કામરેજ: (Kamraj) ખોલવડમાં એપાર્ટમેન્ટમાં રહેતી વિધવા મહિલાના ઘરે જમવા માટે આવતા ઈસમ પાસે 11 લાખ રૂપિયા લેવા માટે આવેલા ઈસમોએ વિધવા મહિલાના (Widow Woman) પુત્રને મારી નાંખવાની ધમકી આપી પહેરેલા દાગીના તેમજ પુત્રના પહેરેલા દાગીના તેમજ રોકડા (Cash) દોઢ લાખ અને કાર લઈ રૂપિયા લેવા આવેલા ઈસમ જતા રહ્યા હતા. મૂળ ભાવનગરના ડમરાલા ગામના વતની અને હાલ કામરેજના ખોલવડ ગામે આવેલી સ્ટાર પવિત્રનગરી સોસાયટીમાં એચ-2 ફલેટ નં.503માં વિધવા નીતાબેન પ્રવીણભાઈ ધડુક રહે છે. ઘરે ભોજનાલય ચલાવે છે. દોઢ વર્ષથી જમવા તેમજ ચા નાસ્તો કરવા માટે જગદીશ શંભુભાઈ જોગાણીમા રોજ આવે છે.
પુત્રને બચાવવા માતા જતાં તેને ધક્કો મારી દીધો હતો
એક મહિના અગાઉ સાંજના છ કલાકે જગદીશ જોગાણી ઘરે હતા ત્યારે દસથી બાર ઈસમો આવી જગદીશભાઈ પાસે 11 લાખ રૂપિયા લેવાના હોય તે બાબતે બોલાચાલી કરતાં નીતાબેનના પુત્ર દિવ્યાંગે આવેલા ઈસમને સોસાયટીની બહાર જઈને લેવડદેવડની વાતો કરો તેમ કહેતાં આવેલા ઈસમો પૈકી નાસીર નશરૂદીન ગરાસીયાએ દિવ્યાંગને ત્રણ થપ્પડ મારી દીધી હતી.પુત્રને બચાવવા માતા જતાં તેને ધક્કો મારી દીધો હતો. તમે 11 લાખ રૂપિયા નહીં આપો તો દિવ્યાંગને સાંજ સુધીમાં મારી નાંખીશ તેમ કહીને નીતાબેનને ધમકી આપી નાસીર તેમજ તેની સાથે આવેલા જિગ્નેશ જીયાણી આમુ અસલમ મયૂરસિંહ તથા બીજા ચારથી પાંચ અજાણ્યા ઈસમો નીતાબેને પહેરેલા સોનાની ચેઈન ત્રણ તોલા કિંમત રૂ.1,17,000, હાથમાં પહેરેલી સોનાની કડલી બે તોલાની કિંમત રૂ.1,08,827, દિવ્યાંગે ગળામાં પહેરેલી સોનાની રૂદ્રાક્ષની માળા પેન્ડલ સાથે કિંમત રૂ.2,11,000, વીંટી કિંમત રૂ.48000એ લઈ લીધા હતા.
દોઢ લાખ રૂપિયા રોકડા અને કાર લઈ લીધી હતી
દિવ્યાંગે પોલીસને જાણ કરવાની વાત કરતાં મયૂરસિંહે જણાવ્યું હતું કે, હું પોલીસવાળો જ છું. તારે જે પોલીસને બોલાવવી હોય તેને બોલાવી દે. હું અહીં જ છું. તમામને જવાબ આપી દઈશ. બાદમાં દિવ્યાંગને પોલીસમથકમાં જતાં બહાર નાસીર મળતાં મારા પર ચાર ગુના દાખલ છે, આ પાંચમો ગુનો દાખલ થશે કોઈ ચિંતા નથી તેમ કહી ફરી ધમકી આપી હતી. બીજા દિવસે નાસીરે દિવ્યાંગને ફોન કરીને દાગીનાથી રૂપિયા પૂરા થાય તેમ નથી, તારી સ્કોડા કાર તથા બે લાખ રોકડા લઈને ગીરનાર હોટલ પાસે તેમ કહેતાં દોઢ લાખ રૂપિયા રોકડા અને કાર લઈ લીધી હતી. જે અંગે કામરેજ પોલીસમથકમાં જગદીશ, નાસીર, જિગ્નેશ, આમુ અસલમ સહિત ચારથી પાંચ અજાણ્યા ઈસમ સામે ફરિયાદ લૂંટની ફરિયાદ નોંધાવી હતી.