કોઇપણ શો તેના કથાતત્વ અને તેના સંઘર્ષ વડે જ ખાસ બને છે અત્યારે કથાતત્વનું જંગલ ઊગી ગયું છે એટલે દરેક ટી.વી. સિરીયલ અને વેબ સિરીઝવાળા વિશિષ્ટતાના દાવા કરે છે પણ દર વખતે વિશેષ પૂરવાર થતા નથી. આ ૨૩ તારીખથી ‘પિચર્સ’ ની બીજી સીઝન શરૂ થઇ રહી છે અને તે પણ સાત વર્ષના ગાળા બાદ સ્વાભાવિક રીતે જ તેમાં અમુક પાત્ર ઉમેરાયા છે અને અમુક બાદ પણ થયા છે. વાર્તાતત્વમાં પણ નવું ઉમેરાયું છે. પ્રથમ સીઝનમાં દોસ્તો અને તેઓની કમાણી માટેની જદ્દોજહદમાંથી સંઘર્ષ ઊભો થતો હતો. યુવાન હોય ત્યારે પોતાની ક્ષમતાનો ય પૂરતો ખ્યાલ ન હોય એટલે અખતરાઓ કરી જુએ.
કમાણી માટે જોખમો પણ લે અને તેમાં ઊંધા માથે પછડાઇ પણ ખરા. શરૂઆતના વર્ષોની સફળતા – નિષ્ફળતામાં અખતરા, સંઘર્ષ કરવાની તાકાત, પછડાટમાંથી ઊભા થવાની શકિત, સંજોગો અને નસીબનો મોટો ફાળો હોય છે.ઝીફાઇવ પર રજૂ થનારી ‘પિચર્સ’ની બીજી સીઝનમાં નવીન કસ્તુરિયા, અભય મહાજન, સિધ્ધી ડોગરા, સિકંદર ખેર, આશિષ વિદ્યાર્થી, રોજીની ચક્રવર્તી વગેરે છે. નવીન કસ્તુરિયા આ બીજી સીઝન મળવાથી બહુ ખુશ છે. ‘સુલેમાની કીડા’ ફિલ્મથી જાણીતો થયેલો નવીને શરૂઆત તો દિગ્દર્શકના આસિસ્ટન્ટ તરીકે કરેલી તે વખતે તેનો ઇરાદો સિનેમા માધ્યમને સમજવાનો હતો. ‘લવ સેકસ અૌર ધોખા’ અને ‘શાંઘાઇ’માં તે દિબાંકર બેનરજીનો સહાયક હતો. પછી તેણે એકતા કપૂરની ‘બોઝ: ડેડ ઓર લાઇવ’માં તેમજ ‘વાહ જિંદગી’માં મહત્વની ભૂમિકા ભજવી.
નાઇજરીયામાં જન્મેલો નવીન એક જ વર્ષનો હતો ત્યારે ભારત આવી દિલ્હીમાં સંયુકત કુટુંબમાં રહેવા માંડેલો. દિલ્હીમાં જ એંન્જિનીયર થયો પણ એ દરમ્યાન સ્કૂલ અને કોલેજમાં સ્કીટ અને નાટકોનું દિગ્દર્શન કરતો. એન્જિનિયર થયા પછી તે અભિનય વિશે વધુ ગંભીર બન્યો અને ‘ખેલ ખેલ મેં’ નાટક લખ્યું અને દિગ્દર્શિત પણ કર્યું અને તેના ટિકીટ શો કર્યા. મુંબઇ આવ્યા પછી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં કેટલીક જાહેરાતોમાં મોડલીંગ પણ કર્યું. ૨૦૧૧ માં અમિત માસુરકરે ‘સુલેમાની કીડા’ માં ભૂમિકા આપી પછી ‘લવશુદા’, ‘હોપ ઔર હમ’, ‘ટર્ટલ’, ‘સોને ભી દો યારો’ અને ‘વાહ જિંદગી’ ફિલ્મો મળી અને સાથે જ વેબસિરીઝનું કામ શરૂ થયું ‘પિચર્સ’ એની બીજી જ વેબસિરીઝ હતી પણ તેની બીજી સીઝન વચ્ચે કુલ ૧૬ જેટલી વેબસિરીઝ કરી ચુકયો છે. તેમાં ‘એસ્પિરન્ટ્સ’, ‘કોટા ફેકટ્રી’ – સીઝન બે, ‘બ્રેથ: ઇન ટુ ધ શેડો’ ૨ અગત્યની છે. તેણે નવેક જેટલી શોર્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
‘પિચર્સ’ની બીજી સીઝનમાં ફરી જોડાતાં તે રોમાંચીત છે. બિશ્વપતિ સરકારે લખેલી અને અમિત ગાલાની દિગ્દર્શિત પહેલી સીઝનમાં તેણે જે પાત્ર ભજવેલું તે ખૂબ લોકપ્રિય બનેલું. આ બીજી સીઝન અરુલાભકુમાર, પ્રશાંતકુમાર, શુભમ શર્મા અને તલભા સિદ્દીકીએ લખી છે અને વૈભવબુંધુ, અરુણાભકુમારનાં દિગ્દર્શનમાં બની છે. અત્યારના સમયમાં નોકરીના જે પડકારો છે, સ્પર્ધા છે અને તેમાંથી મળતી ઉત્તેજના અને હતાશા આ સિરીઝમાં જોવા મળશે. નવીન કહે છે કે આજના યુવાનોના સંઘર્ષને અમે વાસ્તવિકતા સાથે દર્શાવ્યો છે એટલે ફરી પ્રેક્ષકો અમને સ્વીકારશે.