SURAT

સુરત: રિવર્સ લેતી ટ્રકમાં બાઈક ઘુસી જતા ત્રણ મિત્રોને અકસ્માત, એકનું મોત

સુરત: (Surat) ભેંસાણ-દાંડી રોડ (Dandi Road) ઉપર શુક્રવારે રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતમાં (Accident) ત્રણ મિત્ર (Friends) પૈકી એકનું ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું. ઓલપાડના સોંદલાખારા ગામે મિત્રને મળીને બાઇક ઉપર ત્રણ મિત્રો બરબોધન ગામ જતા હતા ત્યારે ટ્રકમાં (Truck) બાઇક ઘુસી ગઇ હતી.

પાલ પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઓલપાડના બરબોધન ગામ ખાતે હળપતિવાસમાં રહેતો રોહીત જીતુ રાઠોડ (ઉ.વ.22) તેના મિત્ર સાગર અને મનિષ હસમુખ રાઠોડ (ઉ.વ.19 રહે. હળપતિવાસ, બરબોધનગામ) સાથે શુક્રવારે રાત્રિના સાડા દશ વાગ્યે ભેંસાણ રોડ ઉપરથી ત્રણ સવારી બાઇક ઉપર પસાર થઇ રહ્યો હતો. રાત્રિનો સમય હોય ભેંસાણ રોડ ઉપર ટ્રક પાછળ બાઇક ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં રોહીતનું ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે મનિષને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

અકસ્માતમાં સાગર રાઠોડને પણ ઇજા પહોંચી હતી. આ અંગે તપાસ કરી રહેલા પાલ પોલીસ મથકના એએસઆઇ ગણપતસિંહ રૂપસિંહે જણાવ્યું હતું કે રોડ સાઇડે પાર્ક કરેલી ટ્રકનો ચાલક ટ્રક રિવર્સ લઇ રહ્યો હતો તે જ સમયે બાઇક ટ્રક સાથે ભટકાઇ હતી. વધુમાં મૃતક રોહિત સહિત ત્રણેય મિત્રો ઓલપાડના સોંદલાખારા ગામ ખાતે મિત્રને મળીને પરત બરબોધન જઇ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. રોહીત રાઠોડ હાઉસ કિપીંગનું કામ કરતો હતો તેને બે ભાઇઓ છે. બનાવ અંગે પાલ પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

માતા સાથેના ઝઘડા બાદ 48 વર્ષિય પુત્રનો એસીડ ગટગટાવી આપઘાત
સુરત: ડિંડોલી કરાડવા રોડ ખાતે રહેતા 48 વર્ષિય આધેડે માતા સાથેના ઝઘડા બાદ સોસાયટીની બહારની ફુટપાથ ઉપર એસીડ ગટગટાવી લેતા મોત નિપજ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ડિંડોલી કરાડવા રોડ ખાતેની બજરંગનગર સોસાયટીમાં રહેતા શૈલેષ રતીલાલ જોરાવીયા (ઉ.વ.48) છુટક મજુરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. અપરિણીત શૈલેષ જોરાવીયાનો માતા સાથે કોઇને કોઇ મુદ્દે ઘરકંકાશ થયા કરતો હતો.

શુક્રવારે સાંજે માતા સાથેના ઝઘડા બાદ શૈલેષભાઇ ઘરેથી ચાલી નિકળ્યા હતા. દરમિયાન શનિવારે સવારે સાડા નવ વાગ્યે બજરંગનગર સોસાયટીની બહાર ફુટપાથ ઉપરથી એસીડ પીધેલી હાલતમાં શૈલેષભાઇ મળી આવ્યા હતા. તેમના મોટાભાઇ ભુપેન્દ્ર જોરાવીયા તેમને 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. મૃતક શૈલેષભાઇનો ભાઇ ભુપેન્દ્ર ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે ટ્રેક મેઇન્ટેનન્સનું કામ કરતા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Most Popular

To Top