સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં એમડી ડ્રગ્સનુ (MD Drugs) વેચાણ અટકાવવા પોલીસ (Police) પ્રયાસ કરી રહી છે. પરંતુ લેભાગુ તત્વો દ્વારા બેરોકટોક આ પ્રવૃતિ કરવામાં આવી રહી હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અંદાજે 7.7 ગ્રામનું એમડી ડ્રગ્સનુ જેની કિંમત 77800 જેટલી થાય છે તે જથ્થો પોલીસે પકડી લીધો હતો.
રાંદેર વિસ્તારમાં રહેતા રહેમતખાન શાકેરાબાનુ મલેક તથા તેનો દિકરો સમીર ઉર્ફે લાલો મલેક સાથે મળી એમ.ડી. ડ્રગ્સનું વેંચાણ કરતા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ લોકો ગ્રાહકોને શોધીને તેઓને એમડી પહોંચાડતા હતા. ઘરમાં આ માટે વજનકાંટો પણ રાખવામાં આવ્યો હતો. તેઓના રહેણાંકના ઘર નં. બી/૧૦૮૨૭ પહેલા માળે, રહેમતખાન જમાદાર સ્ટ્રીટ રાંદેર સુરત ખાતે રેઇડ કરતા ગેરકાયદેસરનો મેકેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો પોલીસના હાથે લાગ્યો હતો.
આ સાથે શાકેરાબાનુ મુનાક મુખત્યાર મલેક (ઉ.વ.૪પ રહેવાસી, ઘર નંબર બી/૧૦/૨૭, પહેલા માળ)ની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા આરોપીની પુછપરછ કરતા તેનો દીકરો સમીર ઉર્ફે લાલો મલેક એમ.ડી. ડ્રગ્સનો જથ્થો લાવી તેને આપ્યો હતો અને તેનો દીકરો બહારથી ગ્રાહકો શોધી મોકલતા હોવાની કબૂલાત કરી હતી. તેના ઘરેથી ડિજીટલ કાંટા વડે વજન કરીને એમ.ડી. ડ્રગ્સનું વેચાણ કરતી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ દ્વારા અંદાજે સવા બે લાખની મત્તા સીઝ કરવામાં આવી હતી.
પોલીસે મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો કુલ્લે વજન ગ્રામ ૭.૭૮૦ કિંમત રૂપિયા ૭૭,૮૦૦, મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂપિયા ૭૦૦૦, પોર્ટેબલ ડીઝીટલ વજનકાંટો નંગ-૦૧ કિંમત રૂપિયા ૫૦૦0 તથા રોકડા રૂપિયા ૧,૪૦,૦૦૦ સીઝ કરવામાં આવ્યા હતા.
નિહાલીથી વિદેશી દારૂના જથ્થા સાથે 7.19 લાખનો મુદ્દામાલ ઝડપાયો
અનાવલ, મહુવા: મહુવાના નિહાલીથી વિદેશી દારૂના જથ્થા સાથે 7,19,800 રૂપિયાનો મુદ્દામાલ એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાનાં ગામોમાં સુરત ગ્રામ્ય એલસીબીની ટીમ પેટ્રોલિંગમા હતી. દરમિયાન બાતમી મળી હતી કે, મહુવાના કવિઠા ગામે રહેતા પરેશ અશોક પટેલ અને અશોક શંકર પટેલ તથા પીયૂષ દીપક પટેલે જનક રોહિણી પાસેથી ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ અને તે જથ્થો મહુવાના નિહાલી ગામે ગોચરની જમીનમાંથી સગેવગે કરી રહ્યા છે. જેથી એલસીબીએ રેડ પાડી હતી. રેડ જોઈ તમામ ટેમ્પો મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસે ટેમ્પો (DN-09-N-9668)માંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ-2350 નંગ કિંમત 1,19,800 રૂપિયા અને ટેમ્પો કિંમત રૂ.6 લાખ મળી કુલ 7,19,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂ મંગાવનાર ફરાર પરેશ અશોક પટેલ, અશોક શંકર પટેલ, પીયૂષ દીપક પટેલ તેમજ વિદેશી દારૂ મોકલનાર જનક રોહિણી અને ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.