સુરત: સુરતના (Surat) કતારગામ વિધાનસભા બેઠક (Katargam Assembly Seat) પર વહેલી સવારે ધીમી ગતિએ મતદાનનો (Voting) પ્રારંભ થતાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા દ્વારા વહીવટ તંત્ર વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ગોપાલ ઈટાલિયા (Gopal Italiya) દ્વારા ચુંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ કરતાં જણાવવામાં આવ્યું હતું કે, જાણી જોઈને કતારગામ વિધાનસભા બેઠક પર ધીમી ગતિએ મતદાન કરાવવામાં આવી રહ્યું છે.
જાણવા મળતી માહિતી અનુસાર આજે સવારે 8 કલાકથી પહેલા તબક્કાની ચુંટણીનો પ્રારંભ થયો હતો. જો કે, વહેલી સવારથી જ કતારગામ સહિત અન્ય વિધાનસભા બેઠકો પર મતદારોમાં નિરસ માહોલ જોવા મળ્યો હતો. એક તબક્કે કતારગામ વિધાનસભા બેઠક પર શરૂઆતના બે કલાકમાં નિરસ મતદાનને પગલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા દ્વારા સોશ્યલ મીડિયામાં વહીવટી તંત્ર દ્વારા આ બેઠક પર જાણી જોઈને ધીમું મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને કતારગામ વિધાનસભા બેઠકના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા રસ્તામાં જ અધિકારીઓ સાથે બાખડી પડ્યા હતા. અધિકારીઓ અને ઈટાલિયા વચ્ચે ચકમક ઝરી હતી. ગોપાલ ઈટાલિયાએ મતદાન પ્રક્રિયા ઝડપી કરાવવા રજૂઆત કરી હતી. બુથ ઉપર મતદાન ધીમું ચાલતું હોવાથી લાંબી લાઈનો લાગી હતી અને કેટલાંક મતદારો કંટાળી થાકીને જતા રહેતાં હતા.
જો કે, બપોરે 11 કલાક સુધી કતારગામ વિધાનસભા બેઠક પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાનની ટકાવારી 18 ટકાથી વધુ નોંધાવા પામી હતી. મોટા વરાછામાં નિરસ માહોલ જોવા મળ્યો હતો. યોગીચોક વિસ્તારમાં 2017 જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
લિંબાયતમાં ભાજપનો કાર્યકર્તા પોલિંગ બુથમાં ઘૂસતા હંગામો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સવારથી જ લોકો મતદાન માટે મોટી સંખ્યામાં પોલિંગ બુથ પર પહોંચી રહ્યા છે. દરમિયાન લિંબાયતના શિવાજી નગર ખાતેના પોલિંગ બુથ પર હંગામો મચી ગયો હતો. ભારતીય જનતા પાર્ટી નો બબ્બૂ શેખ નામનો કાર્યકર્તા પોલિંગ બુથમાં ઘુસતા કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ પાટીલ અને તેમના કાર્યકર્તાઓએ વાંધો ઉઠાવતા હોબાળો મચી ગયો હતો. આખરે પોલિસે મધ્યસ્થી કરી મામલો થાળે પડ્યો હતો.