સુરત: આગામી તા.1લી ડિસેમ્બરે ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કામાં સુરત (Surat) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન (Voting) યોજાવાનું હોઇ, ગુજરાત સરકારે આજે તા.1લી ડિસેમ્બરે જે જે જિલ્લાઓમાં મતદાન યોજાવાનું છે ત્યાં ખાનગી, અર્ધસરકારી, સરકારી સહિત તમામ ઉદ્યોગ, ધંધા, રોજગારોમાં સવેતન રજા ઘોષિત કરી છે. જેથી મતદાનની ટકાવારી વધારી શકાય.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીના નામથી બહાર પાડવામાં આવેલા નોટીફીકેશનમાં જણાવવામાં આવ્યું છે કે તા.1લી ડિસેમ્બરે તથા તા.5મી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાવાનું છે. આથી આ બન્ને દિવસોએ જે જે જિલ્લાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે. મતદાર જે મત વિભાગમાં વસવાટ કરતો હોય પરંતુ, તેમની નોકરી, વ્યવસાય મત વિભાગની બહારના વિસ્તારમાં આવેલી હોય તો તેવા મતદારોને સવેતન રજાનો હક્ક આપવાનો રહેશે. આ પરિપત્રને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની ઔદ્યોગિક વસાહતો, ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીઓ, ખાનગી ઉદ્યોગ સમૂહો, સંગઠનો, સંસ્થાઓ, એસોસિએશનોને પાઠવીને કામદારોને મતદાનના દિવસે સવેતન રજા આપવા માટે સૂચના આપવામાં આવી છે.
જાહેર પ્રચાર બંધ : હવે ગ્રુપ મીટિંગોના દોર સાથે ઉમેદવારો એડીચોટીનું જોર લગાવશે
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત થાય એ પહેલાં રાજકીય પક્ષના ઉમેદવારોએ બાઈક અને વાહન રેલી કાઢીને પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. રાજકીય પક્ષોના ઉમેદવારોના શક્તિપ્રદર્શન સાથે સાથે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. ડોર ટુ ડોર પ્રચાર બંધ થવા સાથે સોશિયલ મીડિયામાં પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા જાતજાતના મેસેજથી ઊભરાઈ રહ્યું છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવાવ માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે.
મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મંગળવારે સવારથી વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં બાઈક અને વાહન રેલી કાઢી હતી. આ રેલીમાં પ્રચારમાં બાકી રહી ગયેલા તમામ વિસ્તારને આવરી લેવાનો પ્રયાસ કર્યો હતો. સુરતના કેટલાક વિધાનસભા વિસ્તાર એટલા મોટા છે કે જેમાં વાહન રેલી પણ ઓછી પડી શકે તેવા છે. તેમ છતાં રાજકીય પક્ષોએ મંગળવારે સવારથી જ પોતાના વિસ્તારમાં બાઈક રેલી સાથે શક્તિ પ્રદર્શન કરવા ઉપરાંત મતદારોને રિઝવવા માટેનો પ્રયાસ કર્યો હતો.
ચૂંટણી જાહેર થવાની સાથે જ કેટલાક રાજકીય પક્ષો સોશિયલ મીડિયામાં ભરપૂર પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પરંતુ સાંજે મતદાન માટેની અવધી પૂરી થયા પહેલાં જ સોશિયલ મિડીયા ઘણું જ આક્રમક બની ગયું હતું. રાજકીય પક્ષો પોતાનો પ્રચાર કરવા સાથે સાથે એકબીજા પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિ પર આક્રમક બનાવી દીધી છે. આ ઉપરાંત ડોર ટુ ડોર અને માઉથ ટુ માઉથ પ્રચાર માટે પણ રાજકીય પક્ષના નેતા-કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે.