સુરત: ચૂંટણી પ્રચાર ભલે શુષ્ક રહ્યો હોય પરંતુ તેમ છતાં આજે મતદારો મતદાન માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. સુરતમાં ઢોલનગાડા સાથે વિવિધ સમુદાયો દ્વારા સમુહમાં વોટિંગ કરવા પહોંચ્યા હતા. જૈન સમુદાય અને સિટીલાઈટના એક એપાર્ટમેન્ટના લોકો સમુહમાં વોટિંગ કરવા મતદાન કેન્દ્રો પર પહોંચ્યા હતા. જ્યારે ઘોડદોડ રોડ, વેસુના એક વેપારી તો હાથી લઈ મતદાન કેન્દ્ર પર ગયા હતા. વરાછાના પાટીદારોની મતદાન પ્રત્યે થોડી ઓછી રૂચિ જણાઈ હતી. તેથી ગોપાલ ઈટાલિયાની બેઠક કતારગામ પર સવારે ઓછું મતદાન જોવા મળ્યું હતું. ગીતાનગર ફૂલપાડાના એક મતદાર તો ખભે ગેસનો બાટલો લઈ મતદાન કરવા જતા જોવા મળ્યા હતા. જસ્મિન મર્ચંટ નામના આ મતદારને આવું કરવાનું કારણ પૂછ્યું તો તેણે જે જવાબ કે સાહેબે કહ્યું બાટલો લઈ મતદાન કરવા જજે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પહેલું તબક્કાનું મતદાન આજે સવારે 8 કલાકથી શરૂ થયું છે. વહેલી સવારે મતદાન મથકો ખુલ્યા તે સાથે જ કેન્દ્રોની બહાર લાઈનો લાગી ગઈ હતી. યુવાનો કરતા વધુ ઉત્સાહ વૃદ્ધોમાં જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર પહેલાં તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે. સવારે 9 વાગ્યા સુધીના પહેલાં એક કલાકમાં સરેરાશ 4.52 ટકા મતદાન થયું છે. સૌથી ઓછું આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની બેઠક કતારગામ, સંગીતા પાટીલની લિંબાયત બેઠક પર ઓછું મતદાન જોવા મળ્યું છે.
સુરતમાં જૈનો દેરાસરમાંથી સીધા મતદાન કરવા પહોંચ્યા
સુરતમાં જૈન સમાજના 50 લોકોના ગ્રુપે મતદારોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દેરાસરમાં પૂજા કર્યા બાદ 50 જણાનું ગ્રુપ ઢોલ નગાડાની તાલ સાથે વોટિંગ કરવા પહોંચ્યું હતું. સુરતના મજુરા વિધાનસભા વિસ્તારના આ મતદારોએ ઉમરા પોલીસ મથક ખાતે બનાવાયેલા બુથ પર મતદાન કર્યું હતું. આ ગ્રુપમાં યુવાન, વૃદ્ધો સૌ કોઈ હતા.
વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ
સુરતના અનેક મતદાન મથકો પર આ વખતે પહેલીવાર દિવ્યાંગ અને વૃદ્ધ અશક્ત મતદારો માટે વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ લઈ વૃદ્ધોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.
સુરતમાં પહેલાં કલાકમાં સરેરાશ 4.4 ટકા મતદાન
સુરત શહેરની 12 વિધાસભા બેઠકો પર પહેલાં એક કલાકમાં સરેરાશ 4.4 ટકા મતદાન થયું હતું. શહેરમાં મતદાન મથકોની બહાર સેલ્ફી ઝોન બનાવાયા હતા, જ્યાં વોટિંગ કર્યા બાદ મતદારો સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. સુરત જિલ્લામાં 9 વાગ્યા સુધીમાં સૌથી વધુ માંડવીમાં 8.22 ટકા જ્યારે સુરત શહેરના કતારગામમાં 1.41 ટકા મતદાન થયું છે. સૌથી વધુ ડાંગ જિલ્લામાં 7.76 ટકા અને સૌથી ઓછું ભરૂચ જિલ્લામાં 3.44 મતદાન થયું. વાપીમાં ઈવીએમ ખોટકાયું હતું. વાપીના 193 નંબરના બુથ પર ઈવીએમ ખોટકાયું હતું. નાંદોદના મતદાન મથકના ગેટ ખૂલતાની સાથે જ મતદારો વોટિંગ કરવા દોડી ગયા હતા. ડાંગ જિલ્લામાં સવારે 9 વાગ્યા સુધીમાં જ 7.76 ટકા મતદાન થઈ ગયું હતું.
સુરત જિલ્લામાં 47.45 લાખ મતદારો
સુરત જિલ્લામાં કુલ 47.45 લાખ મતદારો છે. જિલ્લાની 16 બેઠકો પર 168 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં 4623 મતદાન મથકો છે, જેમાં 14 સહાયક મતદાન મથકોનો ઉમેરો થતાં હવે 4637 મતદાન મથકોમાં મતદાન થયા છે. 2633 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થઈ રહ્યું છે. 1903 સંવેદનશીલ મતદાન મથકો છે, જેના 526 લોકેશન પર માઈક્રો ઓબ્ઝર્વર, લાઈવ વેબકાસ્ટીંગ, સીઆરપીએફ તૈનાત કરાઈ છે. 16 વિધાનસભામાં 16 મોડેલ, 16 દિવ્યાંગ મતદાન મથકો, 112 મહિલા સંચાલિત સખી મતદાન મથકો તેમજ 16 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાયા છે.