દમણ: સંઘ પ્રદેશ દાનહ-દમણ-દીવ પોલીસ (Daman Police) વિભાગમાં કાર્યરત અને સસ્પેન્ડ (Suspend) ચાલી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર ને આખરે પ્રદેશના ડી.આઈ.જી.પી.એ બરતરફ કરવાનો એક ઓર્ડર કર્યો છે. બરતરફ કરાયેલા પી.આઈ. એ વર્ષ 2009માં પોર્ટુગલ (Portugal) નાગરિકતા નો બી.આઈ. કાર્ડ લઈ લીધા બાદ પણ ભારતમાં (India) રહીને સરકારી નોકરી નો (Government Job) લાભ ઉઠાવ્યો હોવાનું સામે આવતા તેમને બરતરફ કરાયા છે.
- પોર્ટુગલના નાગરિક હોવા છતાં પણ દમણમાં પીઆઇની ફરજ બજાવતા હતા
- સસ્પેન્ડેડ પીઆઇ પંકજ કલ્યાણ ટંડેલને તાત્કાલિક અસરથી બરતરફ કરાયાં
મળી રહેલી જાણકારી પ્રમાણે દાનહ-દમણ-દીવ પોલીસ વિભાગના ડી.આઈ.જી.પી. મિલિન્દ મહાદેવ દુમરે દ્વારા 14 ડિસેમ્બર-2022 ના રોજ એક ઓર્ડર જારી કર્યો હતો. જે મુજબ દાનહ-દમણ-દીવ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પંકજ કલ્યાણ ટંડેલ જે સસ્પેન્ડ ચાલી રહેલા હોય એમને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. કેમ કે, પંકજ ટંડેલે વર્ષ 2009 ની સાલમાં પોર્ટુગલ નાગરિકતા નો બી.આઈ. કાર્ડ મેળવી લીધો હોવા છતાં તેઓ ભારતમાં રહી સરકારી નોકરી નો લાભ ઉઠાવી રહ્યા હતા. આ મામલે અગાઉ મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે તેમના વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 420, 465, 468 અને 471 મુજબ ગુનો દાખલ કરી તપાસ કાર્ય ચાલી રહ્યું હતું.
આ મામલે દાનહ-દમણ-દીવ ગૃહ વિભાગ દ્વારા પણ 8 સપ્ટેમ્બર-22 ના રોજ મિનિસ્ટ્રી ઓફ એક્સર્ટનલ અફેર ને પણ આ બાબતે એક પત્ર પાઠવી પંકજ ટંડેલના નાગરિકતા અંગે વિગતો મંગાવી હતી. જે મામલે ગૃહ વિભાગે 9 ડિસેમ્બરનાં રોજ ઈ મેલ મારફતે પોલીસ વિભાગને વિગતો જણાવી હતી. જેમાં પંકજ ટંડેલ ભારતના નાગરિક ન હોવાનું સ્પષ્ટ પણે જણાવવામાં આવ્યું હતું. ત્યારે પી.આઈ. પંકજ ટંડેલ પોર્ટુગલના નાગરિક હોવાનું ફલિત થતાં દાનહ-દમણ-દીવના ડી.આઈ.જી.પી. એ તેમને 14 ડિસેમ્બર-2022 ના રોજ તાત્કાલિક અસરથી બરતરફ કરવાનો ઓર્ડર કર્યો છે. સાથે પી.એસ.આઈ. થી લઈ પી.આઈ. સુધી ના કાર્યકાળ દરમ્યાન સરકાર સાથે છેતરપીંડી કરી પોલીસની નોકરી કરવા બદલ તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી કરવાની કવાયત પણ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.