ગાંધીનગર : (Ghandhinagar) ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા પદનામિત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમા કેબિનેટના સંભવિત મંત્રીઓની ચર્ચા ચાલી હતી.પીએમ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને રાજ્યભરમાં લોકોએ મતો આપ્યા છે, જેના પગલે કેબિનેટના સંભિવત નામો અંગે હાઈકમાન્ડનું સીધુ માર્ગદર્શન માગવામાં આવ્યુ હતું. પીએમ મોદીએ કેબિનેટમાં સંભવિત નામોની ચર્ચા કરી હતી.
- પીએમ મોદીએ કેબિનેટમાં સંભવિત નામોની ચર્ચા કરી
- આ બેઠકમા કેબિનેટના સંભવિત મંત્રીઓની ચર્ચા ચાલી હતી
- સંભિવત નામો અંગે હાઈકમાન્ડનું સીધુ માર્ગદર્શન માગવામાં આવ્યુ હતું
રાજ્યના ચારેય ઝોન પ્રમાણે નામોની ચર્ચા કરાઈ
જેમાં રાજ્યના ચારેય ઝોન પ્રમાણે નામોની ચર્ચા કરાઈ હોવાની માહિતી મળી છે. આ ઉપરાંત જ્ઞાતિના સમીકરણો પણ ધ્યાને લેવાયા હતા. ચર્ચાના અંતે ભાજપના હાઈકમાન્ડે કેબિનેટમાં સમાવવામાં આવનાર ધારાસભ્યોના નામો પર મંજૂરીની મ્હોર મારી હતી. જો કે કેટલાંક ધારાસભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને દિવસ દરમ્યાન મળ્યા હતા.
ભાજપના બે ઉમેદવારોએ હારનું ઠીકરૂ પાર્ટીના નેતાઓ- કાર્યકરો પર ફોડયુ
ભાજપના ઉત્તર ગુજરાતના બે ઉમેદવારોએ પોતાની હાર માટે પાર્ટીના કાર્યકરો તેમજ નેતાઓને જવાબદાર ઠેરવ્યા છે.
અગાઉ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજયકક્ષાના મંત્રી રહેલા કિર્તીસિંહ વાઘેલા કાંકરેડ બેઠક પર ચૂંટણી લડયા હતા અને કોંગ્રેસના અમૃતજી ઠાકોર સામે તેમનો 5295 મતોથી પરાજય થયો હતો. વાઘેલાએ હારનું ઠીકરૂ ભાજપના જ કાર્યકરો પમ ફોડયુ હતું. પાટણ બેઠક પર કોંગ્રેસના કિરીટ પટેલ સામે ભાજપના ડૉ રાજુલ દેસાઈનો 17177 મતોથી પરાજય થયો હતો. આજે ડૉ રાજુલ દેસાઈએ પોતાના મત વિસ્તારના કાર્યકરોની બેઠક યોજી રહતી. જેમાં ડૉ દેસાઈએ હારનું ઠીકરૂ કાર્યકરો તેમજ કેટલાંક અગ્રણીઓ પર ફોડયુ હતું. તેમણે કહયું હતું કે પૃથ્વીરાજ ચોહાણને હરાવનાર જયચંદ હતા ત્યારે મને હરાવવા પણ કેટલાક જયચંદ કામે લાગ્યા હતા.