અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભા-2022ની ચૂંટણીમાં (Election) કોંગ્રેસની (Congress) કારમી હાર થઈ છે. હારને પગલે કોંગ્રેસના અનેક નેતાઓની માનસિક સ્થિતિ પણ જાણે કે બગડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અને અંદરોઅંદર દોષારોપણ કરી રહ્યા છે. કોંગ્રેસના હારેલા ઉમેદવાર અને સિનિયર આગેવાન રઘુ દેસાઈએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને પત્ર લખી કોંગ્રેસની હાર બદલ પ્રદેશના સિનિયર આગેવાનોને જવાબદાર ઠેરવી પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
રાધનપુરમાં કોંગ્રેસના હારેલા ઉમેદવાર રઘુ દેસાઈએ પોતાની હાર પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને જવાબદાર ઠેરવ્યા છે. તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી પગલાં ભરવા માંગ કરી છે. સાથે જ પત્રમાં તેમણે કોંગ્રેસના જ કેટલાક આગેવાનોના નામનો પણ ઉલ્લેખ કર્યો છે, કે જેઓએ પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી છે.
બીજી તરફ રઘુ દેસાઈના આ પત્ર અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સખત મહેનત અને પરિશ્રમ કર્યા પછી જ્યારે કોઈ ઉમેદવારની હાર થતી હોય છે, ત્યારે તેની માનસિક સ્થિતિ શું હોય છે, તેની કલ્પના હું કરી શકું છું. રઘુભાઈ હતાશા અને દુઃખી થઈને આ વાત કરી રહ્યા છે, તેમને આ વાત કરવાનો અધિકાર છે. કોઈપણ ઉમેદવારે હાર પચાવવી અઘરી હોય છે. મહેનત કર્યા પછી હાર થાય છે, ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. હાર્યા પછી આવી વાહિયાત વાતોનો કોઈ જવાબ આપવાનો હોતો નથી.