મહિલાઓની લાચાર, ગભરુ તરીકેની છબીથી તો આપણે વાકેફ છીએ જ પરંતુ હવે આપણે એ હકીકત પર પણ નજર નાખીએ તો યુનાઇટેડ નેશન્સ વિમન નામના સંગઠનનો ફ્લેગશિપ રિપોર્ટ ‘પ્રોગ્રેસ ઓફ ધ વર્લ્ડ વિમેન’ પ્રસિદ્ધ થયો. જેમાં વર્ષ 2019-20ના આંકડાઓના આધારે ‘ફેમિલીઝ ઈન અ ચેન્જિન્ગ વર્લ્ડ’ શીર્ષક ધરાવતા આ અહેવાલમાં ચોંકાવનારી વાત એ સામે આવે છે કે સામાજિક અને આર્થિક પરિવર્તનોને કારણે કેટલીય સ્ત્રીઓ લગ્ન મોડા કરે છે અથવા તો લગ્ન કરવાનું ટાળે છે. વર્ષ 1990માં મહિલાની લગ્ન કરવાની સરેરાશ ઉંમર 21.9 વર્ષ હતી જે 2010માં વધીને 23.3 વર્ષ થઇ. આજે જેમ જેમ શિક્ષણ આગળ વધી રહ્યું છે તેમ તેમ મહિલાઓ પગભર બની છે અને કોઈના પર બોજ બનીને ન રહેતા પોતાનું એક આગવું વ્યક્તિત્વ ઘડવા માટે સક્ષમ બની છે. આજની આધુનિક નારીઓ હવે પોતાના વિશે પણ વિચારતી થઈ છે અને જે ઘરમાંથી એકલી નીકળતા પણ ગભરતી હતી એ આજે એકલી રહીને, નોકરી કરીને સ્વમાનભેર જીવી રહી છે. જો કે એકલા રહેવું એ પણ એમના માટે અનેક પડકાર સમાન જ છે કારણ કે સમાજના જ લોકો તેમની તરફ આંગળી ચીંધતા અચકાતા નથી તો વળી બહારના લોકોની લોલુપ નજરો અને ગંદી નિયતનો પણ તેમણે સામનો કરવો જ પડે છે. આમ છતાં આજે કેટલીક હિંમતવાન મહિલાઓ કે યુવતીઓ ક્યાં તો કુંવારી, ક્યાં તો ડિવોર્સી, ક્યાં તો વિધવા અથવા તો કોઈ ને કોઈ કારણથી એકલી રહે છે, તો ચાલો આજે આપણે આવી જ કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરીને એમના અનુભવો જાણવાનો પ્રયાસ કરીએ કે એમણે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે? એમને સમાજ કઈ દૃષ્ટિએ જુએ છે?
મહિલાએ એકલા રહેવું એ સરળ નથી: અમિતા મહેતા
નવસારીમાં રહેતાં 44 વર્ષીય અમિતાબહેન મહેતા છેલ્લાં 8 વર્ષથી પોતાના પતિથી અલગ રહે છે. અમિતાબહેન કહે છે કે, ‘‘મારે પતિ સાથે ખટરાગ ઊભો થતાં મેં પતિનું ઘર છોડીને એકલાં રહેવાનું પસંદ કર્યું હતું અને હાલમાં હું એક નજીવા પગારની નોકરી કરીને ભાડાના ઘરમાં રહું છું. મહિલા એકલી પડે એટલે અનેક પુરુષોની નજર તેના પર મંડરાતી હોય છે, મારી સાથે પણ આવું જ થયું પણ મેં મન મક્કમ રાખ્યું અને કોઈના તાબે ન થતાં આર્થિક રીતે પગભર થવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. એકલી રહેતી થઈ ત્યારે શરૂઆતમાં તો કંઈ સમજ જ નહીં પડી કે કેવી રીતે બધું કરીશ, આ ઉપરાંત સમાજમાં પણ કેટલીક વાતોનો સામનો કરવો પડતો હતો પણ ધીરે ધીરે હું મારી રીતે જીવતા શીખી ગઈ. આજે પણ ક્યારેક કોઈ પ્રસંગે બધાના પરિવાર સાથે જાઉં છું ત્યારે એકલું તો લાગે જ છે પરંતુ પતિનો શારીરિક, માનસિક ત્રાસ સહન કર્યા બાદ ફરીથી સાથે રહેવાની ઈચ્છા નથી થતી. મારી પરિસ્થિતિ જોતાં અન્ય મહિલાઓને હું એ જ સલાહ આપું છું કે, લગ્ન પહેલાં પગભર બનો, જેથી કપરી પરિસ્થિતિમાં કામ આવે.’
લગ્નનો નિર્ણય સમજીવિચારીને લેવા માંગું છું: વર્ષા ચૌધરી
શહેરના આનંદ મહેલ વિસ્તારમાં રહેતા અને આર્કિટેક્ટ તરીકે જોબ કરતાં 38 વર્ષીય વર્ષા ચૌધરી જણાવે છે કે, ‘હું સુરત જિલ્લાના માંડવી તાલુકાની વતની છું પરંતુ જોબ માટે ત્યાં કોઈ સ્કોપ ન હોવાથી અભ્યાસ બાદ છેલ્લાં 13 વર્ષથી સુરતમાં જ એકલી ફ્લેટ ભાડાથી લઈને રહું છું. શરૂઆતમાં જ્યારે હું સુરતમાં જોબ માટે આવી ત્યારે હોસ્ટેલમાં રહેતી હતી પરંતુ ત્યાં વધુ સમય માટે રહી શકાય એમ ન હોવાથી મેં ભાડાની જગ્યા માટે ટ્રાય કરી પણ એકલી યુવતી હોવું એટલે જાણે કોઈ ગુનેગાર હોય એ રીતે ખાસ કરીને કોઈ રેન્ટ પર ફ્લેટ આપવા માટે તૈયાર થતું નહીં અને જે તૈયાર થાય એમની નિયત સારી ન હોય. શરૂઆતમાં ફ્લેટ શેરિંગ કરીને કામ ચલાવ્યું. બાદમાં મને સારી જગ્યાએ ફ્લેટ રેન્ટ પર મળી ગયો.’’ આગળ વર્ષા કહે છે કે, ‘‘હું મારા મમ્મીપપ્પાનું એકમાત્ર સંતાન છું અને પપ્પા પણ હવે રહ્યા નથી જેથી મમ્મી પણ ત્યાં એકલા જ રહે છે પણ મારાં મમ્મીને શહેરમાં રહેવું ફાવતું નથી એટલે હું વીકએન્ડમાં ત્યાં જતી રહું છું. ઘણી વાર મારે ગામ કોઈ કામ હોય તો એકલી જ અહીંથી દોડાદોડી કરવી પડે છે તેમજ અત્યાર સુધી લગ્ન ન કરવાને લઈને મને તો નહીં પણ બીજાને વધારે તકલીફ હોય એમ વારંવાર પરિચિતો પૂછતા રહે છે, ત્યારે એવું થાય કે કોઈ સાથે હોય તો સારું, પણ મારી આસપાસ મેં ઘણાં લગ્નોમાં ખટરાગ જોયા છે તેમ જ સામેવાળું પાત્ર જો યોગ્ય ન મળે તો જીવનભર પસ્તાવાનો વારો આવે છે જેથી લગ્નનો નિર્ણય ખૂબ સમજીવિચારીને જ લેવા માંગું છું, લગ્ન ભલે મોડેથી કરું પણ મને સમજી શકે એવી વ્યક્તિ મળશે ત્યારે જરૂર લગ્ન કરીશ.’’
મારી બહેનોનો પરિવાર એ જ મારો પરિવાર: બેલા ત્રિવેદી
શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં રહેતાં અને પ્રોફેસર તરીકે ફરજ બજાવતાં 57 વર્ષીય બેલાબહેન ત્રિવેદી જણાવે છે કે, ‘‘અમે 3 બહેનો છીએ જે પૈકી 2 બહેનોના લગ્ન થઈ ગયા હતા અને હું મમ્મીપપ્પા સાથે જ રહેતી હતી પણ સમયાંતરે પપ્પા અને મમ્મીનું અવસાન થતાં છેલ્લા 3 વર્ષથી હું એકલી રહું છું. મારી મોટી અને નાની બહેનોના લગ્ન બાદ મને પણ વારંવાર લોકો તરફથી લગ્ન અંગે પૂછવામાં આવતું હતું પરંતુ મારો સમય જોબ અને મમ્મીપપ્પા સાથે સારી રીતે પસાર થઈ રહ્યો હતો જેથી મને લગ્ન કરવાની ઈચ્છા જ નહીં થઈ. હમણાં જ્યારે એકદમ એકલી રહું છું ત્યારે પણ મારી બહેનોનો પરિવાર મને એકલતા સાલવા દેતો નથી. બહેનોના દીકરાદીકરી તો જાણે મારાં જ સંતાનો હોય એ રીતે જ એમનું વર્તન હોય છે. હવે તો જમાનો ડિજિટલ બન્યો છે એટલે બિલ ભરવાથી માંડીને ખરીદી પણ ઓનલાઈન કરી શકાય છે એટલે વાંધો નથી આવતો. આ સિવાય મારા મિત્રોના પરિવારજનો પણ મારા સ્વભાવથી પરિચિત હોવાથી બહાર ફરવા જવા માટે પણ મને સાથે જ લઈને જાય છે, જેમાં મને ક્યારેય કોઈ ખરાબ અનુભવ નથી થયો. હું તો એટલું જ કહું છું કે આપણે સાફ મન રાખીએ તો કોઈ આપણું કંઈ બગાડી નહીં શકે.’’
7-8 વર્ષથી અલગ રહું છું એટલે ટેવાઇ ગઈ છું: કલ્પના રાઠોડ
શહેરના મગદલ્લા વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય કલ્પનાબેન રાઠોડ સાથે વાત કરી ત્યારે તેમણે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, ‘‘પરિવારની આર્થિક નબળી પરિસ્થિતિને કારણે મેં જોબ કરવાનું સ્વીકારી લીધું હતું. મારું મૂળ વતન આમ તો નવસારી પાસે આવેલું છે પણ છેલ્લાં 7-8 વર્ષથી હું જોબના કારણે પરિવારથી અલગ સુરતમાં રહું છું. પહેલાં મારાં મમ્મીપપ્પા હતાં ત્યારે હું મારા ગામ જતી હતી પરંતુ બાદમાં બંનેની તબિયત બગડી અને સમયાંતરે તેઓનું અવસાન થયું. જો કે મારા ભાઈના લગ્ન પણ મેં જ કરાવી આપ્યા હતા અને એ એની લાઈફમાં સુખી છે એટલે હવે મારા માથે પરિવારની કોઈ જવાબદારી રહી નથી પરંતુ હવે ઘરમાં મમ્મી નથી એટલે ત્યાં વધારે એકલું લાગે છે તેથી કામ પર જ ધ્યાન આપીને ત્યાં જવાનું ટાળું છું. એકલા રહીએ એટલે લોકોની વિચિત્ર નજરનો સામનો તો કરવો જ પડે છે કારણ કે મારી ઘણી ફ્રેન્ડના લગ્ન થઈ ગયા છે જેથી હું દરેક વખતે હવે પહેલાની જેમ મળી નથી શક્તી એટ્લે મને પણ એવું થાય કે હવે લગ્ન કરી લેવા જોઈએ પણ હાલમાં હું મારા પગ પર ઊભી છું એટલે મને કોઈનો સહારો નથી જોઈતો પણ એવી વ્યક્તિની જરૂર છે જે મને એકલી હોવાનો અહેસાસ ન કરાવે, મને પૂરતું માન આપે. નહિતર આગળની જિંદગી પણ હું એકલી સ્વમાનભેર જીવી લેવા માટે તૈયાર છું.’
મને કોઈ પુરુષની જરૂર નથી લાગતી: ડો. રિદ્ધિ દેસાઈ
શહેરના હની પાર્ક વિસ્તારમાં રહેતાં 51 વર્ષિય ડો.રિદ્ધિ દેસાઈ ડિવોર્સી છે અને છેલ્લાં 15 વર્ષથી એકલાં રહે છે. રિદ્ધિબહેન કહે છે કે, ‘‘મારા પ્રથમ લગ્નજીવનનો અનુભવ સારો રહ્યો નહોતો એટલે મેં બીજા લગ્ન કરવાનું વિચાર્યું જ નહીં. હાલમાં હું મારું પંચ કર્મ સેન્ટર ચલાવું છું અને ફાઇનાન્શ્યલ રીતે સ્ટેબલ છું એટલે મને તો કોઈની જરૂર લાગતી નથી. અમુક કામો કરવા માટે પુરુષની જ જરૂર પડે એ માનસિકતા ત્યાગી દો. તમારું શરીર અને માઈન્ડ સેટ કરી દો તો તમે દરેક કાર્ય જાતે કરી શકો. મારી વાત કરું તો મારી મમ્મીનું ઘર નવસારીમાં છે તો મને કાર ડ્રાઈવ કરતા આવડે છે એટલે હું ગમે ત્યારે એમની પાસે કે મિત્રો પાસે પહોંચી જાઉં છું. બીમાર હો કે કોઈ મુશ્કેલી પડે તો 100 નંબર અને 108 સેવા હાજર જ છે એટલે હું તો મારી સિંગલ લાઈફથી ખુશ છું. એમાં મર્દાનગીની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે.’’
આજે મહિલાઓ પોતાના પગ પર ઊભી રહીને સ્વમાનભેર જીવી રહી છે એ ગર્વ લેવા જેવી વાત તો છે જ પણ સાથે જ આપણે થોડો વિચાર કરવાની જરૂર છે કારણ કે આપણા સમાજે પરણીને આવેલી સ્ત્રી પર અત્યાચાર કરવામાં ઓછપ રાખી નથી અને એટલે જ આજે યુવતીઓ પોતાની સ્વતંત્રતા ખોવા ઇચ્છતી નથી. આ બાબત ક્યાંક તો આપણી સમાજવ્યવસ્થા પરથી મહિલાઓનો ડગી ગયેલો વિશ્વાસ બતાવે છે. કેટલીક મહિલાઓ કેટલાંક કારણોસર એકલી રહે છે તો બિલકુલ લગ્ન ન કરનારી મહિલાઓની સંખ્યા પણ વિશ્વભરમાં વધી રહી છે કારણ કે તેઓ પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવા ઈચ્છે છે.