ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM પર હારનું ઠીકરૂ ફોડયું – Gujaratmitra Daily Newspaper

Dakshin Gujarat

ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM પર હારનું ઠીકરૂ ફોડયું

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની આદિવાસી ઝઘડિયા બેઠક ઉપર 35 વર્ષથી એકહથ્થુ શાસન અને પરાજય પછી પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. ગઢ ગુમાવ્યા બાદ આદિવાસી નેતા છોટુભાઈ વસાવાએ EVM પર હારનું ઠીકરું ફોડ્યું છે. ગુજરાતમાં (Gujarat) આવેલા ચૂંટણીના (Election) પરિણામ પહેલેથી જ નક્કી હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે, હું તો કહેતો જ હતો કે, EVMમાં સેટિંગ કરીને હરાવશે. લોકોએ હવે સમજી લેવા જેવું છે કે, ઇવીએમનો વિરોધ કરવો જોઈએ. તો જ આ દેશ બચવાનો છે.

  • દેશમાં 15 ટકા બની બેઠેલા શેઠજીના રાજ માટે જ EVM નો પ્રયોગ થાય છે
  • ભાઈ નરેન્દ્રભાઈ તમને SC, ST, OBC, માઈનોરિટી દેશના 85 ટકા લોકો ન ગમતા હોય તો ગોળી મારી દો

SC, ST, OBC, માઈનોરિટી આ દેશના 85 ટકા લોકો છે. જેઓ આ ઇવીએમનો વિરોધ કરી બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ કંઈક આ દેશની અંદર આ લોકોની પ્રગતિ થશે. બાકી આજે 15 ટકા લોકો છે જે શેઠજી આ દેશમાં બની બેઠા છે તેમની જ જીત થશે આવા લોકોએ દેશને લૂંટ્યો હોવાનો આક્ષેપ છોટુભાઈએ કર્યો છે. એવા લોકોને હંમેશા રાજ કરવા માટે જ ઇવીએમનો પ્રયોગ થતો હોવાની વાત કરી છે. લોકશાહી જેવો દેશ હોય તો ડરી શાનથી રહ્યાં છે. બેલેટ પેપરથી ચૂંટણી કેમ નથી કરાવતાં તેઓ પણ સવાલ કર્યો છે.

વધુમાં પ્રધાનમંત્રીનું નામ લઈ તેમણે કહ્યું હતું કે, ભાઈ નરેન્દ્રભાઈ તમે આ બધું છોડી દેજો. દેશના આ 85 ટકા લોકો તમને નહીં ગમતા હોય તો તેમને ગોળી મારી દો, પણ આ રીતે રિબાવવાનું બંધ કરો. જો આ રીતે જ રાજ ચાલતું રહ્યું તો આ 85 ટકાની વસ્તી નહીં રહે તેવી પણ હૈયા વરાળ ઠાલવી. અંતે છોટુભાઈ વસાવાએ દેશના SC, ST, OBC, માઈનોરિટીને નાસીપાસ નહીં થવા અને 2024ની લોકસભા ચૂંટણી આવતી જ હોવાથી બેલેટ પેપરથી ચૂંટણીની માંગ કરવા અનુરોધ કર્યો છે. ગુજરાતમાં ભાજપની આ જીતને તેઓએ EVM અને રૂપિયાની તાકાત પણ ગણાવી હતી.

Most Popular

To Top