વર્તમાન સરકારે મોટી બહુમતીથી ચુંટાઇ આવી છે. તેમના મનમાં ઘણાં કામો હશે. થોડાં ચીંધી શકાય. પ્રથમ તો નાનાં-નાનાં કામો જે અગત્યનાં છે તે બાબતે વાતો કરીએ તો હેલોઝન લાઇટનો વપરાશ જે હવે નાનાં મોટાં દરેક વાહનોમાં વાપરવામાં આવે છે તે તાકીદે બંધ થવી જોઇએ. આ લાઇટના કારણે સામેથી આવતાં વાહન ચાલકે આંખે અંધારાં આવી જાય છે. સામેથી આવતાં હાથલારી કે સાયકલસવાર જોઇ શકાતાં નથી અને વારંવાર અકસ્માત થાય છે. જયાં સ્ટ્રીટલાઇટ નથી ત્યાં તો આવી લાઇટ ટ્રક-બસ, અને અન્ય વાહનો સાથે અથડાવાનાં અનેક અકસ્માતો થતા જ રહે છે. જેથી તાકીદના ધોરણે આવી હેલોઝન લાઇટ બંધ કરાવવી જોઇએ અને જે જે વાહનો છે તે પણ બદલાવી જરૂરી છે. બીજું કામ વારંવાર આગના બનાવો બનવા. ઊભેલી ગાડીમાં આગ લાગવી, સીટી બસમાં આગ લાગવી.
ઉપરાંત સુરતમાં જ ગોડાઉન, દુકાન, મકાનમાં આગ લાગવાના બનાવો બનતા રહે છે. આ અંગે નિષ્ણાતોની તપાસ સમિતિ બનાવી નિર્ણય લઇ કંઇક કરવું જરૂરી જણાય છે. રખડતાં ઢોર બાબતે બહુમતીથી કાયદો બનાવવામાં આવ્યો. ચૂંટણીના ડરને કારણે પાછો ખેંચ્યો આ છે ‘ડબલ એન્જિન સરકાર.’ આગળનું એન્જિન આગળ ખેંચે પાછળનું એન્જિન પાછું ખેંચે? હવે રખડતાં ઢોરને ખવડાવનાર ગુનેગાર અને તેને સજા?! ચૂંટણી પછીના તરતના પ્રજા માટે આનંદના સમાચાર અરે સાહેબ ઢોર રખડતાં હોય તો આમ જનતા ગાયમાતાને રોટલી ખવડાવશો ને? જે કરવાનું તે કરો ને.
અમરોલી – બળવંત ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ટોલ્સ્ટોયના જીવનનો એક પ્રસંગ
સ્ટેશન પર રાહ જોઇને ઊભેલી શ્રીમંત મહિલાએ સાદાં વસ્ત્રોમાં રસ્તાની બાજુએ ઊભેલા માણસને બૂમ પાડીને તોછડાઇથી બોલાવ્યો – ‘એ પોર્ટર, અહીં આવ. આ રસ્તાની સામે આવેલી હોટેલમાં મારા પતિને આ ચિઠ્ઠી આપીને પાછો આવ. હું તને તારા આ કામ બદલ થોડા પૈસા આપીશ.’ પેલી વ્યકિતએ તે મહિલા પાસેથી ચિઠ્ઠી લઇને હોટેલમાં એના પતિને પહોંચાડી. આ કામ કરવા બદલ પેલી મહિલાએ તેને થોડા પૈસા આપ્યા. પૈસા લઇને તે વ્યકિત બાજુમાં ઊભા રહ્યા. એવામાં પ્લેટફોર્મ પર ગાડી આવી. ગાડીમાંથી ઊતરેલા શહેરના અગ્રણી મહાનુભાવોએ એ પોર્ટરને સલામ કરવા લાગ્યા અને આદરપૂર્વક એની સાથે વાત કરવા લાગ્યા. પેલી મહિલાએ પૂછયું કે આ પોર્ટર છે કોણ? તેને જાણવા મળ્યું કે આ તો રશિયાના સુખી ઉમરાવોમાંના એક કાઉન્ટ લિયો ટોલ્સ્ટોય છે.
ઉચ્ચ વિચારો અને સાદગીભર્યા જીવન જીવતા ટોલ્સ્ટોય પાસે એ શ્રીમંત મહિલા આવી અને એણે પોતે કરેલા ગેરવર્તન બદલ ક્ષમા માંગી. મહિલાએ કહ્યું કે ‘મને માફ કરો. હું આપને ઓળખી શકી નહિ. મેં તમને જે થોડા પૈસા આપ્યા છે તે મને પાછા આપી દ્યો. મને મારી જાત પ્રત્યે ખૂબ શરમ આવે છે. ટોલ્સ્ટોયે કહ્યું કે ‘ના, એ પૈસા તો મારી મહેનતના છે. મારે મન એની ઘણી મોટી કિંમત છે. મને વારસામાં મળેલી અઢળક સંપત્તિ કરતાં આ મહેનતથી કમાયેલા પૈસાની મારે મન ઘણી કિંમત છે. માટે એ પૈસા હું તમને પાછા આપી શકું નહિ.’ ટોલ્સ્ટોયનો જન્મ ૯, સપ્ટેમ્બર, ૧૮૨૮ ને દિને થયો હતો. તે રશિયાનો મોટા ગજાનો લેખક અને ચિંતક હતો. તેની બે નવલકથાઓ ‘વોર એન્ડ પીસ’ તથા ‘અન્ના કરેનીના’ વિશ્વવિખ્યાત છે. ગાંધીજીને તેમનું ‘ધી કીન્ગડમ ઓફ ગોડ ઇઝ વીધીન યુ’ નામનું પુસ્તક ખૂબ ગમતું અને અહિંસા માટેની પ્રેરણા એમાંથી મળી. ટોલ્સ્ટોયના વિચારોથી પ્રભાવિત થઇને ગાંધીજીએ દ. આફ્રિકામાં જોહનીઝબર્ગ નજીક તેમના ફાર્મનું નામ ‘ટોલ્સ્ટોય ફાર્મ’ આપ્યું હતું. ૨૦મી નવેમ્બર ૧૯૧૦ માં ટોલ્સ્ટોયનું મૃત્યુ થયું. ટોલ્સ્ટોયના મૃત્યુને ૧૦૦ વર્ષ ઉપર થયાં છતાં આજે પણ વિશ્વ તેમને યાદ કરે છે!
સુરત – ડો. કિરીટ એન. ડુમસિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.