National

માફિયા ડોન મુખ્તાર અન્સારીને ગેંગસ્ટર એક્ટમાં 10 વર્ષની સજા, 5 લાખનો દંડ

ઉત્તરપ્રદેશ(Uttar Pradesh) : મઉ (Mau)ના પૂર્વ ધારાસભ્ય (EX MLA)અને માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari)ને ગુરુવારે કોર્ટે દસ વર્ષની સજા (Sentence) ફટકારી છે. ગાઝીપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે (MP MLA Court) પૂર્વ ધારાસભ્યને આ સજા સંભળાવી છે. મુખ્તાર અંસારી અને ભીમ સિંહને ગેંગસ્ટર એક્ટમાં દોષી ઠેરવ્યા બાદ કોર્ટે સજા સંભળાવી હતી. પૂર્વાંચલના માફિયા ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરુદ્ધ 1996માં દાખલ કરાયેલા ગેંગસ્ટર કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. ચુકાદા સમયે મુખ્તાર અંસારી કોર્ટમાં હાજર ન હતા. તેઓ EDની કસ્ટડીમાં હોવાને કારણે અને સુરક્ષાના કારણોસર ગાઝીપુર કોર્ટમાં મોકલવામાં આવ્યા ન હતા. તેથી પ્રયાગરાજમાં ED ઓફિસમાં વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ક્યારે નોંધાયો હતો કેસ
1996માં મુખ્તાર અંસારી વિરુદ્ધ ગેંગસ્ટરનો આ કેસ નોંધવામાં આવ્યો હતો. પાંચ કેસના આધારે મુખ્તાર સામે ગેંગસ્ટરની કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા અજય રાયના મોટા ભાઈ અવધેશ રાય હત્યા કેસ અને એડિશનલ એસપી પર ખૂની હુમલો પણ આ પાંચ કેસમાં સામેલ છે. આ કેસમાં કોર્ટે 26 વર્ષ બાદ સજા સંભળાવી છે. કોઈ પણ કેસમાં મુખ્તાર અંસારીને પહેલીવાર સજા થઈ છે. અવધેશ રાયની હત્યા, કોન્સ્ટેબલ રાજેન્દ્ર સિંહની હત્યા, કોન્સ્ટેબલ રઘુવંશ સિંહની હત્યા, એડિશનલ એસપી પર હુમલો અને ગાઝીપુરમાં પોલીસકર્મીઓ પર હુમલાના સંદર્ભમાં એક સાથે ગેંગસ્ટર એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. જ્યારે મુખ્તાર અંસારીએ ED અધિકારીઓને કેસનો નિર્ણય ન આવે ત્યાં સુધી પૂછપરછ ન કરવા વિનંતી કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ED અધિકારીઓએ મુખ્તારની આ અપીલ સ્વીકારી લીધી છે. જે બાદ ગુરુવારે તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી નથી. જોકે આ પહેલા બુધવારે મોડી રાત્રે તેની પૂછપરછ કરવામાં આવી હતી.

49 ગુનામાં આરોપી છે મુખ્તાર અન્સારી
મુખ્તાર અન્સારી જમીન પચાવી પાડવા, હત્યા અને ખંડણી સહિત ઓછામાં ઓછા 49 ગુનાહિત કેસોના સંબંધમાં EDનાં તપાસનાં ઘેરામાં છે. તે યુપીમાં હત્યાનો પ્રયાસ અને હત્યા સહિતના અનેક કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. 1996માં પહેલીવાર મુખ્તાર BSPની ટિકિટ પર મૌ વિધાનસભાથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. આ વિધાનસભા ક્ષેત્રમાં તેઓ સતત ત્રણ ચૂંટણી જીત્યા છે.

Most Popular

To Top