Dakshin Gujarat

પલસાણા હાઇવે ૫૨ ટ્રકમાં આગ, રસ્તો 1 કલાક બંધ

પલસાણાની મીંઢોળા ચોકી નજીક માખીંગા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ પરથી પ્લાસ્ટિકના દાણા ભરીને પસાર થઇ રહેલી એક ટ્રક હાઇવે પર પલટી ખાઇ જતાં તેમાં આગ લાગી હતી. જેને લઇ નવસારીથી અમદાવાદ તરફનો ટ્રાફિક જામ થઇ ગયો હતો અને એક કલાકથી વધુ સમય રોડ બંધ રહ્યો હતો. ડ્રાઇવર અને ક્લીનર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવથયો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર દમણથી પ્લાસ્ટિકના દાણા ભરી દિલ્હી જતી ટ્રક નં.(RJ 19 2231)નો ચાલક પલસાણા મીંઢોળા ચોકડી નજીકથી પસાર થતો હતો. ત્યારે નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ અચાનક ટ્રક પલટી ખાઇ જતાં શોર્ટસર્કિટના કારણે જોતજોતામાં આગ લાગી ગઇ હતી.

પલસાણા નજીક માખીંગા ગામની સીમમાં પોલીસ ચેકપોસ્ટની સામે નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થતી વખતે એક નાની ગાડીએ ઓવરટેક કરતાં અચાનક ટ્રકના ચાલકે બ્રેક મારતાં ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અને જોતજોતામાં ટ્રકમાં આગ લાગી ગઇ હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હોવાથી આગો વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ટ્રક સળગી ગઈ હતી અને પ્લાસ્ટિકના દાણા પણ સળગી ગયા હતા.

થોડા સમયમાં વાંજ હોજીવાલા અને બારડોલીથી ફાયર ફાઇટરે આવી આગને કાબૂમાં લીધી હતી. ટ્રક હાઇવે ઉપર સળગવાથી નવસારીથી અમદાવાદનો હાઇવે એક કલાકના સમય કરતાં પણ બંધ રહેવાથી વેસ્મા સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તેમજ સામેની તરફ પણ ટ્રાફિકજામ થતાં ચલથાણ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આગ લાગતા જ ડ્રાઇવર તેમજ ક્લીનર સદ્નસીબે બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.

Most Popular

To Top