સુરત: તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર પછી એર એશિયા એરલાઈન્સ (Air Asia Airlines) 2019 -20 માં ટુ ટાયર સિટીમાં સર્વાધિક પેસેન્જર ગ્રોથ મેળવનાર સુરત (Surat) એરપોર્ટથી દિલ્હી, કોલકાતા, બેંગલુરુની ડેઇલી ફલાઇટ શરૂ કરવા આયોજન કરી રહી છે. એવિએશન ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ એરલાઈન્સએ માર્ચ 2023 થી સુરત એરપોર્ટથી ત્રણ મેટ્રો સિટીને જોડતી ફ્લાઈટ શરૂ કરવા એરપોર્ટ ઓથોરિટીનાં વેસ્ટર્ન રિજયનનો સંપર્ક કર્યો છે. શક્યતા એવી છે કે એરલાઈન્સ નવા વર્ષે ટીકીટ બુકિંગ શરૂ કરે એ પહેલા એર એશિયાની ટીમ ટૂંક સમયમાં સુરતનાં ટ્રાવેલર્સ, ટૂર ઓપરેટર્સ અને હીરા અને કાપડ સહિતના ઉદ્યોગ સંગઠનો સાથે બેઠક યોજી તેમના સૂચનો મેળવી શકે છે. જો માર્ચમાં એરલાઈન્સને પાર્કિંગ બેયસ મળશે તો નાઈટ પાર્કિંગની સુવિધા પણ સુરત એરપોર્ટ પર મેળવી શકે છે. તાતા ગ્રુપની એરલાઈન્સ એર ઇન્ડિયા એક્સપ્રેસ અત્યારે સુરતથી સપ્તાહમાં ત્રણ દિવસ સુરત એરપોર્ટની એકમાત્ર સફળ ઇન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહ-સુરતનું સંચાલન કરી રહી છે. એ સ્થિતિમાં એરલાઈન્સ ફુલફલેજ સ્ટાફ સાથે ઓપરેશન શરૂ કરે તો સુરત-દુબઈની નવી કનેક્ટિવિટી પણ મળી શકે છે.
જાહેરાત કર્યા પછી વિસ્તારા એર અને ગો-ફર્સ્ટ સુરત એરપોર્ટ પર અંકુશોને લીધે ફ્લાઈટ શરૂ ન કરી શકી
વિસ્તારા એર અને ગો-ફર્સ્ટ એરલાઈન્સ નવી ફ્લાઈટસની જાહેરાત કર્યા પછી પણ સુરત એરપોર્ટથી ઓપરેશન શરૂ કરી શકી નથી.એનું કારણ એવું આપવામાં આવે છે કે, સુરત એરપોર્ટ પર ચાલી રહેલા પેરેલલ ટેક્ષી ટ્રેક અને એપ્રનના કામોને લીધે એરલાઈન્સ અત્યારે રાહ જોવા માંગે છે. NOTAM નાં અંકુશો લાગતાં એક સમયે ડેઇલી સુરતથી રવાના થતી 26 ફ્લાઈટની સંખ્યા માત્ર 11 થઈ ગઈ છે. 25 ડિસેમ્બરથી કોલકાતાની એક ફ્લાઈટ બંધ થશે તો માત્ર 10 ફ્લાઈટ રહી જશે. અંકુશોને લીધે એરલાઈન્સ કંપનીઓએ 12 જેટલા નવા સ્લોટની મંજૂરી લીધા પછી ફ્લાઈટ શરૂ કરી નથી. કારણકે પાર્કિંગ બેયસની સુવિધા એરલાઈન્સને મળી રહી નથી. ગો-ફર્સ્ટ એરલાઈન્સ દ્વારા 5 રુટની મંજૂરી લીધા પછી કોઈ કારણોસર આ ફ્લાઈટ શરૂ કરી નથી. એવી જ રીતે વિસ્તારા એરલાઇન્સ પણ સુરતથી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કર્યા પછી એર ઓપરેશન શરૂ કરી શકી નથી.
જૂન 2018માં એર એશિયાની સુરત-બેંગલુરુ ફ્લાઈટનું બાળ મરણ થયું હતું
એર એશિયા જૂન 2018માં સુરત એરપોર્ટથી સુરત-બેંગલુરુની ફ્લાઈટ શરૂ કરી હતી. પણ કોઈ કારણોસર આ ફ્લાઈટનું બાળ મરણ થયું હતું. મોટા ઉપાડે જાહેરાત થયા પછી થોડોક સમય આ ફ્લાઈટ ચાલી બંધ થઈ ગઈ હતી. જો કે વિસ્તારા, એર ઈન્ડિયા અને એર એશિયા તાતા ગ્રુપની એરલાઈન્સ બની જતાં સુરતને વધુ કનેક્ટિવિટી મળી શકે છે. જો એરપોર્ટ ઓથોરિટી એરલાઈન્સને પૂરતો સહયોગ આપે તો સુરતીઓને ચોક્ક્સ લાભ થઇ શકે છે.