Dakshin Gujarat

NRI પરિવારની દરિયાદિલી: બારડોલીમાં દીકરીના લગ્ન પૂર્વે 40 પરિવારોને આ રીતે રોશન કરી નાખ્યા…

બારડોલી: સુરત જિલ્લાના બારડોલી (Bardoli) તાલુકાના ધામડોદ લુંભા ગામે એક એન.આર.આઈ. પરિવારે (NRI Family) દીકરીનાં લગ્ન (Marrige) નિમિત્તે અનોખો સેવા યજ્ઞ કર્યો હતો. વીજ કનેક્શન (Power Connection) કપાઈ ગયા હોય એવા 40 જેટલા પરિવારના ઘરનું અંધારું દૂર કરી એનઆરઆઇ પરિવારે એક ઉજાશ પાથરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત ગામના જરૂરિયાતમંદ પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓનું દાન કરી એક પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કોરોનાકાળ બાદ આ વર્ષે મોટી સંખ્યામાં એન.આર.આઇ. બારડોલી પંથકમાં ઊતરી આવ્યા છે. એનઆરઆઇ આવતા જ વિસ્તારમાં દાનની સાથે સાથે સેવાકીય કાર્યો કરી વતનનું ઋણ અદા કરતા હોય છે. હાલ એન.આર.આઇ.

દાનની સાથે સાથે કર્યો અનોખો સેવાકીય યજ્ઞ
ઓની લગ્નની સિઝન ચાલી રહી છે. બારડોલી તાલુકાના ધામડોદ લુંભા ગામના વતની અને વર્ષોથી અમેરિકા ખાતે સ્થાયી થયેલા નરેશભાઈ કાંતિલાલ પટેલ અને તેમનો પરિવાર દીકરીનાં લગ્ન માટે માદરે વતન આવ્યા છે. છેલ્લાં 30 વર્ષથી આ નરેશભાઈ પટેલ વિદેશમાં સ્થાયી થયા છે.દીકરીનાં લગ્ન યાદગાર બની રહે એ માટે આ પટેલ પરિવારે એક અનોખો સેવાયજ્ઞ કરવાનો વિચાર કર્યો હતો. ગામના જરૂરિયાતમંદ લોકોને આવશ્યકચીજ વસ્તુઓનું વિતરણ ઉપરાંત આંખની તપાસ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રમજીવી પરિવારો માટે આંખ તપાસ શિબિર
આગામી 29મી ડિસેમ્બરના રોજ નરેશભાઇ દીકરીનાં લગ્નનું જયપુર ખાતે આયોજન પણ કરાયું છે. આ પટેલ પરિવારે દીકરીના કન્યાદાન પહેલા અનોખા સેવાકીય કાર્યનું આયોજન કરી સમગ્ર વિસ્તારમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્ન પૂર્વે સોમવારના રોજ રક્તદાન તેમજ મેડિકલ કેમ્પ સહિત સમગ્ર પરિવારને આજે ગામની પ્રાથમિક શાળા ખાતે હાજર રહીને પોતાના ગામના હળપતિ તેમજ ગરીબ પરિવારોને ચપ્પલ, ધાબળા, સાડી, કપડાં સહિત આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કર્યું હતું. તેમજ શ્રમજીવી પરિવારો માટે આંખ તપાસ શિબિર, આરોગ્ય ચકાસણી શિબિર તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

કનેક્શન કપાય જવાથી 40 જેટલા ઘરમાં અંધારપટ છવાઈ ગયો હતો
વીજબિલ ન ભરી શકવાને કારણે કનેક્શન કપાય જવાથી 40 જેટલા ઘરમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ અંધારપટ દૂર કરવા માટે NRI પરિવારે તમામ ખર્ચ ઉઠાવી વીજજોડાણ પુનઃ સ્થાપિત કરી 40 પરિવારના ઘરમાં ઉજાશ પાથરવાનું મહત્ત્વપૂર્ણ કામ કર્યું હતું. એટલું જ નહીં ભવિષ્યમાં આ ઘરોનું વીજ જોડાણ કપાય ન જાય એ માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું નરેશભાઇ પટેલે જણાવ્યું હતું.

ગામ સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બનશે : નરેશભાઇ પટેલ
નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારી દીકરીનો લગ્ન પ્રસંગ યાદગાર બની રહે એ માટે અમે આ સેવા યજ્ઞ કરવાનું વિચાર્યું. ગ્રામજનોના સહયોગથી તમામ આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા કુટુંબ, ફળિયું અને પછી ગામમાં સેવા કરી લોકોને સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. ગામ સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બનશે.

Most Popular

To Top