સુરત (Surat) : ડિંડોલીમાં દિવાળી (Diwali) પહેલા યુપીએસસીની (UPSC) તૈયારી કરી રહેલી કિશોરીને સંબંધ રાખવા દબાણ કરી જો સંબંધ (Relation) નહી રાખે તો એસિડ એટેકની (Acid Attack) ધમકી (Threaten) આપવામાં આવી હતી. ડિંડોલી પોલીસે (Surat Police) આ અંગે ગુનો નોંધી ગઈકાલે મુખ્ય આરોપીની ધરપકડ (Arrest) કરી હતી. ડિંડોલી વિસ્તારમાં ગત 23 ઓક્ટોબરે ક્લાસીસમાંથી ઘરે આવી રહેલી કિશોરીને સઇદ ચુહા તથા ધમુ ખલસે નામના આરોપીઓએ રસ્તામાં રોકી હતી. અને સઇદ ચુહા સાથે રિલેશન રાખવા દબાણ કરાયું હતું. રિલેશન નહીં રાખે તો તેજાબ ફેંકવાની ધમકી આપી હતી.
- યુપીએસસીની તૈયારી કરતી કિશોરીને સંબંધ રાખવા દબાણ કરી એસિડ ફેંકવાની ધમકી આપનાર ચુહા ઝડપાયો
આ અંગે કિશોરીએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તેમની ટીમે ગત 2 નવેમ્બરે આરોપી ધર્મેશ ઉર્ફે ધમુ સજ્જન વામન ખલસેની ધરપકડ કરી હતી. અને તેની વિરૂધ્ધ પાસા અટકાયતી હેઠળની કાર્યવાહી કરી હતી. બીજો આરોપી સઇદ ચુહા નાસતો ફરતો હતો. દરમિયાન મુખ્ય અને રીઢા આરોપી સહીદ ઉર્ફે ચુહા ઉર્ફે આસીફ નઝીરખાન કાદરખાન પઠાણ (ઉ.વ.26, રહે. ઘર નં. 550, બાખડ મહોલ્લો ખ્વાજાનગર, માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ, સલાબતપુરા) ને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પકડાયેલા રીઢા આરોપી સામે કાપોદ્રામાં 1, વરાછામાં 3, ખટોદરામાં 2, અઠવાલાઇન્સમાં 3, સલાબતપુરામાં 5, મહિધરપુરામાં 1 અને ઉમરા પોલીસ સ્ટેશનમાં એક મળીને 16 થી વધારે ગુના નોંધાયા હતાં.
સચિનમાં પ્રેમમાં પાગલ યુવકે કટર વડે યુવતીનું જાહેરમાં ગળું કાપી નાંખ્યું
સુરતઃ શહેરના સચિન વિસ્તારમાં ગ્રીષ્મા જેવી ઘટના બનતા રહી ગઈ હતી. યુવતીના પ્રેમમાં પાગલ બનેલા યુવકને યુવતીના પરિવારે લગ્ન માટે ઇનકાર કરતા યુવતીને પાછળથી આવીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી જીવલેણ ઇજા કરી નાસી ગયો હતો. સચિન પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરીથી ગ્રીષ્મા જેવો કાંડ બનતા રહી ગયો હતો. શહેરમાં આગની જેમ આ ઘટના લોકોના મોઢા સુધી પહોંચી ગઇ હતી. આ તમામમાં શહેર પોલીસ દોડતી થઇ ગઇ હતી.
સચિન ખાતે સુડા સેક્ટર-3માં સાંઈનાથ સોસાયટીમાં રહેતી 22 વર્ષીય કિંજલબેન વસાવા (નામ બદલ્યું છે) મુળ ઉમરપાડાની રહેવાસી છે. તે સચિનમાં જશોદા કેટબળીયા, રૂથના કેટબળીયા અને મીનલ વસાવા, સુમિત વસાવા સાથે ભાડે રહે છે. યુવતી સચિન એપ્રેલ પાર્કમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. કિંજલ સાથે આ કંપનીમાં વર્ષ 2019માં રામસિંગ ગુલાબસિંહ પાડવી (રહે., બોરદાગામ નીશાળ ફળિયું, નિઝર, તાપી) પણ નોકરી કરતો હતો. ત્યારે કિંજલ અને રામસિંગ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. આ મિત્રતા ધીરે ધીરે પ્રેમસંબંધમાં બદલાઈ હતી.
રામસિંગ યુવતીના પરિવારને મળીને લગ્ન કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે, યુવતીના પરિવારે તેનો સ્વભાવ અને વર્તન પસંદ નહીં પડતા લગ્ન માટે ઇન્કાર કર્યો હતો. જેના કારણે આરોપી રામસિંગ કિંજલને પરેશાન કરવા લાગ્યો હતો. રામસિગંથી કંટાળી કિંજલે નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. અને આરોપીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. જોકે 6 મહિના પહેલા કિંજલે પરત નોકરી પર આવવાનું શરૂ કર્યું હતું. ત્યારે અઠવાડિયા પહેલા એટીએમ બહાર રામસિંગ અને કિંજલ વચ્ચે ઝઘડો થયો હતો.
બહેનપણીની હાજરીમાં જ કટર ફેરવીને યુવતીની હત્યાનો પ્રયાસ કર્યો
ગઈકાલે સવારે કિંજલ તેની બે બહેનપણીઓ સાથે કંપની ઉપર જવા નીકળી હતી. ત્યારે સચિન એપ્રેલ પાર્કના મેઈન ગેટ સામે રામસિંગે પાછળથી આવીને કિંજલને પતરા જેવા તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઘા મારી નાસી ગયો હતો. કિંજલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસને ઘટનાની જાણ થતા કિંજલનું નિવેદન લઈ રામસિંગની સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.