સુરતીઓનો ખાવા પ્રત્યેનો પ્રેમ તો જગજાહેર છે. સુરતી વાનગીઓનો સ્વાદ જ કંઈક અલગ હોય છે વળી તેમાં ઠંડીની મોસમ આવતા જ સુરતીઓને તરેહ-તરેહના વસાણા, કચરિયું, તાજો લીલો પોંક, પોંક વડા, ઉધિયું અને ઉબાડિયાની યાદ આવી જાય છે અને તે સાથે જ મોંમાં પાણી આવી જાય છે. હવે તો સુરત અવનવી વાનગીઓના વિવિધ કોમ્બિનેશન માટે પ્રખ્યાત થઈ ગયું છે. યુવા વર્ગ તો હવે જંક ફૂડ માટે ઘેલું બન્યું છે પણ જેવી ઉબાડિયાની મોસમ આવે છે લોકોનું આ પ્રિય ફૂડ બની જાય છે. ઉબાડિયાની વાત આવે ત્યારે એનાં પ્રેમીઓ પોતાને એ ખાવાથી ભાગ્યે જ રોકી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉબાડિયુ ખાવાનું પ્રચલન વધ્યું છે.
લોકો સુરત થી લઈ નવસારી, વલસાડ, ધરમપુર જતા રોડના કિનારે ઉબાડિયાના સ્ટોલ લાગેલાં દેખાયા છે ત્યાં નાની ટપરીઓ પર આ અનોખી પરંપરાગત વાનગીનો સ્વાદ લેતાં શિયાળામાં દેખાય છે પણ હવે તો ખેતરમાં જ અને ફાર્મ હાઉસમાં જ ઉબાડિયું પાર્ટી યોજવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે લોકો હવે ડાયરેકટ ખેતરમાં જ કેમ ઉબાડિયું ખાવા જવા લાગ્યાં છે વળી ફાર્મ હાઉસમાં ઉબાડિયું પાર્ટીનો શું નવો ટ્રેન્ડ છે? તે જંક ફૂડ ખાતા લોકોનું પણ પ્રિય ફૂડ કેમ બન્યું છે ? તે આપણે જાણીએ….
સુરણ, રતાળુ ચીખલીથી મંગાવી ફાર્મ હાઉસમાં જ બનાવડાવીએ છીએ: ટર્મીશ કણીયા
એડવોકેટ ટર્મીશભાઈ કણીયાએ જણાવ્યું કે મારું ફાર્મ હાઉસ ડુમસમાં એરપોર્ટ પાસે આવેલું છે હું છેલ્લાં કેટલાંક વર્ષોથી ફાર્મ હાઉસમાં જ ઉબાડિયા બનાવી તેની મજા ફ્રેન્ડ અને ફેમિલી સાથે લઉં છું. પહેલાં હું વલસાડથી ઉબાડિયા બનાવનારને બોલાવી ઉબાડિયા બનાવડાવતા. પણ હવે સુરતના જ ઉંબાડિયુ બનાવનારને બોલાવીએ છીએ. ઉબાડિયા બનાવવા સુરતની પાપડી લઈએ છીએ જ્યારે શક્કરિયા અને સુરણ ચીખલીથી મંગાવું છું. ફાર્મ હાઉસમાં જ એટલા માટે બનાવડાવું છું કે આ એક દેશી વાનગી છે તેને ગામડા જેવા વાતાવરણમાં ખાવાની મજા જ કઇંક ઓર હોય છે. હું ઉંબાડિયાની મોસમમાં આવી પાર્ટી ચાર-પાંચ વખત તો કરું જ છું.
હવે ખેતરમાં જ બેસીને ત્યાંજ બનતી આ વાનગીનો લેવા લાગ્યાં છે સ્વાદ
ઉંબડીયાની મોસમ આવતા જ લોકો ડુંગરી, ચીખલી, ગણદેવી તેને ખાવા જાય છે. હાઇવે કિનારે તેના સ્ટોલ લાગતાં જ લોકોને ઉંબાડીયા પ્રત્યેની ઘેલછા ત્યાં સુધી લઈ જાય છે. લોકો નવસારી, વલસાડ હાઇવે કિનારે તો ઉંબાડિયાની મજા લેતા જ હોય છે પણ હવે સુરતીઓમાં છેલ્લાં બે-ત્રણ વર્ષથી પાપડીના ખેતરમાં જ જઈને ખેતરમાં જ બનાવાતા ઉબાડિયા ખાવા મિત્રો, પરિવાર, સંબંધીઓ સાથે પહોચી જાય છે.પાલ, ભાઠા સાઈડના ગામોમાં તમે જાઓ તો ત્યાં ખેતરમાં જ ટેબલ અને ખુરશી લગાવેલી દેખાશે અહીં બેસીને જ લોકો ઉંબાડિયાનો સ્વાદ ચટણી, છાશ અને ભૂંગળા-બટેટા સાથે લે છે.
અમેરિકા અને દુબઈ પણ જાય છે ઉંબાડિયું
સુરતીઓ જયાં પણ પરદેશમાં જાય ત્યાં સુરતી સ્વાદ લઈ જતાં હોય છે. અમેરિકા અને દુબઈથી સુરત આવતા લોકો જ્યારે પાછા રિટર્ન થાય છે ત્યારે સાથે ઉબાડિયા પણ લઈ જાય છે. મેરેજ સિઝનમાં વિદેશોમાં સ્થાયી થયેલા સુરતીઓ તો સુરત આવતા પોતાના મિત્રો અને રિલેટિવ સાથે ખેતરમાં જઇ ત્યાંજ તાજી પાપડીના બનેલા ઉંબાડિયાનો સ્વાદ લે છે સાથે સાથે પોતાની સાથે તેને લઈ પણ જાય છે.
હવે તો ફાર્મ હાઉસમાં જ બનાવડાવે છે અને જ્યાફ્ત ઉડાવે છે
જેમની પાસે ફાર્મ હાઉસ છે તેવા સુરતીઓ ભીડમાં જઈને આ ડિશનો સ્વાદ લેવાને બદલે પોતાના ફાર્મ હાઉસમાં જ ઉબાડિયા બનાવનાર ને બોલાવી ફાર્મ હાઉસમાં જ ઉગાડેલી શાકભાજીનું ઉબાડિયા બનાવી મિત્રો, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ સાથે તેની મજા લે છે.
હવે જૈન ઉંબાડિયા સાથે 3 પ્રકારના ઉંબાડિયા બને છે
પહેલાં ઉબાડિયા પાપડી, શક્કરિયા, રતાળુ, સુરણ, બટાકા, લીલા લસણ, મરચા નાખીને બનાવાતું. કલ્હાર અને કમ્બોઈના પાન તો હોયજ પણ હવે લોકો તેમાં મગફળી, મકાઈના દાણા, કાચા કેળા, વટાણા નાખવાની પણ ડિમાન્ડ કરે છે અને લોકોની ડીમાંડ પ્રમાણે આ ડિશ બનાવાય છે. હવે તો જૈન લોકો ખાઈ શકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનતા લોકો ખાઈ શકે તેવુ પણ ઉંબાડિયુ બનાવાય છે. જૈન સમાજના ખાઈ શકે તેમાં લસણ, કંદમૂળ નથી નાખવામાં આવતું પણ કાચા કેળા, મક્કાઈ નાખવામાં આવે છે જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો ખાઈ શકે તે માટે લસણ નથી નાખવામાં આવતું પણ કંદમૂળ નાખવામાં આવે છે. જ્યારે રેગ્યુલર ઉંબાડિયામાં કંદમૂળ, લસણ હોય છે.
મારા ખેતરમાં મુંબઈ, અમદાવાદ, રાજકોટથી ઉબાડિયા ખાવા આવે છે: ઉષાબેન પટેલ
ભાઠા ગામના ઉષાબેન પટેલે જણાવ્યું કે મારા ખેતરમાં પાપડી વધારે થાય છે પહેલાં અમે ઉબાડિયા બનાવીને લોકોને વેચતા પણ હવે લોકોની ડીમાંડને કારણે ખેતરમાં જ બનાવી ખેતરમાં જ લોકોને આ ડિશ ખવડાવીએ છીએ. મારા ખેતરમાં અમદાવાદ, રાજકોટ, બરોડા, ભાવનગર અને મુંબઈથી પણ લોકો ઉબાડિયા ખાવા આવે છે. સુરતમાં સિટીલાઈટ,કતારગામ, વરાછા, અડાજણ વગેરે એરિયામાંથી આવે છે. લોકો ખેતરમાં આવતા જ તેમની સામે જ ખેતરમાંથી પાપડી ચૂંટી લઈ ખેતરમાં ખોદેલા ખાડામાં માટલું જેમાં તમામ શાક માટલામાં પથરાવેલા કલ્હારના પાન ઉપર મૂકી ફરી પાનથી માટલું ઢાંકી ખાડામાં ઊંધું માટલું મૂકી તેના પર લાકડાં અને પાન સળગાવવમાં આવે છે. લોકો હવે તો સાથે રોટલી કે પુરી લઈને આવે છે અને ખેતરમાં તેની સાથે ઉંબાડિયાની મજા લે છે.