Comments

ફિજી – ચીન, અમેરિકા અને ભારત ત્રણેય માટે મહત્ત્વપૂર્ણ દેશ

ફિજીનાં લોકો ચૂંટણીનાં પરિણામોની રાહ જોઈ રહ્યાં છે, જેમાં વર્તમાન વડા પ્રધાન ફ્રેન્ક બૈનીમારમા ભૂતપૂર્વ નેતા સિટિવેની રાબુકા સામે ટક્કર આપી રહ્યા છે. એશિયા-પેસિફિક પ્રદેશમાં ચીન અને અમેરિકા વર્ચસ્વ વધારવા તૈયારી કરી રહ્યા છે ત્યારે આ ચૂંટણીનું મહત્ત્વ વધી ગયું છે. આ ટચૂકડા એશિયા-પેસિફિક ટાપુની ચૂંટણી પર ચીન, અમેરિકા અને ભારત નજીકથી નજર રાખી રહ્યા છે, કારણ કે પરિણામો ત્રણેય દેશો માટે લાંબા ગાળાની અસર કરી શકે છે. વર્ષોની રાજકીય ઉથલપાથલ બાદ આ ચૂંટણીઓ થોડી સ્થિરતા લાવે છે કે કેમ તે પણ જોવાનું રહે છે.

ફિજીનું રાજકારણ ઉથલપાથલથી ભરપૂર છે. વીસ વર્ષમાં અહીં ચાર બળવા થયા છે. ૧૯૮૭માં ફિજીએ તેના પહેલા બે બળવા જોયા. પ્રથમ ઘટના ૧૪ મેના રોજ બની જ્યારે લેફ્ટનન્ટ કર્નલ સિટિવેની રાબુકાએ લશ્કરી બળવો કર્યો અને વડા પ્રધાન ડૉ ટિમોસી બાવદ્રા અને તેમની ફિજી લેબર પાર્ટી અને નેશનલ ફેડરેશન પાર્ટીની ગઠબંધન સરકારને ઉથલાવી નાખી. માત્ર ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં રાબુકાએ વધુ એક બળવો કર્યો જેમાં તેણે ફિજીનું ૧૯૭૦નું બંધારણ રદ કર્યું અને ફિજીને પ્રજાસત્તાક જાહેર કર્યું. આમ તે હવે કોમનવેલ્થનો ભાગ રહ્યું નહીં. ૧૯૯૦માં, રાબુકાએ એક બંધારણ પણ રજૂ કર્યું જે સ્વદેશી ફિજિયનો માટે રાજકીય વર્ચસ્વની મંજૂરી આપે છે.

૧૯ મે ૨૦૦૦ના રોજ, જ્યોર્જ સ્પાઇટ દ્વારા નાગરિક બળવો કરવામાં આવ્યો હતો જેમાં મહેન્દ્ર ચૌધરીને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. છેલ્લો બળવો ફરી એક લશ્કરી બળવો હતો જેનું નેતૃત્વ ફિજીના લશ્કરી કમાન્ડર કોમોડોર ફ્રેન્ક બૈનીમારમાએ કર્યું હતું, જેમણે વડા પ્રધાન લેસેનિયા કરાસેની લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી દીધી અને દેશને લશ્કરી શાસન અને સરમુખત્યારશાહી હેઠળ મૂક્યો હતો. આખરે ૨૦૧૩માં ફિજીએ તેની રાજકીય પ્રણાલીને રદ કરી અને નવું બંધારણ અમલમાં આવ્યું. તે પછીની આ ત્રીજી લોકશાહી ચૂંટણી છે.

પેસિફિક ટાપુ ફિજી ચીન, અમેરિકા તેમજ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે. વાસ્તવમાં, આ ચૂંટણી પર ચીન બારીકાઈથી નજર રાખી રહ્યું છે. તાજેતરનાં વર્ષોમાં, ચીન આ ક્ષેત્રમાં વધુ ને વધુ નાણાં આપી રહ્યું છે, ખાસ કરીને લોનના સ્વરૂપમાં. તેણે ફિજીમાં મજબૂત પગપેસારો પણ કર્યો છે. હાલમાં અહીં લગભગ ૧૦ હજાર ચાઇનીઝ લોકો રહે છે. દક્ષિણ પેસિફિકની પ્રાદેશિક યુનિવર્સિટીમાં કન્ફ્યુશિયસ સેન્ટર સ્થપાયેલું છે તેમજ રાજધાનીમાં પણ ચાઇનીઝ સ્ટેટ મીડિયાની હાજરી છે. બૈનીમારમાના કારણે ચીન ફિજીની નજીક આવી ગયું છે. તેમણે ‘ઉત્તર તરફ જુઓ’ નીતિ રજૂ કરી જેના કારણે ફિજીમાં ચીનના પ્રવેશનો માર્ગ વધુ મોકળો થયો છે. જો રાબુકા સત્તામાં આવે તો ચીન સાવચેત રહેશે કારણ કે તેમણે કહ્યું છે કે ફિજી તેમના નેતૃત્વમાં બેઇજિંગથી દૂર રહેશે.

બીજી તરફ, અમેરિકા પણ ચીનનો સામનો કરવા માટે ફિજીમાં પોતાનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું છે. આ પેસિફિક ટાપુમાં તેની હાજરી વધારવાના પ્રયાસરૂપે, ફેબ્રુઆરીમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્થોની બ્લિંકનને ફિજીની મુલાકાત લીધી હતી અને વધુ રાજદ્વારી અને સુરક્ષા સંસાધનોની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ફિજી ભારત માટે પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે કારણ કે અહીંની ૩૮ ટકા વસતી ભારતીયોની છે. ફિજીમાં ભારતીયો ખૂબ મહત્ત્વ ધરાવે છે. હિન્દી એ દેશમાં બોલાતી ત્રણ સત્તાવાર ભાષાઓમાંની એક છે. અન્ય બે ભાષા ફિજીયન અને અંગ્રેજી છે. ૧૮૭૯માં બ્રિટિશરો દ્વારા શેરડીના વાવેતર માટે કરારબદ્ધ મજૂરોનું પરિવહન શરૂ થયું અને ફિજીમાં ભારતીયો વસવા લાગ્યાં. આજે ભારતીય-ફિજિયનો દેશના વ્યાપાર ક્ષેત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. ઘણા છૂટક અને ખાણી-પીણીના આઉટલેટ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. દેશમાં તેમની હાજરી એવી છે કે મે ૧૯૯૯માં મહેન્દ્ર ચૌધરી ફિજીના ભારતીય વંશના પ્રથમ વડા પ્રધાન બન્યા હતા. ભારત માટે ફિજીમાં રાબુકા જીતે તે અનુકૂળ રહેશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top