Gujarat

પ્રમુખસ્વામી જન્મશતાબ્દિ મહોત્સવમાં અનેક મહાનુભાવો ‘પરાભક્તિ’માં લીન થયા

અમદાવાદ: (Ahmedabad) આજે મહોત્સવના તૃતીય દિવસે, પ્રમુખસ્વામી મહારાજ (Pramukhswami Maharaj) નગરમાં સંધ્યા સભામાં (Evening meeting) વિશાળ ભક્તમેદનીથી છલકાતા નારાયણ સભાગૃહમાં (Narayana Hall) રાજકીય, સામાજિક અને ઓદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શનાર્થે પધાર્યા હતા. આજે સાંજની વિશેષ સભા ‘પરાભક્તિ’માં સૌ સમ્મિલિત થયા હતા. ક્ષણેક્ષણ પરમાત્મામય થઈને રહેતા પ્રમુખસ્વામી મહારાજ બેજોડ પરાભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ હતા.

વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું
પ્રમુખસ્વામી મહારાજની તમામ પ્રવૃત્તિ આધ્યાત્મિકની પર્યાય હતી. તદ્દન અનાસક્ત હોવા છતાં, પ્રેમભાવે લોકસેવાના સઘળાં કાર્યોનો શ્રેય ભગવાનને ચરણે ધરતા રહ્યા. ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ એ જ એમનું ઉર્જાકેન્દ્ર હતું. વિરાટ સેવાકાર્યો અને લોકકલ્યાણની ગંજાવર પ્રવૃત્તિઓમાં પ્રમુખસ્વામી મહારાજને પરમાત્માનું નિરંતર અનુસંધાન રહેતું. પારાયણ પૂજન વિધિ અને ભગવાનના નામ-સ્મરણ-ધૂન, કીર્તન સાથે કાર્યક્રમનો શુભારંભ સાંજે 5.00 વાગ્યે કરવામાં આવ્યો હતો. પ્રમુખસ્વામી મહારાજની નિરંતર ભગવાનમય સ્થિતિનું દર્શન બીએપીએસ સંસ્થાના સંત આદર્શજીવન સ્વામીએ કરાવ્યું હતું. ‘પરાભક્તિના વિરલ ધારક’ વિષય પર વિદ્વાન અને વાચસ્પતિ પૂ. પ્રભુચરણ સ્વામીએ પ્રવચન કર્યું હતુ.

આઈસીએઆઈના અગ્રણી દેબાશિષ મિત્રાએ પોતાના પ્રતિભાવ આપ્યો
સંધ્યા સભામાં ઉપસ્થિત મહાનુભાવોમાં આઈસીએઆઈના અગ્રણી દેબાશિષ મિત્રાએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે “જ્યારે મને પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માટે આમંત્રણ આપવામાં આવ્યું ત્યારે હું આ ઉત્સવથી પરિચિત નહોતો, પરંતુ ઉપ પ્રમુખ અનિકેત તલાટીએ મને આગ્રહપૂર્વક જણાવ્યું કે મારે આ સમારોહમાં ઉપસ્થિત રહેવું જોઈએ અને પ્રમુખસ્વામી માહરાજ વિષે જાણવું જોઈએ, કેવાં મૂલ્યોને એમણે પ્રતિષ્ઠિત કર્યાં અને કેવી રીતે લોકોના જીવનમાં તેમણે પરિવર્તન આણ્યું. જ્યારથી હું અહી આવ્યો ત્યારથી મને એવું લાગી રહ્યું છે કે જાણે હું ભગવાનના ધામમાં પહોંચી ગયો છું. પ્રમુખસ્વામી મહારાજના જીવનને હું આઈસીએઆઈના સિદ્ધાંતો સાથે સાંકળીને તેમાંથી પ્રેરણા મેળવી રહ્યો છું.”

પ્રમુખસ્વામી મહારાજ ભગવાન અને અન્યોને અર્થે જીવ્યા
આઈસીએઆઈના ચેરમેન અને ચાર્ટર એન્કાઉન્ટન બિશન શાહે કહ્યું હતુ કે “મને લાગ્યું કે પ્રમુખસ્વામી મહારાજ આપની સાથે છે. સર્જનાત્મકતા, લીડરશિપ અને સુખની પાછળ આધ્યાત્મિકતા છે. તે આધ્યાત્મિક શાણપણ જ છે જે મનુષ્યને ઉત્તમ બનાવે છે. હું પ્રમુખ સ્વામી મહારાજ,. મહંત સ્વામી મહારાજ, સંતો અને સર્વે સત્સંગીઓનો ઋણી છું.”આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ સભ્ય પુરુષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે “પ્રમુખસ્વામી મહારાજ ભગવાન અને અન્યોને અર્થે જીવ્યા. દર ૧૫ દિવસે એક સંસ્થાની ભેટ ધરી છે. આપણે પણ અન્યોને કાજે સમયનું દાન કરવું જોઈએ.”

80,000 સ્વયંસેવકોએ છ મહિનામાં આ વિશાળ નગર ઊભું કર્યું
આસીએઆઈના પૂર્વ પ્રમુખ સુનિલ તલાટીએ પોતાના અનુભવો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન બાદ તૃતીય દિવસે ICAI ને અહીં કોન્ફરન્સ યોજવાનો લાભ મળ્યો છે. જે રીતે ૬૦૦ એકર ભૂમિમાં સર્જન કરવામાં આવ્યું છે એ અદ્ભુત છે. 280 ખેડૂતોએ ભૂમિનું દાન કર્યું અને 80,000 સ્વયંસેવકોએ છ મહિનામાં આ વિશાળ નગર ઊભું કરી દીધું છે. પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ સંભવિત નથી. જો આપણે વધુ આશીર્વાદના અધિકારી થવું હોય તો આ સ્વયંસેવકોનું કાર્ય નિહાળવું પડશે.”

વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ ઉપરાંત આજના સંધ્યા સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોમાં શ્રી શ્રી શ્રી ત્રિદંડી ચિન્ના શ્રીમન્નારાયણ રામાનુજ જિયર સ્વામી, સંસ્થાપક: જિયર ઇન્ટેગ્રેટેડ વેદિક એકેડેમી ( JIRA)ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડીરેકટર અનંત ગોએન્કા, કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત લો સોસાયટી યુનિવર્સિટી પ્રમુખ, સુધીર નાણાવટી, રાજ્ય સરકારના પૂર્વ એડવોકેટ જનરલ, સુરેશ શેલત, મી હોમ ગ્રુપ (TV 9 )ના ફાઉન્ડર ચેરમેન ડૉ જે રામેશ્વર રાવ, એશિયન મીડિયા ગ્રુપ (ગરવી ગુજરાત)ના મેનેજિંગ એડિટર કલ્પેશ સોલંકી, સીએ અને ટેક્સ એક્સપર્ટ, શિક્ષણવિદ ડૉ ગિરીશ આહુજા હાજર રહ્યા હતા.

Most Popular

To Top