Columns

ગુજરાતમાં BJPનાં પાસાં પોબાર

ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે ચા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે એટલા તો આ પહેલા ભાગ્યે જ કોઇએ યાદ કર્યા હશે. BJP આ વખતે વિધાનસભાની ચૂંટણી દરમિયાન માધવસિંહ સોલંકીનો 1985નો 149 બેઠકોનો રેકોર્ડ તોડશે કે કેમ ત્યાંથી શરૂ થયેલી વાત BJPએ 156 બેઠકો પર ગુજરાતમાં જીત મેળવીને એ રેકોર્ડ તોડ્યો એ પછી પણ ચાલુ રહી. BJPની વ્યૂહરચના જાણે દર ચૂંટણી પછી ધારદાર થઇ રહી છે. BJPનો ચહેરો એટલે કે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્તરે સત્તા મેળવ્યા પછી પણ રાજ્યની ચૂંટણી ટાણે માઇક્રોમેનેજમેન્ટ કરવામાં કોઇ કસર નથી છોડી. ‘સાહેબ’ના બોલે પક્ષના મોટા માથાઓથી માંડીને નાનામાં નાના કાર્યકરે મતદારોને બાંધી રાખવામાં જે કરવું પડ્યું તે કર્યું. 27 વર્ષથી જે સત્તા હાથમાં છે તે જતી થોડી કરાય? નરેન્દ્ર મોદી માટે અંગ્રેજીનું પેલું બહુ વપરાયેલું વાક્ય, ‘લવ હિમ હેટ હીમ, યુ કાન્ટ ઇગ્નોર હિમ’ અચૂક યાદ આવે. BJPએ ગુજરાતમાં જે સપાટો બોલાવ્યો એમાં નરેન્દ્ર મોદીની ગુજરાતમાં લોકપ્રિયતા સૌથી મોટું કારણ છે.

એક તરફ હિમાચલમાં BJPને કોંગ્રેસે પાછળ છોડી દીધી તો બીજી તરફ ગુજરાત જે મોદીની હોમ પીચ છે ત્યાં BJPએ સપાટો બોલાવી દીધો. રાજકીય સમીક્ષક તથા BJP – સૌથી મોટા રાજકીય પક્ષની વિકાસગાથાના લેખક તેવા શાંતનુ ગુપ્તાને જ્યારે BJPની ગુજરાતની વ્યૂહરચના વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, “2017માં BJP 182માંથી 99 બેઠક જીતી શકી. કોંગ્રેસ ત્યારે 77 બેઠકો મેળવી શકી હતી. આ પુરાવો હતો કે કોંગ્રેસે બહુ ચીવટથી આ જંગ ખેલ્યો હતો અને BJPને અમુક બેઠકથી આગળ નહોતી વધવા દીધી. 2017ના એ બોધ પછી BJP માટે જરૂરી હતું કે કોંગ્રેસે જે યુવા ચહેરાઓ પર દાવ ખેલ્યો હતો તેની સામે કોઇ વ્યૂહરચના મૂકવી. અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી 2017માં કોંગ્રેસ માટે અગત્યના ચહેરા હતા. આ રીતે દલિત, પાટીદાર અને OBC આંદોલનની ત્રિરાશિ પર જ આખું કેમ્પેઇન પ્લાન કરાયું હતું. કોંગ્રેસે ગુજરાતમાં હાર્દિક પટેલને તો કાર્યકારી પ્રમુખની પદવી પણ આપી. BJPએ એ પછી જે ખેલ ઘડ્યો તેમાં 2022ની ચૂંટણી પહેલાંના 5 વર્ષના ગાળામાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને પોતાની તરફ કરી લીધા અને તેઓ ઠીકઠાક માર્જીનથી જીત્યા પણ ખરા. એક માત્ર જિજ્ઞેશ મેવાણીને BJP પોતાની તરફ ન કરી શકી.”

કોંગ્રેસની અને તેમાંય ખાસ કરીને માધવસિંહ સોલંકીની જૂની અને જાણીતી ખામ (KHAM ) થિયરી જેમાં કોળી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાનને ફરી જીવંત કરવાનું કોંગ્રેસને યાદ તો આવ્યું પણ એ લાગુ કરવામાં જરા મોડું થઇ ગયું. વળી હવે અહેમદ પટેલ જેવો ચહેરો કોંગ્રેસ પાસે ન હોવાની અસર પણ પડે જ. જાતિવાદની ચાલ ગોઠવવામાં BJPની મુત્સદ્દીગીરી ફાવી ગઇ. BJPની બીજી વ્યૂહરચનાની ચર્ચા કરતાં શાંતનુ ગુપ્તા કહે છે “BJPની સરકાર અને ધારાસભ્યો સામે સત્તા વિરોધનું લેબલ ન લાગવું જોઇએ તેની પૂરી તકેદારી રાખી. અડધી ટર્મ પતી અને સરકારને માથે રાજ્ય સ્તરે માછલાં ધોવાયાં તો BJPએ ગુજરાતમાં મુખ્ય મંત્રી તો બદલ્યા જ પણ કેબિનેટમાં ય ફેરફાર કરી નાખ્યો.

આખો કારસો એવી રીતે ઘડાયો કે કોઇને વાંકું પણ ન પડ્યું અને કોઇએ હોહા ન કરી, સરળતાથી આ ફેરફાર કરવાની BJPની રણનીતિએ સત્તા વિરોધ રોકી લીધો. 27 વર્ષથી રાજ કરતી BJPને ખબર હતી કે જરા સરખો વિરોધ પણ ભારે પડી શકે છે. વળી એક- બે નહીં પણ 40થી વધુ નવા લોકોને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાઇ. BJPએ જ્યાં જ્યાં 2017માં બેઠકો ખોઇ હતી ત્યાં કઇ રીતે આદિવાસીઓ, દલિત અને પાટીદારો સહિતના અન્ય સૌરાષ્ટ્રવાસીઓને પોતાની તરફ કરવા તેનું વિગતવાર પ્લાનિંગ કરાયું અને એ જ પ્રમાણે કામગીરી પણ કરાઇ.” આ આખી ગોઠવણમાં ભૂપેન્દ્ર પટેલનું સત્તા પર આવવું પણ બહુ ગણતરીપૂર્વકનો મૂવ હતો. સાફ છબી, મૈત્રીપૂર્ણ વહેવાર આ બધું ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં રહ્યું અને આમાં પટેલો પણ સચવાયા.

માણસોને કામે લગાડવા અને કામના માણસોને મહત્ત્વ આપવાનું નરેન્દ્ર મોદીને સુપેરે આવડે છે. આ વાતનું ઉદાહરણ છે સુરતના સી.આર.પાટીલ. સી.આર.પાટીલની નરેન્દ્ર મોદી સાથેની નિકટતા તો 2014માં લોકસભાની ચૂંટણીમાં જ આંખે ઊડીને વળગે તેમ હતી જ્યારે તે બનારસમાં અનૌપચારિક પ્રભારી તો હતા જ પણ 2022 નજીક આવતા સુધીમાં તેમને પક્ષના રાજ્ય પ્રમુખ બનાવાયા. સી.આર.પાટીલે એકે એક બેઠક પર એકે એક બુથ પર ફરી વળવાનું નક્કી કર્યું, જાણે પક્ષના આખા માળખાને ઠમઠોરવાનું કામ કર્યું. BJPના મતદારોને કેન્દ્ર અને રાજ્ય સ્તરે એક કરાયા, પક્ષના પ્રમુખનું તંત્ર ખડું કરી મતદાનના દિવસે લોકો મથક સુધી આવે તેની પણ પૂરી તકેદારી રખાઇ. વળી જે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ખુદ 30થી વધુ રેલીઓમાં હાજરી આપતા હોય, રોડ શોઝમાં હાજરી આપતા હોય ત્યારે તે વડા પ્રધાન પછી પણ રાજ્યના પનોતા પુત્ર અને પક્ષના કાર્યકર્તા હોવાની પોતાની છબી મતદારો સામે આગળ ધરતા હોય છે.

વળી BJPએ એ પણ ધ્યાન રાખ્યું કે જ્યાં પ્રચાર કરવા ગયા ત્યાં જે પ્રકારનું TG એટલે કે ટાર્ગેટ ગ્રુપ છે તે પ્રકારના એટલે કે ખાસ કરીને તે ભાષા-જ્ઞાતિના રાષ્ટ્રીય અને અન્ય રાજ્યોના રાજકીય સ્તરના નેતાઓ પણ હાજરી આપે. BJPએ ગુજરાતમાં આખી બ્રિગેડ ઉતારી અને જરૂર પડ્યે યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઇરાની, જે.પી.નડ્ડા, અમિત શાહ જેવા નેતાઓએ પણ હાજરી આપી. નાના વિસ્તારોમાં સાંસદો અને ધારાશાસ્ત્રીને ખડા કરાયા જે તે વિસ્તારના લોકો સાથે કનેક્ટ સ્થાપી શકે. વળી આમ આદમી પાર્ટીનું ઝાડું પણ કોંગ્રેસનો વૉટ શૅર લઇ ગયું જેનો ફાયદો BJPને આડકતરી રીતે એ દિશામાં એક આંગળી હલાવ્યા વિના મળી ગયો.

BJPએ શું કર્યું અને તેને શું ફળ્યું એ સાથે રાહુલ ગાંધીએ જે રીતે ગુજરાતમાં પ્રચાર કરવાની આખી વાતને વખારે નાખી તેનો ફાયદો પણ તો BJPને જ થયો. આમેય કોંગ્રેસની વલે થઇ હતી એમાં કોંગ્રેસ પાસે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરનો એકેય નેતા પ્રચાર ટાણે ન હોવાની વાત જનતાને આંખે ઊડીને વળગી. ગાંધી પરિવારમાં લોકોને રસ નથી પણ છતાંય રાહુલ ગાંધી કોંગ્રેસ માટે જરૂરી તો છે જ પણ ભારત જોડો યાત્રામાં એક પોઇન્ટ પછી ગુજરાતનો છેદ ઊડી ગયો અને એમાં ગુજરાતમાં કોંગ્રેસ સાવ ખૂણામાં ધકેલાઇ ગઇ. કોંગ્રેસ આ હળવાશથી લેતે તો ગુજરાતમાંથી તેના પૂરી રીતે અદ્રશ્ય થવાનો વખત BJPએ ધાર્યું હશે તે પહેલાં જ આવી જશે.

Most Popular

To Top