Charchapatra

પૂર્વ જન્મ-પુર્ન જન્મ એક જૂઠાણું

મનુષ્યના પૂર્વ જન્મ અને પુન જન્મનો શાસ્ત્રોધારિત સિધ્ધાંત સાચો નથી. એ હકીકત એક પ્રત્યક્ષ અને વાસ્તવિક દૃષ્ટાંત દ્વારા આપણી જાગ્તાવસ્થામાં, બીન કેફી સ્વસ્થ હાલતમાં કોઇના દબાણ અને શેહ-શરમ વિના, હજારોની સંખ્યામાં એક સાથે, આપણી સ્વતંત્ર રીતે અને વિવેકબુધ્ધિથી સમજવાનો અહીં પ્રયત્ન કરીશું. પ્રથમ આપણે આપણી જાતને જ પ્રશ્ન પૂછીએ કે આપણો જન્મ થયો તે પહેલાં આપણે કયાં હતા? જેનો જવાબ એ છે કે આપણો જન્મ થયો તે પહેલાં આપણે આપણા માતાના ઉદરમાં યાને ગર્ભમાં હતા. હવે બીજો પ્રશ્ન પૂછો કે આપણી માતાના ગર્ભમાં આપણે કયાંથી આવ્યા?

જેનો જવાબ એ છે કે માતાના ગર્ભમાં આપણો ધર્મો ભાગ આપણા પિતાના શરીરમાંના સૂક્ષમ શુક્રાણુ રૂપે અને બીજો અર્ધો ભાગ માતાના શરીરના સુક્ષમ રજકણ રૂપે આવીને એ બંને કણોનું માતાના ગર્ભમાં મિલન થતા આપણા દેહનું ત્યાં પ્રથમ પ્રાગટય થયું. એનો અર્થ એમ થાય કે એ પહેલાં આપણું આ જગતમાં કોઇ સ્થળે અસ્તિત્વ હતું જ નહીં. અર્થાત તે પહેલા આપણો કોઇ પૂર્વ જન્મ હતો જ નહીં. કારણ કે એ આપણો પ્રથમ જન્મ હતો. આ બાબત દર્શાવે છે કે શાસ્ત્રોમાં જે આપણા પૂર્વ જન્મની વાતો કરવામાં આવી છે તે કાલ્પનિક, જૂઠી અને કદાચ છેતરપીંડીયુકત છે. ધર્મશાસ્ત્રો એવું પણ કહે છે કે વૃધ્ધ જીર્ણ શરીરમાંથી આત્મા બહાર નીકળી જઇને બીજો નાનો નૂતન દેહ ધારણ કરે છે.

પરંતુ તેની સામે વેધક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે એવો આત્માવગરનો મૃત દેહ કયા સ્થળે હોય છે? કોઇ પણ માતાના ગર્ભમાં જે દેહનું પ્રાગટય થાય છે તે દેહ તો પ્રથમથી જ જીવંત ચેતનાયયુકત જ હોય છે. કારણ કે પિતાના શુક્રકણમાં અને માતાના રજકણમાં પ્રથમથી જ ચેતના યાને આત્મા હોય જ છે, તેથી જ તે બંને કણોનું મિલનઅને આપણું પ્રાગટય અને વિકાસ શકય બને છે. અર્થાત કોઇ પણ માતાના ગર્ભમાં પ્રગટેલ દેહને બહારના કોઇના અને કોઇ ભટકતા આત્માની આવશ્યકતા હોતી જ નથી. આમ આત્મા એક દેહ તજીને બીજા દેહમાં દાખલ થાય છે તે વાત જ નિરાધાર, કાલ્પનિક છે. અર્થાત માણસનો કોઇ પુર્નજન્મ પણ નથી. વાસ્તવમાં દેહથી ભિન્ન એવા કોઇ આત્માનું અસ્તિત્વ જ નથી.
કડોદ     – એન.વી. ચાવડા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કયાંય ઐકય દેખાય છે ખરું?
આજે આપણે એકેયની મોટી વાતો કરીએ છીએ, કમિટિઓ સ્થાપીએ છીએ પણ કયાંય ઐકય દેખાય છે ખરું? ઉલટુન એક પ્રાંત બીજા પ્રાંતનું સાંભળતો જ નથી. એક પ્રાંતમાં ધાન્ય સડતું હોય છે જયારે બીજા પ્રાંતમાં લોકો ભૂખે મરતા હોય છે. થોડાક રાજકીય લોકો વ્યકિતગત સ્વાર્થને લીધે ઐકયને છિન્નભિન્ન કરી
નાંખે છે.
વિજલપોર   – ડાહ્યાભાઇ હરિભાઇ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top