Charchapatra

સૂત્રો તૂટતાં જાય છે

મા બાપ છોકરાને ભણાવે, ગણાવે, પગભર કરે, પરણાવે અને પછી એ છોકરો બધી રીતે સેટ થયા પછી   એક દિવસ મા બાપને કહી દે કે હું હવે એક નવો ફ્લેટ લઉં છું અને અમે હવે  ફલેટમાં રહેવા જવાના છીએ  ત્યારે માત્ર પાંચ માણસના કુટુંબમાંથી દીકરો વહુ અને પૌત્ર જુદાં રહેવા ચાલ્યાં જાય  ત્યારે એકલાં રહી જતાં માતા પિતાની શી હાલત થતી હશે તેની વ્યથા આવા કમનસીબ મા બાપ જ વર્ણવી શકે ત્યારે સવાલ થાય કે આપણો સમાજ કઈ દિશામાં  જઇ રહ્યો છે?  ઉપર મુજબનો કિસ્સો હાલ મારી નજરમાં આવ્યો.

તેમાં દીકરા વહુ જુદાં રહેવા ચાલ્યાં ગયાં પછી બાપે પણ પોતાનું મોટું કહેવાય અને હવે એ મોટું પડતું મકાન, જેમાં તેમનો જન્મ થયો હતો, જે મકાનમાં જીવનના છ સાત દાયકા કિલ્લોલ કરતાં ઘરનાં સભ્યો સાથે વિતાવ્યા  હતા  તે મકાન વેચીને બીજે અનજાન જગ્યાએ નાનકડો  ફ્લેટ ખરીદી ત્યાં એકલાં રહેવા ચાલ્યાં ગયાં.  હવે સવાલ એ થાય છે કે સિનીયર સિટીઝનની વય ધરાવતા આવા વ્યક્તિની રાત્રે તબિયત બગડે કે અન્ય કોઇ પણ સમસ્યા થાય તો તેની સંભાળ રાખનાર કોણ? બાપ દીકરાના રહેઠાણ જુદાં હોય,  દીકરાને જાણ કરે તો પણ તે મા બાપની મદદે પહોંચે કયારે? ત્યારે થાય છે કે આપણાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ નાં સૂત્રો હવે તૂટતાં જાય છે એવું નથી લાગતું?   

સુરત     – વિજય તુઈવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભાજપને ફરી તક, ફરી નિર્ણાયક કામગીરીની આશા
ચૂંટણી પહેલાં ને ત્યાર બાદ ઘણી ઉત્તેજના સર્જી આખરે ચૂંટણીનું પરિણામ આવ્યું. ભાજપ ફરી સત્તા પર આવ્યું ગુજરાતમાં. આ દરમ્યાન ઘણા આક્ષેપો – પ્રતિ આક્ષેપો થયા ને વાણીવિલાસ પણ થયાં. પ્રજા પાસે મુખ્ય મુદ્દાઓ મોંઘવારી, પ્રાથમિક સુવિધા માટે પડતી તકલીફ તેમજ ભ્રષ્ટાચાર હતાં ને છે પણ ખરા. નિરીક્ષણ મુજબ આ મુદ્દાઓ પ્રજામાં ચર્ચાતાં જોવા મળ્યા.  લોકોમાં હવે જાગૃતિ આવી છે, જે પ્રશંસનીય છે અને એટલે જ આ પરિણામ ને પણ એ જ સૂચક ગણી શકાય. જાગૃતિનું ઉદાહરણ ગણી શકાય. જીતેલાં ઉમેદવાર કહો કે સરકારે પ્રજાનાં કામો પડતી મુશ્કેલી તેમજ સરકારી કચેરીમાં કે અન્ય સરકારી ખાતાઓમાં જે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે તેને દૂર કરવા જ પડશે.

ભ્રષ્ટ કર્મચારી કે અધિકારીઓ સામે કડક પગલાં લેવાનો સમય આવ્યો છે. રાજયની નગરપાલિકા કે મહાનગરપાલિકાઓમાં જેને શહેરનાં નાગરિકોનાં પ્રશ્નોનો અને મુશ્કેલી દૂર થાય એનો ત્વરિત નિકાલ આવે એ માટે સક્રિય રહેવું પડશે. શહેરના જે તે વિસ્તારમાં ર્કોપોરેટરો પણ શહેરનાં નાગરિકો નજીક જઇ, પ્રાથમિક સુવિધા માટે ગંભીર બની કાર્ય કરે એ જરૂરી છે. જે તે શહેરનાં રસ્તા, ડ્રેનેજ વિગેરે બાબતે સંતોષકારક કાર્ય થવું જરૂરી છે. પ્રજા અન્યાય તેમજ ભ્રષ્ટાચાર સામે એક થઇ અવાજ ઉઠાવે એ સમયની માગ છે.
સુરત     – પ્રદીપ ઉપાધ્યાય આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top