Dakshin Gujarat

વાપી રેલવે ઓવરબ્રિજ વાહનો માટે બંધ, દમણ જતી બસ માટે નવી વ્યવસ્થા કરવામાં આવી

વાપી : વાપીનો (Vapi) રેલવે ઓવરબ્રિજ વાહનો (Vehicle) માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાતા ૨૫ વર્ષ પછી જૂનો રેલવે ફાટકને ખોલવામાં આવ્યો હતો. જ્યારે રેલવે ઓવરબ્રિજ નહીં હતો ત્યારે જૂના ફાટકથી જ વાપીના પૂર્વ તેમજ પશ્ચિમમાં રેલવે ટ્રેક પાસેથી વાહનો પસાર થતાં હતા. પહેલા દિવસે જૂના રેલવે ફાટક પાસે ટ્રેનની (Train) વધુ પડતી વ્યસ્તતાને લઈને લોકોએ ફાટક પાસેથી પસાર થવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે અંડરપાસ તેમજ રેલવેના જૂના ગરનાળાથી પણ લોકોએ બંને તરફ આવવા-જવામાં ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો.

વાપી રેલવે ઓવરબ્રિજને તોડવાનું કામ હજી એક-બે દિવસ સ્થિતિનો તાગ કાઢ્યા બાદ માર્ગ અને મકાન વિભાગ તરફથી શરૂ કરવામાં આવશે. જોકે રેલવે ઓવરબ્રિજ બંધ કરાતા કોપરલી ચાર રસ્તા પરનો ટ્રાફિક આજે સૂમસામ લાગતો હતો. ભારે વાહનો માટે દમણ જવા માટે હવે બલીઠા તેમજ મોહનગામ ફાટકથી જ વ્યવસ્થા હોવાથી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ખાસ કરીને કાર માટે વાપીના અંડરપાસ તેમજ જૂના ફાટક પાસે વધુ મુશ્કેલી પડી ન હતી.

વાપી શહેરમાં જ્યારે રેલવે ઓવરબ્રિજ નવો બનવાનો હતો ત્યારે પણ બ્રિજ બલીઠામાં બને તેના માટે રજૂઆતો થઈ હતી. રેલવે ઓવરબ્રિજ બનવાથી વાપી ટાઉનનું બજાર જે દમણ તેમજ જીઆઈડીસીના લોકો માટે આશિર્વાદરૂપ હતું તેનો છેદ ઉડી ગયો હતો. હવે ફરી રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે વાપી માટે તે વધુ ઉપયોગી બને તે રીતનું આયોજન થવું જોઈએ. વાપી ટાઉન પોલીસ દ્વારા બંદોબસ્ત રાખવામાં આવતા ટ્રાફિકને યોગ્ય દિશામાં વાળીને વાહન ચાલકોને સારી મદદ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

વાપી ડેપોને નેશનલ હાઈવે પર ખસેડાયો
વાપી ડેપોને હાલમાં નેશનલ હાઈવે નં.૪૮ ઉપર વાપી કોર્ટની બાજુમાં સિફ્ટ કરવામાં આવ્યો છે. ગુરુવારે બધી બસ અહીંથી જ ઉપાડવામાં આવી હતી. મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે જ્યાં સુધી સર્વિસ રોડ ચાલુ રહેશે ત્યાં સુધી દમણ માટેની વાપીથી ઉપડતી બસ વાપીના ડેપો ઉપરથી જ જશે. ત્યારબાદ તેને પણ બલીઠા ખાતે નવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં ખસેડવામાં આવશે.

Most Popular

To Top