Comments

નવી સરકાર શિક્ષણક્ષેત્રની જૂની જરૂરિયાતો પૂર્તિ કરે

ગુજરાતમાં નવી સરકારની રચના થઈ ચૂકી છે. ગુજરાતમાં છેલ્લી ચૂંટણીમાં શિક્ષણવ્યવસ્થા અને ગુણવત્તાનો મુદ્દો અગ્રેસર રહ્યો. દિલ્હી સરકારના શિક્ષણ મોડલની ચર્ચાની ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને 27 વર્ષની શાસનમાં રહેલી ભાજપ સરકારે પણ પોતાનો શિક્ષણવ્યવસ્થાના ગુણગાન ગાવા પડ્યા. એટલું જ નહીં. સ્માર્ટ સ્કુલ, સ્માર્ટવર્ગખંડ, વગેરે મોડેલ પ્રજા સમક્ષ રજૂ કરવા પડ્યા. હવે ચૂંટણી પતી ગઈ છે. સરકાર રચાઈ ગઈ છે. શ્રી ડિડોર સાહેબ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના મંત્રીશ્રી બન્યા છે. જ્યારે શ્રી ઋષિકેશ પટેલ ઉચ્ચ શિક્ષણ અને મેડીકલ શિક્ષણનું ખાતું સંભાળવાના છે.

આપણી આ નવી સરકાર અને નવા શિક્ષણમંત્રીશ્રીઓને એક જ વિનંતી છે કે હવે રાજકીય રીતે નહીં પણ સામાજિક નિસ્બતની રીતે, રાજ્યના મૂળભૂત વિકાસની જરૂરિયાતની રીતે શિક્ષણનો વિચાર કરજો. શિક્ષણક્ષેત્રના પ્રશ્નો ઉકેલજો! પ્રજાએ તમારામાં વિશ્વાસ મૂક્યો છે. ખાસ તો ગરીબ મધ્યમ વર્ગને જેમ રેશનમાં અનાજ, આરોગ્યમાં આયુષ્યમાન કાર્ડ જરૂરી છે તેમ સરકારી શાળા કોલેજો પણ જરૂરી છે. અનાજ, આરોગ્ય અને શિક્ષણ એ મૂળભૂત જરૂરિયાત છે.

શિક્ષણ ખાતાએ સૌ પ્રથમ અને અગ્રતા ક્રમે કરવા જેવા કામમાં પ્રાથમિક શાળાઓનું સમારકામ, પાયાની સુવિધાઓની પૂર્તિ, જરૂરી શિક્ષકોની ભરતીનું છે. સાહેબ, પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર, એલ.ઈ.ડી. ટી.વી. જેવાં આધુનિક ઉપકરણ પછી લાવશો તો ચાલશે. ગણિત, વિજ્ઞાન અને ભાષાના શિક્ષકો પ્રથમ જરૂરિયાત છે. સરકારશ્રીએ નિયમ કર્યો છે અને હમણાં જ હાઈકોર્ટ પણ તે બાબત નિર્દેશ આપ્યો છે કે ગુજરાતમાં કોઈ પણ બોર્ડના અભ્યાસક્રમની શાળા હોય. તેણે ગુજરાતી ફરજીયાત ભણાવવું પડશે. ટૂંકમાં ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવાનો છે. સરકાર સર્વ પ્રથમ ગુજરાતી શાળાઓમાં ગુજરાતી વિષયના શિક્ષકોની ભરતી કરે. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ભાષાના શિક્ષકની ભરતી કરે અને ખાનગી ઈંગ્લીશ મિડિયમ સ્કૂલો તથા સી.બી.એસ. સી. કોર્ષ ભણાવતી શાળામાં ગુજરાતી ભાષાના શિક્ષકની ભરતી ફરજીયાતપણે કરાવે!

સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકભરતી જેટલું જ જરૂરી છે. રજ્યમાં ચાલતી સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોમાં યોગ્યતાવાળા શિક્ષક અધ્યાપકની ભરતી થાય અને સૌથી અગત્યની બાબત કે તેમને ધારાધોરણ મુજબ પગાર અને રજાના લાભ મળે! રાજ્યમાં શિક્ષણની ગુણવત્તાને અસર કરનારો મોટો મુદ્દો આ જ છે. સેલ્ફ ફાયનાન્સ શાળા કોલેજોમાં મોટા ભાગની સંસ્થાઓ શિક્ષક અધ્યાપકને ખૂબ નીચા દરે વેતન ચૂકવે છે. વેતન અને સમયની રીતે શોષણ કરે છે. એટલે સારા, ગુણવત્તાવાળા યુવાનો હવે શિક્ષક અધ્યાપક બનવા જ માંગતા નથી.

હવે નવા સત્રથી આપણે નવી શિક્ષણનીતિ લાગુ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સરકારશ્રીનું સૌથી અગત્યનું કામ આ નવી શિક્ષણનીતિ અમલમાં લાવવાની જમીની જરૂરિયાત ઊભી કરવાનું છે. નિયમોમાં ફેરફાર કરવાના હોય તો તેનાં પરિપત્રો થઈ જવાં જોઈએ, વિષયો ભણવવાના હોય, રદ કરવાના હોય, નવા ઉમેરવાના હોય તો તે માટે જરૂરી ભૌતિક સુવિધા સર્જાય, સ્ટાફની ભરતી થાય તે જરૂરી છે. ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શાળા અને કોલેજોમાં બીજા શૈક્ષણિક સ્ટાફની જગ્યાઓ ખાલી છે. વહીવટીય કર્મચારીઓ વગર શિક્ષણ સંસ્થાઓનું ખરેખર સંચાલન કરવું અઘરું છે. જો નવી શિક્ષણનીતિનો અમલ કરવો હોય તો ખૂટતા વહીવટીય કર્મચારીઓ તમામ શાળા-કોલેજોમાં ભરતી કરવા. આ માટેની વહીવટીય પ્રક્રિયા અને મંજૂરી તાત્કાલિક આપવી જોઈએ.

ગયા વર્ષ ચૂંટણી સમયે જ અનેક શિક્ષક અધ્યાપક સંઘોની માંગણીઓ સરકારે સ્વીકારી છે. લોકશાહી શાસનમાં તે જરૂરી છે કે સરકાર તેને પ્રામાણિકપણે વળગી રહે! ખાસ તો કેટલાક વહીવટીય પ્રશ્નો અતાર્કિક પરિપત્રો દ્વારા ઊભા થયા છે. આ પ્રશ્નોનો ઉકેલ જરૂરી છે. જેમકે એક તરફ યુ.જી.સી. નો જ નિયમ છે કે કોલેજમાં પ્રિન્સિપાલ થનાર વ્યક્તિને કોલેજમાં અધ્યાપક તરીકે પંદર વર્ષનો અનુભવ જોઈએ. હવે કોલેજના અનુભવી અધ્યાપક બીજી કોલેજમાં પ્રિન્સિપાલ થાય તો શિક્ષણ વિભાગ પગાર બાંધણીમાં ‘‘સેવા જોડાણ’’કરતો નથી.

મતલબ આગળનાં પંદર વર્ષ પગાર બાંધણીમાં ધ્યાને લેવાતા નથી. માટે હવે કોઈ કોલેજમાં પ્રિન્સિપાલ થવા તૈયાર નથી. સરકાર વહેલી તકે આ કાનૂની ગુંચવાડો ઉકેલો અને શાળા કોલેજમાં આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરો. આપણી વ્યવસ્થાઓ કેન્દ્રિત હોય છે. શાળાના કેન્દ્રમાં પ્રિન્સિપાલ હોય. પ્રિન્સીપાલ વગરની શાળા કોલેજોમાં કોઈ જવાબદારી લેવા માંગતા નથી. જો આપણે ખરેખર નવી શિક્ષણનીતિનો નવા શૈક્ષણિક સત્રથી અમલ કરવા માંગએ છીએ તો આ ખોટ પૂરવી પડશે.

શિક્ષણ એ વ્યાપક શક્યતાઓનું ક્ષેત્ર છે. દુનિયાના દેશોમાં સરકાર શિક્ષણખાતા વહીવટ કરે છે પણ શિક્ષણના નિર્ણય તો શિક્ષણવિદો જ કરે છે. ભારતમાં વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સંખ્યાથી માંડીને શિક્ષક પસંદગી પ્રક્રિયાના નિયમ બધું જ અધિકારીશ્રીઓ નક્કી કરે છે. સરકાર ખરેખર શિક્ષણમાં કશુંક હકારાત્મક કરવા માંગે છે તો શિક્ષણના જાણકારોના મંતવ્ય લે અને અધિકારીઓને માત્ર વહીવટ કરવા કહે. નવી સરકાર પાસે આટલી આશા એટલા માટે રાખવામાં આવી છે કારણ કે ચૂંટણી સમયે ગુજરાતના શિક્ષણને ખૂબ ચર્ચવામાં આવ્યુ હતું.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top