Business

ભારતે ફરીએકવાર દોસ્તી નિભાવી: રશિયન તેલ પર G7 દેશોના પ્રતિબંધોને સમર્થન ન આપ્યું

નવી દિલ્હી: રશિયાએ (Russia) G-7 દેશો અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ (Oil) પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના (India) નિર્ણયને આવકાર્યો છે. તેમજ પુતિનની સરકારે ભારતની આ માટે પ્રશંસા પણ કરી છે. રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂર સાથે મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જાણકારી આપતા કહ્યું હતું કે નાયબ વડા પ્રધાને રશિયન તેલ પર કિંમતની મર્યાદા લાદવાનું સમર્થન ન કરવાના ભારતના નિર્ણયને આવકાર્યો હતો જેની જાહેરાત G7 દેશો અને તેમના સહયોગી દેશો દ્વારા 5 ડિસેમ્બરે કરવામાં આવી હતી. જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બરમાં જી-7 દેશો રશિયાથી ઓઈલની આયાત પર પ્રાઇસ સીમા લાદવા માટે સંમત થયા હતા.

  • રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે રશિયામાં ભારતીય રાજદૂત પવન કપૂર સાથે મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું
  • સપ્ટેમ્બરમાં જી-7 દેશો રશિયાથી ઓઈલની આયાત પર પ્રાઇસ સીમા લાદવા માટે સંમત થયા હતા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નોવાકે કહ્યું કે ઉર્જા સંકટ વચ્ચે પૂર્વ-દક્ષિણના દેશોમાં ઊર્જા સંસાધનોની સપ્લાય અને ઊર્જાની નિકાસ માટે રશિયા તેની જવાબદારીઓ માટે સંપૂર્ણ રીતે જવાબદાર છે. રશિયન વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022ના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં રશિયાની તેલની આયાત વધીને 16.35 મિલિયન ટન થઈ ગઈ છે.જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધ થવાં છતાં ભારતે રશિયા પાસેથી તેલ આયાત કરવાનું ચાલુ રાખ્યું હતું.

ભારતને તેલ આયાત કરવાના મામલે રશિયા બીજા ક્રમે છે
જણાવી દઈએ કે રશિયા તેલ પુરવઠાની આયાત કરવાના મામલે ઉનાળાના સમય દરમ્યાન બીજા સ્થાને હતું. આ ઉપરાંત તેલની સાથે રશિયામાંથી તેલ ઉત્પાદનો અને કોલસાની સપ્લાયમાં પણ વધારો થયો છે. આ ઉપરાંત ભારતીય રાજદૂત પવન કપૂર સાથેની બેઠક દરમિયાન નોવાકે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને આંતરરાષ્ટ્રીય મંચ ‘રશિયન એનર્જી વીક 2023’માં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.

Most Popular

To Top