અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) આજે વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને બીજા તબક્કાનું મતદાન (Voting) યોજવામાં આવ્યું છે. જ્યાં ઉત્તર અને મધ્ય -પૂર્વે ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારે મતદાન માટે લાઈનો લાગી હોય તેવા નજારો જોવા મળ્યા છે. પ્રથમ ત્રણ કલાકમાં 19 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં 23.35 ટકા મતદાન થયું છે જ્યારે સૌથી ઓછું અમદાવાદ જિલ્લામાં 16.51 ટકા મતદાન થયું છે.
ભાજપે કોંગ્રેસના પોલિંગ ટેબલ તોડી નાખ્યાનો આક્ષેપ
મોટેરા (Motera) અને ચાંદખેડા (Chandkheda) વિસ્તારમાં ભાજપના (BJP) ઉમેદવારના કેટલાક લુખ્ખા તત્વો દ્વારા ગાંધીનગર હાઈવે પર આવેલી વિશ્વકર્મા એન્જિનિયરિંગ બહાર કોંગ્રેસના પોલિંગ ટેબલના યુવકોને માર મારી અને ટેબલ તોડી નાખ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે એક કારમાં ચાર પાંચ લોકો આવીને પોલિંગ બૂથ તોડી નાખ્યું હતું, તેમજ કોંગ્રેસના જે પણ પોલિંગ ટેબલના કાર્યકર્તાઓ છે તેને ડરાવી અને ધમકાવી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ અને જનતાનગરની પાછળ પ્રગતિ હાઇસ્કૂલ બહાર આવી ઘટના બની હોવાનું જાણવા મળતા જ ચાંદખેડા પોલીસ દોડતી થઈ છે. આ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ કરવાની માગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપસ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ત્યારે કેટલાક જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યકરો વિરોધ નોંધાવી મતદાન કર્યું હતું. બાપુનગરમાં કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે ફાટેલા કપડા, મોંઘવારી, બેરોજગારી અને મંદીનો વિરોધ નોંધાવી મતદાન કર્યું હતું. અમિત નાયક ફાટેલા કપડાં પહેરીને હાથમાં તેલનો ડબ્બો તથા ગેસનો બેટલો સાથે રાખીને ઘરેથી આવ્યા હતા.
ઢોલ-નગરા સાથે મહિલાઓ મતદાન કેન્દ્ર પહોંચી
ઘોડાસર વટવામાં મહિલાઓ ડાન્સ કરતા કરતા મતદાન મથક પહોંચી હતી. હાથ બેનર સાથે લોકશાહીનો પર્વ ઉજવતા હોટ તેમ મહિલાઓ ઢોલ-નગરા સાથે મતદાન કરવાની અપીલ કરી હતી. તેમજ મતદાન મથક પહોંચી તેઓ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. આ સિવાય ગુજરાતી ગાયિકા રાજલ બારોટે મતદાન કર્યું હતું. ત્યારે અમદાવાદના લોકગાયક અને સામાજિક કાર્યકર્તા હિમાંશુ ચૌહાણને પગમાં ફ્રેક્ટર હોવા છતાં મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. તેમજ લોકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી હતી. કેટલાક વિસ્તારમાં બીમાર લોકો પણ મતદાન માટે મતદાન મથકે પહોંચ્યા હતા. જ્યાં તેમની મદદ માટે પોલીસ તેમજ પેરામિલેટરી ફોર્સે કરી હતી.