કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડકપ 2022માં જ્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલ, નેમારની ટીમ બ્રાઝિલ અને હેરી કેનની ટીમ ઇંગ્લેન્ડ જ્યારે ટાઇટલની રેસમાંથી આઉટ થઇ ગઇ હતી ત્યારે અંતિમ ચારમાં આર્જેન્ટીના, ક્રોએશિયા અને ફ્રાન્સ સાથે જ ચોથુ નામ લોકોનું ધ્યાન વધુ આકર્ષિત કરી ગયું હતું તે હતું, મોરોક્કોની ટીમનું નામ. મોરોક્કો આફ્રિકન દેશોની એવી પહેલી ટીમ બની હતી જેણે ફિફા વર્લ્ડકપની સેમીફાઇનલમાં એન્ટ્રી કરી હોય. ખાસ વાત તો એ હતી કે વિશ્વની 22મી ક્રમાંકિત મોરોક્કોની ટીમે પોર્ટુગલ જેવી ધરખમ ટીમને હરાવીને અંતિમ ચારમાં એન્ટ્રી કરી હતી. મોરોક્કોએ જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને હરાવ્યું ત્યારે અચરજ પામેલી દુનિયાએ ટીમના ખેલાડીઓની વાહવાહી કરી હતી, જો કે તેમણે રચેલા ઇતિહાસ પાછળ માત્ર ટીમના ખેલાડીઓની મહેનત કે લગનથી જ એ સંભવ નહોતું થયું પણ તેમની એ સફળતા પાછળ ટીમના કોચ વાલિદ રેગરાગુઇની ભૂમિકા પણ નકારી શકાતી નથી. વાલિદ રેગરાગુઇ પડદા પાછળનો એ હીરો છે જેણે મોરોક્કોની આ ઐતિહાસિક ગાથા લખી હતી.
વાલિદ રેગારગુઈને આ વર્ષે ઓગસ્ટમાં મોરોક્કોના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વિશ્વ ફૂટબોલમાં મોરોક્કોની સ્થિતિ ક્યારેય એ સ્તર પર રહી નહોતી કે જે કોઈ કલ્પના કરી શકે કે તેઓ ફિફા વર્લ્ડકપ જેવી મોટી ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચી શકશે, પરંતુ ટીમે તમામ અવરોધો અને આગાહીઓને નકારી કાઢી અને જે કરવાનું હતું તે કરી બતાવ્યું. ફૂટબોલના ઇતિહાસમાં હંમેશા વખાણવામાં આવશે. મોરોક્કન ટીમના કોચ બન્યા પછીથી વાલિદ રેગરાગુઈની સામે ઘણા મોટા પડકારો હતા. મોરોક્કોના ઘણા ટોચના ખેલાડીઓ વિદેશી લીગમાં રમે છે. જોકે ભૂતકાળમાં સોફિયાને બૌફલ, રોમેન સાસ, અશરફ હકીમી અને યાસીન બોનો જેવા ખેલાડીઓએ તેમની રાષ્ટ્રીય ટીમ માટે ઘણી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો પરંતુ તેમનું પ્રદર્શન અપેક્ષાઓ મુજબનું નહોતું, પરંતુ કોચ વાલિદ રેગરાગુઈએ આ તમામ ખેલાડીઓને એક કરીને એક એવી ટીમ બનાવી હતી કે જેને પોર્ટુગલ જેવી પ્રચંડ ટીમ પણ તેમને પછાડી શકી નહોતી.
કોણ છે મોરોક્કન કોચ વાલિદ રેગરાગુઇ
વાલિદ રેગરાગુઇનો જન્મ 23 સપ્ટેમ્બર 1975ના રોજ ફ્રાંસમાં થયો હતો પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે મોરોક્કો માટે ફૂટબોલ રમ્યો છે. મોરોક્કો માટે તેની ઇન્ટરનેશનલ કેરિયર 2001 થી 2009 સુધી ચાલી હતી. આ ઉપરાંત, તે ઘણી ક્લબો માટે પ્રોફેશનલ ફૂટબોલ પણ રમી ચૂક્યો છે, પરંતુ તેને સૌથી વધુ ખ્યાતિ ફક્ત ફિફા વર્લ્ડકપ 2022 માં મળી જ્યારે ટીમ તેની કોચિંગ હેઠળ સેમિફાઇનલમાં પહોંચી હતી.
ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કો સેમીફાઇનલ સુધી અજેય રહ્યું હતું
ફિફા વર્લ્ડકપ 2022માં મોરોક્કન ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતુ. મોરોક્કોની ટીમે આ ટૂર્નામેન્ટમાં કુલ 6 મેચ રમી છે, જેમાં તેણે ચારમાં જીત અને એક મેચ ડ્રો કરી હતી, જ્યારે સેમીફાઇનલમાં તેઓ ફ્રાન્સ સામે હાર્યા હતા. ફિફા વર્લ્ડકપની સેમીફાઇનલ સુધીની પોતાની સફર દરમિયાન તેણે બેલ્જિયમ, સ્પેન અને પોર્ટુગલ જેવી ટીમોને હરાવી હતી. આવી સ્થિતિમાં જો સેમીફાઈનલમાં મોરોક્કોની ટીમ ફ્રાન્સને હરાવીને પછી ફાઇનલ જીતીને જો ફીફાનો ખિતાબ જીતી હોત તો તેને વિશ્વ ફૂટબોલમાં એક નવા યુગની શરૂઆત માનવામાં આવી હોત. આફ્રિકન દેશોમાં મોરોક્કો પહેલા 1990માં કેમરૂન, 2020માં સેનેગલ અને 2010માં ઘાનાની ટીમ ફીફા વર્લ્ડકપના ક્વાર્ટરમાં પહોંચી હતી, પણ તેનાથી આગળ તેઓ વધી શક્યા નહોતા.