વડોદરા: વિશ્વ વિખ્યાત બનેલી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના બની હતી.એમએસ યુનિવર્સિટીની યુનિટ બિલ્ડીંગ ખાતે એફવાયનું લેક્ચર લઈ રહેલા મહિલા અધ્યાપક સાથે વિદ્યાર્થીઓના એક જૂથે કરેલી અશ્લીલ હરકતના પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો.સમગ્ર બનાવે યુનિવર્સીટી સત્તાધ્ધિશોએ આ અંગે ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શિક્ષણધામને લજવતી ઘટના બની હતી.જેમાં એફવાય બીકોમના યુનિટ બિલ્ડીંગમાં વર્ગ એફ 6 માં કેટલાક ધમાલીયા વિદ્યાર્થીઓ દ્વારા મહિલા લેક્ચર સાથે અશોભનીય વર્તન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓએ હાજરી પત્રક પર બિભત્સ ચિત્ર દોરી મહિલા લેક્ચરર ને બતાવતા શિક્ષણધામમાં હડકંપ મચી ગયો હતો.ત્યારે પોતાની સાથે ઘટેલી અઘટિત ઘટનાને પગલે મહિલા લેક્ચરરે રડતા રડતા વર્ગખંડ છોડવાની નોબત આવી હતી.સમગ્ર મામલે ભોગ બનનાર મહિલા લેકચરર દ્વારા સત્તાધીશો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.મહિલા લેક્ચરર સાથે બનેલી અશોભનીય ઘટના બાદ યુનિવર્સિટીના જવાબદાર અધિકારીઓ હરકત માં આવ્યા છે.
ઇન્ચાર્જ ડીને 18 જેટલા વિદ્યાર્થીઓના આઈકાર્ડ પણ જપ્ત કર્યા છે.સત્તાધીશો દ્વારા મામલાની જડ સુધી પોહોચવા માટે શંકાના ઘેરામાં રહેલા કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને કોલેજમાં બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.જોકે આ ઘટનામાં ઈનચાર્જ ડીને ઘટનાને ગંભીરતાથી ન લેતા હોય તેવું ફલિત થયું હતું. કારણ કે તેઓ એ ક્લાસ રૂમ માં સીસીટીવી ન હોવાના કારણે તોફાની વિદ્યાર્થીઓને પકડવા કે ઓળખવા મુશ્કેલ છે તેમ જણાવી હસતા મોએ જવાબદારી માંથી હાથ અધ્ધર કરી લીધા હતા.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા આ ઘટના ને ગંભીરતા થી ન લેવાતા વિદ્યાર્થી આલમ માં રોષ ભભૂકી ઉઠ્યો છે. કારણ કે એક મહિલા પ્રાધ્યાપક સાથે અશોભનીય ઘટના બનવા છતાં સત્તાધીશો દ્વારા તોફાની તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તસદી શુદ્ધા લીધી નથી.
વિજિલન્સની કામગીરી પર ફરી વખત સવાલો ઉઠયા
મહિલા અધ્યાપિકાની છેડતી કરનારામાં વિદ્યાર્થીઓના જૂથમાં બે તો કેમ્પસ બહારના જ હતા.જે બે યુવાનો કેમ્પસમાં બેરોકટોક આવ્યા ક્યાંથી અને ક્લાસમાં લેક્ચર લેવા બેસી ગયાની વહેતી થયેલી ચર્ચામાં જો સાચુ તથ્ય હોય તો વિજિલન્સ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તે સાબિત થાય છે.
વિદ્યાર્થીઓના માતા-પિતાને બોલાવીને આ કરતુતોની જાણ કરાશે
આ ઘટના બાદ અમને જેના પર શંકા છે તેવા 14 વિદ્યાર્થીઓના આઈકાર્ડની ફોટોકોપી મેળવી છે.આ વિદ્યાર્થીઓના માતા પિતાને બોલાવીને તેમના કરતૂતોની જાણ કરવામાં આવશે.મહિલા અધ્યાપક સાથે જે પ્રકારની હરકત કરવામાં આવી છે તે સાંખી લેવાય તેવી નથી.ભવિષ્યમાં પણ જો આવી ઘટના બની તો વિદ્યાર્થીઓની હકાલપટ્ટી કરવાની કાર્યવાહી પણ અમે કરીશું.આ ઘટનામાં એવુ પણ જાણવા મળ્યુ છે કે અન્ય યુનિટના વિદ્યાર્થીઓ અહીંયા લેક્ચર એટેન્ડ કરી રહ્યા હતા.કેટલાકના એડમિશન પાદરા કોલેજમાં છે.હવેથી કોઈ પણ વિદ્યાર્થી બીજા યુનિટ પર લેક્ચર એટેન્ડ નહીં કરી શકે.આ માટેની નોટિસ પણ બહાર પાડવામાં આવશે.
-પ્રો.જયંત કુમાર,ફેકલ્ટી ઈન્ચાર્જ ડીન
યુનિ.નું વિજિલન્સ તંત્ર આઈકાર્ડ તપાસતુ જ નથી
યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની શુરક્ષા માટે વિજિલન્સ ની રચના કરવામાં આવી છે.પરંતુ આ વિજિલન્સ શોભાના ગાઠિયા સમાન સાબિત થઈ રહી છે.સત્તાધીશો એ વિજિલન્સ પાછળ ખર્ચેલા લાખો રૂપિયા માથે પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.સમગ્ર મામલે વિજિલન્સ ટીમ ઊંઘતી ઝડપાઈ છે.ગંભીર ઘટના બન્યા બાદ પણ વિદ્યાર્થીઓના આઈ કાર્ડ ચકાસવામાં નથી આવી રહ્યા.જો વિજિલન્સ હવે ઘોર નિંદ્રામાંથી નહીં જાગે તો આવનાર સમય માં ચાલી રહેલી પરીક્ષા ઓ અટકાવી દેવામાં આવશે અને યુનિવર્સિટી માં કાયદો વ્યવસ્થા જાળવવા ની જવાબદારી વિદ્યાર્થીઓ પોતે પોતાના હાથમાં લઈ લેશે. – હર્ષિલ રબારી,વિદ્યાર્થી નેતા