સુરતઃ (Surat) ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ (Assembly Election 2022) અંતર્ગત આજે સુરત જિલ્લાના ઉંમરની સદી વટાવી ચુકેલા મતદારોએ (Voters) પણ ઉત્સાહ પૂર્વક મતદાન (Voting) કર્યુ હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ મતદાન કરીને લોકશાહી પર્વમાં ઉત્સાહભેર જોડાયા હતા. બૌધાન ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતેના મતદાન મથક ક્રમાંક-૧૨૬ બૌધાન-૩ ખાતે પોતાના પુત્ર તથા પુત્રવધૂ સાથે તેમણે મતદાન કર્યુ હતું. લોકશાહીના મહાપર્વમાં સુરત શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરેક ઉંમરના મતદારો પોતાનું યોગદાન આપવા પહોંચ્યા હતા. માંડવી તાલુકાના બૌધાન ગામના ૧૦૧ વર્ષીય પરંતુ નિરોગી અને સ્વાસ્થ્ય અમીના ઘરિયાએ ૧૫૭- માંડવી વિધાન સભાના બૌધાન ગામે મતદાન કરીને મતદાન જાગૃકતાનો દાખલો પૂરો પાડયો છે. માંડવી તાલુકાના બૌધાન ગામના પટેલ ફળિયામાં રહેતા અમીના ઘરિયાએ બૌધાન ગામની સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું હતું.
- 101 નોટ આઉટ અમીના ઘરિયાએ માંડવી તાલુકાના બૌધાન ગામમાં કર્યું મતદાન
- માંડવી તાલુકાના બૌધાન ગામના 103 વર્ષના સવિતાબહેન ઈશ્વરભાઈ પટેલ લોકશાહીના મહાપર્વમાં જોડાયા
- 80 વર્ષની ઉંમરે મતદાન કરવા મોટરસાયકલ પર આવ્યા MBBS ડો.અવિનાશ આપ્ટે
મતદાન કરવા પહોંચેલા સવિતાબહેન બૌધાન ગામના પટેલ ફળિયામાં પોતાના પુત્ર સાથે રહે છે. તેમણે પોતાના જુના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે જુવાનીના દિવસોમાં નજીકમાં તાપી નદી કાંઠેથી બેડલામાં પાણી ભરીને ઘરે લાવતા. ખેતીકામ કરતા, દળણું દળતા, નજીકના કુવામાંથી દોરડુ ખેંચીને પાણી ભરી લાવતા, ભેંસ દોહતા. આવી તનતોડ મહેનત તેમણે તે દિવસોમાં કરી હતી. તેમણે કહ્યું કે ઉંમરના કારણે આંખે ઓછુ દેખાય છે પણ પ્રેશર સિવાય તેમને કોઈ બિમારી નથી.
બીજી તરફ અમીના ધરિયાએ જણાવ્યું હતુ કે આઝાદીના સમય બાદથી આજ સુધી અનેક ચૂંટણીઓમાં મતદાન કરીને સહભાગી બનવાનો તેમને અવસર મળ્યો છે. જીવનમાં અનેક સરકારોનું કામ ખુબ નજીકથી જોયું છે. જીવનની જમાપૂંજીમાં કેટલા દિવસો બાકી રહ્યા છે એ ખબર નથી પરંતુ જ્યાં સુધી જીવિત રહીશ ત્યાં સુધી મતદાન કરીશ.
મોટરસાયકલ પર આવેલા 80 વર્ષીય ડો.અવિનાશ આપ્ટે લોકશાહીના મહાપર્વમાં સહભાગી બન્યા
સુરતના અઠવાલાઈન્સ સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક-૦૫ના બુથ પર મતદાન માટે મોટર સાયકલ પર આવેલા ૮૦ વર્ષની વયના MBBS ડો.અવિનાશ આપ્ટે મતદાન થકી લોકશાહી પર્વની ઉજવણી કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. તેઓ મહિધરપુરામાં વાણિયા શેરીમાં પોતાનું દવાખાનું ધરાવે છે. છેલ્લા ઘણા દિવસોથી દવાખાને સારવાર માટે આવતા દર્દીઓને અચૂક મતદાન કરવા માટેની પ્રેરણા આપી હતી.
ડો.અવિનાશ આપ્ટેએ જણાવ્યું કે મેં આજ સુધીની વિધાનસભા-લોકસભા-મહાનગર પાલિકા સહિતની મહત્તમ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે. તેથી જ મતદાનનું મહત્વ હું સમજુ છું અને શક્ય તેટલા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરું છું. ખાસ કરીને યુવાનો મતદાનનું મહત્વ સમજે એ માટે અને મોટી સંખ્યામાં મતદાન કરવા પ્રેરાય એ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે ૮૦ વર્ષની ઉંમરે મારા ક્લિનિકથી થતી મોટા ભાગની કમાણીને સેવાકીય પ્રવૃતિમાં ખર્ચ કરૂ છું. મોટરસાયકલ ચલાવવી એ મારો શોખ છે. એટલે જ આજે ચૂંટણીમાં મતદાન માટે જાતે બાઈક ચલાવીને મતદાન મથકે પહોંચ્યો છું.
101 વર્ષીય સ્વાતંત્ર્યસેનાનીઓએ મતદાન કર્યું
આઝાદીના જંગમાં અંગ્રેજો સામે લડત ચલાવનારા સુરત જિલ્લાના એકમાત્ર હયાત સ્વાતંત્ર્યસેનાની અને આદિવાસી સમાજનું અણમોલ રત્ન એવા મહુવા તાલુકાના વહેવલ ગામના આશ્રમ ફળિયા ખાતે રહેતા મણિબેન બાપુભાઈ પટેલે (ધોડિયા) ગામની અંબિકા વહેવલ પ્રાથમિક શાળાના મતદાન મથકે મતદાન કરીને લોકશાહી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરી હતી. મણિબેન કહે છે કે, ગુલામીની ઝંઝીરોમાંથી આઝાદ થવા માટે લાખો સ્વાંતત્ર્ય સેનાનીઓએ પોતાનું સર્વસ્વ દેશને સમર્પિત કરી પ્રાણ બલિદાનો આપ્યા છે, જેના પરિણામે આ મહામુલી આઝાદી મળી છે, જેથી સૌ કોઈએ આ લોકશાહીના મહાપર્વની મતદાન કરીને ઉજવણી કરવી જોઈએ. મણિબેનનું ૧૦૧ વર્ષ થયા છે. દરેક ચૂંટણીમાં તેઓ અચૂક મતદાન કરે છે. તેઓ પોતાનું રોજીંદુ કામ પણ જાતે જ કરે છે, પરિવાર શાંતિથી આરામદાયક જીવન જીવવાનો આગ્રહ કરે છે, પણ તેઓ ‘કામ કરીશું તો શરીર સાજું નરવું રહેશે’ એમ જણાવે છે.