Columns

ગાંધીજીની અપેક્ષા પર કયા લોકપ્રતિનિધિ ખરા ઊતરી શકે?

લોકપ્રતિનિધિ પ્રત્યેની પ્રજાની અપેક્ષાઓ ભાગ્યે પૂરી થાય છે તેમ છતાં લોકપ્રતિનિધિ ચૂંટવાની પ્રક્રિયામાં મહદંશે સૌ સામેલ થાય છે. યોગ્ય પ્રતિનિધિ આવશે અને તેમની અપેક્ષા પૂર્ણ કરશે તેવું હજુય સામાન્યજન માને છે. ગાંધીજીએ પણ સમયાંતરે લોકપ્રતિનિધિ કેવા હોવા જોઈએ- તે વિશે અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. ગાંધીજીની અપેક્ષા પ્રમાણેના લોકપ્રતિનિધિઓ તો આજે સ્વપ્નવત્ લાગે છે પણ તેમ છતાં તે આદર્શોને અનુસરીને મતદાતાઓએ પ્રતિનિધિને ચૂંટવો રહ્યો. આવતીકાલે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે ગાંધીજીની આ અપેક્ષાઓ પર નજર કરવા જેવી છે.

ધારાસભાના સભ્યો કેવા હોવા જોઈએ તે વિશે ગાંધીજીએ તત્કાલીન કૉંગ્રેસને સંબોધીને ઘણું લખ્યું છે. આજના સંદર્ભમાં લાગુ પડતી ગાંધીજીની ધારાસભ્યો પ્રત્યેની અપેક્ષા વિશે તેઓ લખે છે : ‘ધારાસભાના સભ્યો અણીશુદ્ધ પ્રામાણિકતાથી ને વિરોધીઓ સાથે કામ લેતા વિવેકથી વર્તશે. તે કપટી કાવાદાવાનો આશ્રય નહીં લે, સામા પક્ષને અઘટિત વચનો નહીં કહે, વિરોધીઓની હલકાઈનો લાભ નહીં લે. ધારાસભામાં એનું પદ જેમ મોટું હોય તેમ આ બાબતોમાં તેની જવાબદારી વધારે મોટી છે.’ ગાંધીજીની ધારાસભ્યો પ્રત્યેની આ અપેક્ષાથી તદ્દન વિપરીત દિશામાં લોકપ્રતિનિધિ જઈ રહ્યા છે. લોકપ્રતિનિધિ પ્રત્યે ગાંધીજીનો દૃષ્ટિકોણ સેવા અર્થે તેઓ રાજકીય ક્ષેત્રમાં આવે છે તેવો છે અને તે કારણે તેમની અપેક્ષાઓ એ રીતે આલેખી છે અને એટલે જ જ્યારે ધારાસભાના સભ્યોના પગાર વિશે તેમને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું છે કે “ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતા છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે.”

ચૂંટણી સંબંધે ગાંધીજીએ પોતાના અનુભવ ટાંકતાં લખ્યું છે : “આપણા બુદ્ધિવાળા એટલે કે ભણેલાગણેલા વર્ગને હિંદુસ્તાનની આઝાદી કરતાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાની જ વધારે પડી છે અને ચૂંટણીના ઉમેદવારોની અરજીઓ સાથે મારે કશો સંબંધ નથી છતાં મારા પર જો આટલા બધા કાગળ આવે છે તો કારોબારી સમિતિ(કોંગ્રેસ)ના સભ્યો પર કેટલા કાગળનો મારો રહેતો હશે?” તે પછી ભલામણ કરનારાઓને ઉદ્દેશીને તેઓ લખે છે : “કાગળ લખનારાઓએ જાણવું જોઈએ કે, આ ચૂંટણીઓમાં હું કશો રસ લેતો નથી, એ અરજીઓની વિચારણા કરનારી સભાઓમાં હાજર રહેતો નથી અને કોણ ચૂંટાયા તેની ખબર ઘણી વાર મને માત્ર છાપાંઓ પરથી પડે છે.

ઉમેદવારની પસંદગી અંગે મારી સલાહ જૂજ પ્રસંગોએ લેવામાં આવે છે.” આ ઉપરાંત તેમની આગળની વાત લોકપ્રતિનિધિઓના માનમોભા વિશેની છે. તેઓ લખે છે : “ચૂંટણીઓમાં કોમી ધોરણે વિચાર કરવો, એ ખોટું છે; ગમે તે માણસ આ બંધારણસભામાં ચાલે, એમ માનવું ખોટું છે; આ ચૂંટણી માટે પસંદ થવાથી અગર તેમાં ચૂંટાવાથી ખાસ કોઈ માન અગર મોભો મળે છે, એમ માનવું તો વળી સાવ ખોટું છે.” લોકપ્રતિનિધિઓ પ્રત્યેની જે છબિ આજકાલ ઊભી કરવામાં આવી છે તેવું કંઈ છે જ નહીં, તેવું ગાંધીજી ઠોસ રીતે માને છે.

આજે રાજકીય નેતાઓની છબિ મહાનાયક ને ઉદ્ધારક તરીકેની ઉપસાવવામાં આવે છે. વિશેષ કરીને સોશ્યલ મીડિયામાં અને ચૂંટણી ટાણે થતી સભાઓ-રોડ શોમાં. પણ આખરે તેઓ પ્રજાનાં નાણાં ખર્ચી રહ્યા છે અને પોતાનું સ્થાન ટકાવી રાખવાની જદોજહદ કરે છે. આ સત્ય મહદંશે સૌ નેતાઓ માટે લાગુ પડે છે.  લોકપ્રતિનિધિ અંગેના ગાંધીજીના આ બધા વિચારો હરિપ્રસાદ વ્યાસ દ્વારા સંપાદિત ‘ગાંધીજીની અપેક્ષા’નામના પુસ્તકમાં વાંચવા મળે છે. આ પુસ્તક એક ઠેકાણે ‘પાઈએ પાઈ સાચવો’ના મથાળેથી તેમનું લખાણ આપ્યું છે, જેમાં તેઓએ સ્ટેશનરી અને કાગળોની બચતનાં ઉદાહરણ આપ્યાં છે. આજે રાજકારણમાં જ્યારે પૈસો પાણીની જેમ વહી રહ્યો છે ત્યારે આની ચર્ચા પણ અજુગતી લાગે છે પણ ગાંધીજીએ તેની ચર્ચા વિસ્તારથી કરી છે.

તેઓ આ વિશે લખે છે : “ધારાસભાઓના નામદાર સભ્યો પોતાના ખાનગી કામને માટે પણ અત્યંત ખર્ચાળ એમ્બોસ કરેલાં નોટપેપરો વાપરે છે, એવું મેં જોયું છે. …મેં જે નોટપેપરોનો ઉલ્લેખ કર્યો છે, તે આપણને ન પરવડે તેટલા ખર્ચાળ ગણાય. અંગ્રેજો દુનિયાના સૌથી ખર્ચાળ મુલકના વતની છે અને તેઓ આપણા દિલમાં દમામથી જેટલો ધાક બેસાડી શકાય, તેના પર આબાદ થવા માગતા હતા. એટલે અહીં તેમણે ઑફિસોને માટેના અને રહેવા બંગલાઓના ભારી, ખર્ચાળ તેમ જ એવાં દમામદાર મકાનો બંધાવ્યાં, જેમની સાચવણીમાં જ નોકરોનું ને હજૂરિયાઓનું એક નાનકડું લશ્કર જોઈએ.

તેમને રસ્તે ચડી આપણે તેમની પદ્ધતિ ને ટેવોની નકલ કરવા માંડી તો આપણું અને આપણી સાથે દેશનું આવી બન્યું સમજવું. આ મુલકને જીતી લેનારા લોકોનું આવું કેટલુંયે પ્રજાએ ચલાવી લીધું, તે પોતાના સેવકોનું નહીં ચલાવી લે. …મારો અભિપ્રાય એવો છે કે આવી ખર્ચાળ ટેવો આપણે છોડી દઈએ.” ગાંધીજીની આ અપેક્ષા પૂરી તો નથી થઈ પણ હવે આપણા રાજકીય નેતાઓ સગવડ ભોગવવામાં અન્ય પશ્ચિમી દેશોને ઇર્ષ્યા કરાવે તે રીતે વર્તે છે. વિશ્વમાં શક્તિશાળી દેશ તરીકે ભારત ઊભરી રહ્યું છે તેવી વાત ચારેકોર પ્રસરી છે અને તે પ્રચાર-પ્રસારમાં શક્તિશાળી દેખાવાનો ડોળ થાય છે અને તે માટે એવાં સંસાધનો રાજકીય નેતાઓ માટે વસાવવામાં આવે છે.

ચૂંટાયેલા રાજકીય નેતાઓ પાસે સત્તા હોતી જ નથી તેવું ગાંધીજી ઠોસ રીતે માને છે અને તે માટે કહે છે કે : “આપણે લાંબા વખતથી એમ માનવા ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતિરિવાજો આપણા પર જે ભૂરકી નાંખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટમાંથી સત્તા ઝમીને પ્રજાની અંતર ઊતરે છે.

સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી.” ગાંધીજીની આ વાતને રાજ્યના વર્તમાન રાજકારણ સંદર્ભે જોઈએ તો તુરત સમજાશે કે રાજ્યમાં એક વર્ષ પહેલાં મુખ્ય મંત્રી તરીકે વિજય રૂપાણી હતા અને અન્ય મંત્રીઓમાં નિતીન પટેલ, પ્રદીપસિંહ જાડેજા જેવા વર્ષોના અનુભવી હતા. આજે પક્ષના એક નિર્ણયથી તેઓનું અસ્તિત્વ હતું ન હતું થઈ ગયું છે.

જો કે ગાંધીજીની આ અપેક્ષા આજે પરિપૂર્ણ થઈ નથી અને ત્યારે પણ તે અંગેના સવાલો તેમને હતા. 1947માં તેમણે પ્રધાનો વિશે એક મિત્રને જે કહ્યું હતું તે ‘ગાંધીજીની અપેક્ષા’ પુસ્તકમાં નોંધાયેલું છે. તેમાં તેઓ કહે છે કે : “સઘળા પ્રધાનો સ્વેચ્છાએ સાદાઈનો આદર્શ અપનાવે તો તેઓ આખી દુનિયાને મંત્રમુગ્ધ કરશે અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કરી શકશે. પછીથી પ્રજાનો એ વિશ્વાસ કોઈ પણ વસ્તુ ડગાવી શકશે નહીં કે તેનો નાશ કરી શકશે નહીં. પણ તેને બદલે, ગવર્નરો તથા પ્રધાનોને તો મહેલ જેવાં મકાન જોઈએ, અંગરક્ષકોની મોટી પલટણ જોઈએ તથા ભપકાદાર કપડાં પહેરેલા બરદાસીઓ જોઈએ.”

1947માં દેશનું વિભાજન થયું હતું અને દેશના લોકોની સ્થિતિ દયનીય હતી. અન્ન, વસ્ત્ર અને રહેઠાણનાં સાંસાં હતાં. તેઓએ સુરક્ષાને લઈને ત્યાં સુધીનું નિવેદન આપ્યું છે કે, “ગવર્નરો કે પ્રધાનોને સશસ્ત્ર અંગરક્ષકો ન આપું. તેઓ નીતિ તરીકે અહિંસાને વરેલા છે અને એને પરિણામે તેમના પૈકી કેટલાકને મારી નાખવામાં આવે તેની પણ હું પરવા ન કરું.” ગાંધીજીની લોકપ્રતિનિધિ તરીકેની બધી વાતો આજે સ્વપ્નવત્ ભાસે છે, તેમાંથી થોડે અંશે પણ અમલ થાય તો પ્રજાનું કલ્યાણ થાય. એ માટે મતદાતાઓએ જાગ્રત થવું રહ્યું અને સાચા લોકપ્રતિનિધિ ચૂંટવા રહ્યા.

Most Popular

To Top