજાવી કાઢેલા પુરાવાઓ દ્વારા બોગસ ફરિયાદ કરવામાં આવે છે અને આવી ફરિયાદો માલિકોને માનસિક ત્રાસ આપી ખોટી રીતે બળજબરીપૂર્વક પૈસા પડાવવા માટે જ ફરિયાદો કરવામાં આવે છે અને આવા ખોટા પુરાવા દ્વારા ન્યાયાલયમાં પણ કેટલીક વખત ફરિયાદ કરવામાં આવે છે અને માલિકોને કોર્ટના ધક્કે ચઢાવી દેવામાં આવે છે. આવી ખોટી ફરિયાદોની સાચી વિગત એકત્ર ન થાય ત્યાં સુધી આવી ફરિયાદ ધ્યાનમાં ન લઇ જે તે ગવર્નમેન્ટ ઓફીસરોએ દફતરે કરવી જોઇએ અને જે તે સંસ્થાના માલિકોને સાંભળ્યા બાદ જ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવી જોઇએ એવી લોકલાગણી છે. જો આ અંગે વધુ વિચારવામાં ન આવે તો સુરત જે આખા ભારતમાં ટેક્ષ્ટાઇલ, જરી, ડાયમંડ તેમજ વિવિધ ઉદ્યોગો છે તેનાં વળતાં પાણી થઇ જશે. ઉદ્યોગપતિઓને આપવામાં આવતો માનસિક ત્રાસ, લેભાગુ પ્રતિનિધિને નાછુટકે આપવા પડતા હપ્તા અને તેઓ તરફથી મળતી ધાકધમકીને કારણે ઔદ્યોગિક વિકાસ અટકી જશે જે ચિંતાજનક છે.
સુરત – જતિન ઓલપાડિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
મેરા તો જો ભી કદમ હૈ, વો તેરી રાહ મેં હૈ…
દરેકે સવારે ઉઠા પછી સ્નાન કરીને પ્રભુ પ્રાર્થના, શાંત ચિત્તે પ્રભુ સ્મરણ કરવું જોઇએ. કેમકે સ્મરણમાં અનેરી તાકાત છે, જે નવી ઉર્જા શકિત આપે છે. સત્યના માર્ગે ચાલીને જીવનનો ભવસાગર તરી જવો જોઇએ, સત્યનો માર્ગ કઠીન છે, પરંતુ આખરે સત્યનો જય થાય છે. આ બાબતે પારસી, રંગભૂમિના નાટયકાર, પદ્મશ્રી યઝદી કરનજિયા આ લખનારને કહે છે હું રોજ સવારે ઉઠીને ખોદાયજીને પ્રાર્થના કરું છું કે મારો શ્વાસ વિશ્વાસ ચાલે ત્યાં સુધી મારી સાથે રહેજો અને નાટય ક્ષેત્રે નવા પ્રયોગ સંશોધન કરવાની પ્રેરણા શકિત આપજો. કેમકે મારી નશે નશમાં નાટય રંગભૂમિ સમાયેલી છે. મારા બધા જ કદમ તારી રાહમાં સમાયેલા છે. જીવન પણ એક નાટક સમાન છે. જુદી જુદી વ્યકિતએ અવનવા પાત્રો ભજવવા પડે છે. 1964માં આવેલી ફિલ્મ દોસ્તીના ગીતો જીવનમાં આવતા વિરોધ અવરોધ પાર કરવાની પ્રેરણા આપે છે. નક્કર મનોબળ અને દૃઢ સંકલ્પ હોય તો જરૂર ધ્યેય મંઝીલ સુધી પહોંચી શકાય છે. કેમકે કર્મ હી પૂજા હૈ, પૂજા હી કર્મ તેને જીવન મંત્ર સમજો.
તરસાડા – પ્રવીણસિંહ મહીડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.